સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ઉત્તમ વિવેચકો
આપણા વિવેચનસાહિત્યને સો વર્ષ થયાં. નવલરામનું થોડુંક વિવેચનકાર્ય બાદ રાખીએ, તો અત્યાર સુધીના ગુજરાતના ઉત્તમ વિવેચકો મારે મન ત્રણ છે : આનંદશંકર, બલવંતરાય અને રામનારાયણ. આમાંના પાછલા બે કવિઓ પણ છે. ગુજરાતી કવિતાની લખાવટ ઉપર બલવંતરાયની કવિતાનો પ્રભાવ એમના વિવેચન કરતાં પણ વધારે સૂક્ષ્મ અને સઘન છે. આનંદશંકર અને રામનારાયણભાઈનું એક સાથે સ્મરણ થાય છે એ તો એ કારણે કે શુદ્ધ કાવ્યપદાર્થમાં જ એમને રસ છે. કાવ્ય સિવાય કશાનો કક્કો એમને ખરો કરવાનો નથી. બલવંતરાયમાં કેટલીક વાર અતિઆગ્રહ વગેરેનો ભેળ વરતાશે. આનંદશંકર અને રામનારાયણભાઈનાં વિવેચન વખત જશે તેમ સુજ્ઞ અને સૂક્ષ્મદર્શી સાહિત્યસેવાઓ પર વધારે ને વધારે પકડ જમાવશે. ૨૦મી સદીના અંત સુધીમાં એમના જેવા એકબે વિવેચકો ઉમેરાય તો હું ઘણો સંતોષ માનીશ. કવિતાલેખકો, લખતી વેળા, બલવંતરાયની અસર નીચે ગમે તેટલા હોય, રામનારાયણભાઈ સૌ કવિતાલેખકોના અંતરાત્માના રખેવાળ સમા હતા જ.