સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/આપણો રાષ્ટ્રીય રિવાજ
મારા નાનપણની વાત છે. તે વખતે લાંચખોરી અપ્રતિષ્ઠિત મનાતી નહીં. ત્યારથી મને લાગ્યું છે કે લાંચખોરી આપણો રાષ્ટ્રીય રિવાજ થયો છે; એ બહારથી આવેલી બદી નથી. બહારના લોકોએ આપણને અનેક જાતના દોષોની દીક્ષા આપી, પણ લાંચરુશવત આપણે કોઈની પાસેથી શીખવી પડી નહીં. પહેલાં સરકારનું ક્ષેત્ર પરિમિત હતું, તેથી લાંચખોરી પરિમિત હતી. હવે સરકારી ક્ષેત્ર સર્વવ્યાપી અને સર્વસમર્થ થવા લાગ્યું છે, તેથી લાંચખોરીનું ક્ષેત્ર પણ વધ્યું છે. સમાજની નૈતિક ભૂમિકા ઊંચે લઈ જવાની જવાબદારી સમાજના તટસ્થ પ્રભાવશાળી નેતાઓની છે. જેમનામાં જ્ઞાન, કૌશલ્ય અને સમાજસેવા — આ ગુણો છે, તેઓ જે પ્રમાણેનું આચરણ કરશે તે જ પ્રમાણે બીજા લોકો ચાલશે. એમનું જ સ્તર જો નીચે ઊતરે, તો સમાજનું સ્તર પણ પડ્યા વિના રહે નહીં. લાંચખોરી માટે શિક્ષા હોવી જોઈએ. પણ કેવળ શિક્ષા પર મારી શ્રદ્ધા નથી. અને છાપામાં કરેલી નિંદા પર પણ નથી. શિક્ષાથી માણસ સુધરતો નથી. અને છાપામાં તો સજ્જનોની પણ એટલી ટીકા થતી હોય છે કે આવી ટીકાની કશી અસર થતી નથી. [‘કાકા કાલેલકર સાથે વિવિધ વાર્તાલાપ’ પુસ્તક]