સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/દોહન કરનાર નીકળશે
ભિન્ન ભિન્ન વખતે લખેલા લેખોનો સંગ્રહ છપાવતી વખતે એમાં કાટછાંટ કરીને પુનરુક્તિ ટાળવાનો મારો ધર્મ હતો. તેનું પાલન કરવા જેટલી નવરાશ મને નથી. અને છતાં એ સંગ્રહ છપાવવા જેટલો ઉત્સાહ છે. આશા રાખી હતી કે કાટછાંટ કરીશ, ફકરાઓ એક વિશિષ્ટ અનુક્રમ પ્રમાણે ગોઠવીશ. પણ હવે જોઉં છું કે કામો વધે છે અને શારીરિક શક્તિ ઊલટી ઘટે છે. હજી વાંચવાનું ઘણું છે. વિચારવાનું એથીયે વધારે છે. ફલાણું લખીશ, ઢીંકણું લખીશ, એવા કરેલા સંકલ્પોનો ઢગલો ઊંચો થતો જાય છે. એટલે જૂનું સમારવાનું અને સુધારવાનું કામ હું કરી શકીશ, એની આશા ઓછી થતી જાય છે. આ લખાણોમાં કાંઈક ગ્રાહ્યાંશ હશે, તો એનું દોહન કરનાર કોઈક તો નીકળશે જ.