સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/એસ. જયપાલ રેડ્ડી/અંતિમ લાલસાને જીતનારો
છ દાયકાથી વધુ લાંબા કાળ સુધી ઇન્દ્રજિત ગુપ્તાએ જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કરેલું. સંસદમાં એમની સાથે કામ કરવાની તક મને સાંપડેલી, એટલે તેમાં એમણે કરેલું અર્પણ સૌથી પહેલું મારા મનમાં આવે છે. સત્યમૂર્તિ, શ્યામપ્રસાદ મુકરજી, હીરેન મુકરજી, ભુપેશ ગુપ્તા, નાથપાઈથી માંડીને મધુ લિમયે સુધીના અનેક મહાન સંસદીય નેતાઓ આધુનિક ભારતે પેદા કરેલા છે, તેમાં ઇન્દ્રજિત ગુપ્તાનું સ્થાન અવશ્ય છે; પરંતુ પોતાની રીતે તેઓ અજોડ હતા. એક વક્તા કરતાં વધારે તો તે એક ચર્ચા કરનારા હતા. સાદી ને અસરકારક રીતે બોલવાની એક વિશિષ્ટ કલા એમની પાસે હતી. સંસદમાં એક નાના પક્ષના નેતા તરીકે, કોઈ પણ વિષય પર છેલ્લે બોલનારાઓમાં એમનો વારો આવતો. તેમ છતાં તેની ઉપર એ નવો પ્રકાશ અચૂક ફેંકતા અને સરકાર તરફથી એ મુદ્દાઓને આધારે ચર્ચાનો જવાબ વાળવામાં આવતો. ભાષાના ભભકા વગરની એમની બોલવાની સાદી ઢબ ઉપરથી એમની બહુવિધ વિદ્વત્તાનો ખ્યાલ પણ ન આવે. નાણાકીયથી માંડીને વિદેશી બાબતો સુધીના વિષયો ઉપર તે અધિકારપૂર્વક બોલી શકતા અને સંરક્ષણથી મજૂર પ્રશ્નાો ઉપર પણ. લોકસભામાં તે અગિયાર વખત ચૂંટાઈ આવ્યા હતા એ વિક્રમ લાંબા કાળ લગી અતૂટ રહેવાનો સંભવ છે. ઇંગ્લંડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્યારે એ સામ્યવાદી બનેલા અને પછી છ દાયકાઓ સુધી એમણે પોતાની જાત કામદાર ચળવળને અર્પણ કરી દીધી હતી. ગૃહખાતાના મંત્રી બન્યા ત્યારે સત્યવક્તા તરીકે સરકારી પક્ષને તે મૂંઝવણમાં મૂકી દેતા અને વિરોધ પક્ષોને વશ કરી લે તેટલી નિખાલસતા બતાવતા. ગુપ્તા એક ઉત્તમ મનુષ્ય પણ હતા. સામાન્ય સંસદ સભ્યોના સાદા નિવાસસ્થાન વેસ્ટર્ન કોર્ટમાં એ ચાલીસ વરસ સુધી રહેલા. ભારતના ગૃહમંત્રી બન્યા પછી પણ એ મામૂલી સ્થાનમાંથી નીકળવાની એમણે ના પાડી દીધેલી. સૌ સાંસદો માટેની બસમાં બેસીને જ એ માનનીય ગૃહમંત્રી સંસદ સુધી આવતા. દિલ અને દિમાગના દીપી ઊઠે તેવા ગુણો માટે સર્વત્રા એમનો આદર થતો, પણ પ્રશંસાનાં ફૂલ કોઈ વેરે તે એમને કદી ગમતું નહીં. પોતાની ઉદ્દામ વિચારધારાને સતત વફાદાર રહેલા ગુપ્તા સંસદીય એટિકેટ ચુસ્તતાપૂર્વક પાળતા અને બીજાઓ તે પ્રણાલિકાનો ભંગ કરે ત્યારે પોતાની નારાજી બરાબર વ્યક્ત કરતા. સંસદીય વર્તણૂકનાં નીચાં ઊતરતાં જતાં ધોરણો વિશેની એમની વેદના અને નફરત સુધ્ધાં તેઓ જીવનનાં છેલ્લાં વરસોમાં વ્યક્ત કરતા રહેલા. આખી જિંદગી એમણે જાહેર જીવનને અર્પણ કરી દીધી હતી, છતાં પોતાની જાત વિશે એ કદી કાંઈ બોલતા નહીં. એમણે આપેલા ફાળા વિશેની વાતોને પણ તે ઉત્તેજન આપે નહીં. જાતે સ્વીકારેલી સાદગી વચ્ચે પણ કોઈ એકાકી અમીર જેવું સ્થાન એમને વરેલું. જાતને ભૂંસી નાખવી, એ એમની કદાચ સૌથી વધુ આદરપાત્રા સિદ્ધિ હતી. એમણે સતત ચલાવેલી લડત વિશે કે પ્રજાની સેવા માટે એમણે આપેલા સંપૂર્ણ બલિદાન માટે કોઈ જાતની પ્રસિદ્ધિથી તે વેગળા રહેતા. મહાકવિ મિલ્ટને કહેલું કે કીર્તિની વાંછના એ ભલભલા ઉમદા આદમીઓની પણ અંતિમ નબળાઈ બને છે. ઉમદા મનુષ્યની પણ એ આખરી લાલસા ઇંદ્રજિત ગુપ્તાએ સંપૂર્ણપણે જીતી લીધેલી હતી. કોઈ પણ જાતની મહત્ત્વાકાંક્ષા વિનાના સમર્પિત જીવનનું મહાન દૃષ્ટાંત એ મૂકતા ગયા છે. [‘આઉટલુક’ અઠવાડિક : ૨૦૦૧]