સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/દે વરદાન એટલું
સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીનસંકલ્પ હજો કદી મન;
હૈયું કદીએ ન હજો હતાશ;…
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંનાં અમી ના સુકાય,
ન ભોમકા ગાય વસૂકી શી હો!…
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલવૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રિણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા.
ને બ્રાહ્મણો — સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને…
સ્વતંત્રતા, દે વરદાન આટલું.