સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉશનસ્/બીજું કોઈ કામ બાકી નથી
કવિ લેખે મારે હવે બીજું કોઈ કામ કરવાનું બાકી રહ્યું નથી. હવે હું આ તારકો અને તૃણને તાક્યા કરીશ. મારે હવે વર્ષાઋતુમાં પલળ્યા કરવું છે અને ઓગળી જવું છે. મારા શરીર ઉપર ઘાસનાં બીડ ઊગી નીકળે તેની રાહ જોતો હું બેસી રહીશ. મારે હવે પાનખરઋતુમાં ખરી જવાપણું માણવું છે. ઊભા ઊભા જ ટેકરીમાં પલટાઈ જવું છે. બસ, મારી કવિતાને આથી વધુ બીજી કોઈ કામગીરી રહી નથી. [‘અશ્વત્થ’ પુસ્તક]