સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/જગાડું?


ચાલ્યો જઉં ચૂપચાપ?-કે હું સાદ પાડું?
ચાલ્યા જતા ચૂપચાપ સૌ રસ્તે જનારા;
હારી ગયા બૂમ પાડી પાડી કૈં બિચારા;
હાલે નહિ ઘોરંત પથના બેય આરા!
ના કોઈએ પંથી તણી બૂમ સાંભળી;
થોડાં જરી હાલી જતાં પડખું વળી-
સેર ઊંઘની તૂટી એવી જતી મળી
બમણે બળે લાગે : ન શું ઊઠશે ફરી?
જગાડું?
સંતોષના, આનંદના ખ્યાલો જૂઠા મારી ભગાડું?
સદીઓ લગી અન્યાયનું શાસન સહી,
એને ખરો વ્યવહાર, આલંબન લહી,
આ જંજીરોને ઝાંઝરો માની લઈ,
આ જાળને ચાદર ગણી ઓઢી લઈ,
જનતા બધી ટૂંટિયું વળી પોઢી ગઈ!
જગાડું?
ચિત્કારમાં સર્જેલ છે ગીત તે બગાડું?
મણબંધ માથે બોજ લઈને વેઠિયાઓ ગાય છે!
શી ટીપણી-ગીતે ઊંચી આ મંજિલો બંધાય છે!
શી વાવણીની લાવણીથી પરધરા ય વવાય છે!
એને કહું?-તું વેઠિયો, એ શેઠિયો શાને, ભલા?
એને કહું?-તું મ્હેલ બાંધે તોય તારે આભલાં?
એને કહું?-તું વાવતો, પણ પારકાં આખર ખળાં?
જગાડું?
ના’નંદ તો આપી શકું : ગીત બંધ પાડું?
હા, ગીત બંધ કરી શકું;
આરામની એ ઊંઘનેય હરી શકું;
પણ પૃથ્વી લૈ અમરાપુરીની ભેટ ના જ દઈ શકું;
હું નયન એ લોકને આંજું સુપંન,
હું તો હૃદય એ લોકને સ્થાપું અગંન;
પછી તો ક્ષણે ક્ષણ આગ ને, બસ, આગ છે,
બુંગિયો વાગ્યો પછી તો લોહીની, બસ, માંગ છે;
આ પેઢીએ ખુદ ના પછી રે માણવું,
આપણા બલિદાનનું ને ખૂનનું ખાતર થવું,
આવતી પેઢી તણા નસીબે લખ્યો, હા, બાગ છે.
એ આવતી પેઢી તરફ મારી નજર,
જોઈ શકું હું દૂરથી બડી એ ફજર!
મધરાતના અંધારમાં જરી કોઈને વ્હેલો ઉઠાડું?
ચાલ્યો જઉં ચૂપચાપ?-કે હું સાદ પાડું?