સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/એ વિભૂતિઓ ક્યાં છે?

          ગયાં સો વર્ષોમાં એકસાથે ભારતમાતાની કૂખમાંથી કેટલાં રત્નો નીકળ્યાં! હિંદના કોઈ પણ એક ખૂણાના સંતોની અસર આખા દેશમાં વ્યાપી શકે, એવું પહેલાંનું જીવન હતું. એક સંતજનના હૃદયમાં ઊર્મિ ઊછળે, અને સારા દેશના હૃદયના તાર ઝણઝણી ઊઠતા. આજે વ્યવહારનાં આટઆટલાં સાધનો ખડકાયાં છે, રોજ વર્તમાનપત્રો બહાર પડે છે, તેમ છતાં એ વખતના જેવું એકતારપણું આપણે સાધી શક્યા છીએ કે કેમ એ વિચારવા સરખું છે. દેશને ખૂણેખૂણે ફરીએ અને એક નિશ્વાસ નીકળી જાય છે : એ વિભૂતિઓ ક્યાં છે? આપણને પ્રેરણા આપે એવા પુરુષો ક્યાં છે? એવી સન્નારીઓ ક્યાં છે? પ્રજાઓને મહાનરો જોઈએ છે. પ્રજાની વીરપૂજાની ભાવનાને જાગૃત કરી તેની કાર્યશીલતાને એક વધુ વળ આપવાનું પૂર્વજોના નામસંકીર્તનથી વધારે સુકર બને છે. પણ પ્રજામાં વીરપૂજાની ભાવના કેળવવી જ હોય તો ધ્યાનમાં રાખવું જોઈએ કે પૂર્વજોમાંથી ઉત્તમોત્તમને જ વીરપૂજાના અર્ઘ્ઘ્ય અર્પવામાં આવે. જે પ્રજા સાચા પૂર્વજોને ઓળખી શકતી નથી, તે ક્રમે-ક્રમે પૂજ્ય પુરુષો પેદા કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. પૂર્વજોમાંથી પ્રથમ કક્ષાનાઓને પડતા મૂકી ઊતરતી કક્ષાના ઠિંગુજીઓને જે પ્રજા પૂજે છે, તે પોતાના આદર્શોને પણ એ ધોરણ પર લાવી મૂકે છે. આપણી પ્રજામાંથી માણસો નીકળશે, સરસ માણસો નીકળશે. સહન કરીને, પડતા-આખડતા આગળ વધશે. ભારતના લોકોમાં મૂલ્યો માટે રુચિ છે. અનેક ઋષિમુનિઓએ આ પ્રજાને લાડ લડાવેલાં છે. આપણી જે સાધના છે તેને આપણે ઉજાળીશું.

યુગો પછી પહેલી વાર પ્રજાસત્તાકનો મોભો પ્રાપ્ત કરનાર આપણા આ મહાન દેશમાં લોકશાહીને મજબૂત બનાવવામાં આપણા તરફથી નજેવો ફાળો અપાયો છે. લોકશાહી તો એક વટવૃક્ષ જેવી છે. જેમ વડ ઊંચો જાય છે તેમ તેને નીચે પાછા વળવાનું સાંભરે છે, અને જમીન તરફ શાખાઓ ફેલાવી માટીમાં એ મૂળિયાં નાખે છે. લોકશાહી તો જ જીવી શકે, જો શાખાઓ મૂળિયાં જમાવે. પછી એ ગમે તેવા ઝંઝાવાતની સામે અડીખમ ઊભી શકે. વાવાઝોડાની સામે લોકશાહીને પગભર રાખી શકે એવી ઘણી ઘણી સંસ્થાઓ હોવી જોઈએ. ઇતિહાસાચાર્ય ટૉયન્બીએ લખ્યું છે કે હવે જે આધ્યાત્મિક પુરુષો આવશે, તે “સ્લમ ઑફ પોલિટિક્સ”(રાજકારણીય ગંદા નિવાસ)માં રહેવા તૈયાર થશે. પોલિટિક્સનો છોછ રાખ્યે નહીં ચાલે. આપણે સમાજના બધા વહેવારમાં રહેનારા રાજકારણનો છોછ રાખીએ તે ન ચાલે; કેમ કે આપણે રાજકારણને છોડીએ ભલે, રાજકારણ આપણને છોડશે નહીં. સમાજના ઉત્તમ પુરુષોએ તેમાં પડવાનું રહેશે. રાગદ્વેષો પાંખા-પાતળા કરી સમાજને માર્ગદર્શન આપવું પડશે, ઘણું સહન કરવું પડશે, અનેક કડવા ઘૂંટડા ગળવા પડશે. લોકો માટે ભારોભાર અનુકંપા રાખી દરેક સમજદાર માણસે સક્રિય થવાનું છે. સમાજ-જીવનમાં થોડીઘણી ખડખડ-ભડભડ તો થાય જ. એ સમાજજીવન ઓછામાં ઓછું વિસંવાદી રહે, એ જ આપણી જીવનસાધના.

મારા ગામમાં એક લોકોક્તિ વપરાય છે : “મોભે ખીલા”. છાપરાના મોભને ખીલા વેઠવા જ પડે. એક ઉપખંડ જેવા વિશાળ ભારતદેશના નેતા થવાની જે પરવા કરે, તેણે ટીકા તો ખમવી પડે. વહીવટકારો ઉપર સતત ટીકાનો મારો રહે, એ સારું છે. અને જેઓ ટીકા વરસાવે તેઓ એક સેવા બજાવી રહ્યા હોય છે. સોક્રેટિસે કહ્યું હતું કે રાજ્યનો ઘોડો, બગાઈ ચટકા ભરતી રહે તો, સારી હાલતમાં રહે. આપણે ઘણી વધુ બગાઈઓ જોઈએ છે. લોકશાહીમાં પ્રજાની મુખ્ય ફરજ જ્યારે પણ તેને રાજકર્તાઓ સવળો માર્ગ ચૂકી ગયેલા લાગે ત્યારે તેમને બદલવાની છે. અને પ્રજાની ફરજો અંગે પાયાની એક વસ્તુ વિસાર્યે કદી ચાલવાનું નથી. ‘યત્યત્ આચરતિ શ્રેષ્ઠઃ, તત્ તત્ એવ ઇતરોજનઃ.’ ઉત્તમ લોકોનાં, ઊંચે સ્થાને બેઠેલા લોકોનાં આચરણોનો જેટલો જનજીવન ઉપર પ્રભાવ પડશે, તેટલો કાયદાકાનૂનોનો હરગિજ નહીં પડે. [‘સંસ્કૃતિ’ માસિક : ૧૯૭૬]