સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાંતિ ભટ્ટ/આબરૂ અને કીર્તિ
જાપાનના લોકો પોતાની આબરૂને બહુ જ મહત્ત્વ આપે છે. કોઈ પણ સંજોગોમાં માણસની આબરૂ ન જ જવી જોઈએ. આબરૂ જાય તો કેટલાક આપઘાત કરે છે. માત્રા કોઈ વ્યક્તિની જ આબરૂ નહિ, વેપારી પેઢીની, ઉદ્યોગની કે સંસ્થાની પણ આબરૂ હોય છે. તેને લાંછન ન લાગવું જોઈએ.
ટોળું જ્યારે તમને તત્કાલ કીર્તિ આપે છે, ત્યારે તેવી કીર્તિ માણસને વહાલી લાગે છે. પણ એવી ટોળા-બક્ષિત કીર્તિ ક્ષણભંગુર હોય છે. સસ્તી કીર્તિ આપનારું ટોળું પછી નાનું એવું કારણ મળતાં પણ તમારી કીર્તિનાં તમામ લૂગડાં ઉતારી લે છે. ટોળાએ આપેલી કીર્તિને તમે સ્વીકારો, તો ટોળું લાત મારે તે પણ સ્વીકારવી જોઈએ. [‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૫]