સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ માણેક/મોહ્યા મોહન
જમના-આરો જતો કરીને, તજી કદમ્બની છાયા,
દઈ ઉતારી અન્તર-વળગી વ્રજમંડળની માયા;
દુર્ગમ વગડા વીંધી, અણગણા પાર કરી નદનાળાં,
આ ધરતીમાં પ્રભુએ ભાળ્યાં ક્યાં ભવ્ય અજવાળાં?
જડ્યું ન શું ગોવર્ધનમાં, જે અહીં ગિરનારે લાધ્યું!
ઊણું શું કાલિન્દી-તટ, જે અહીં સાગરતટ સાધ્યું!
કે બચપણ ને નવજોબનની ક્રીડાભૂમિ ત્યાગી
થયા હરિ આ દૂર દૂરની ધરતીના અનુરાગી!...
વહાલ-હેત દીઠાં’તાં હરિએ નન્દજી તણા ભવનમાં,
ગોકુલ-ગોપ-ગોપી-જન-મનમાં, વૃંદાવન મધુવનમાં,
વ્રજ-આંગણ-રજ-રજોટાયેલા કામધેનુના ધણમાં,
ને તોયે મોહ્યા મોહન આ ધરતીના નર્તનમાં!
[‘ગુજરાતમિત્રા’ દૈનિક : ૧૯૬૦]