સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/સારો ખેલાડી
કેવા કેવા લોકો સહકારી તરીકે બાપુજીને મળ્યા! પણ એમણે કદી ફરિયાદ કરી નહીં. પાનાંનો સારો ખેલાડી જે હોય છે તે લઈને રમે છે; હાથમાં ખરાબ પાનાં આવ્યાં, એવી ફરિયાદ કરતો નથી. એ કહે છે કે, “ગમે તેવાં પાનાં આવે, હું તો એ લઈને બરાબર રમતો રહેવાનો; રમત તોડવાનો નથી.” પોતાના આખા જીવનમાં બાપુજીએ ફરિયાદ કરી નથી કે, ભગવાને મને આવા સાથીઓ શા માટે આપ્યા, અથવા આવો દેશ કેમ આપ્યો? જે કાંઈ ભાગે આવ્યું, તેનો એમણે યોગ્ય અને ઉત્તમ ઉપયોગ કર્યો, એવી અદ્ભુત શક્તિ એમનામાં હતી. આટલા જુદા જુદા પ્રકારના લોકોને સાચવવા, એમની પાસે મોટાં મોટાં કામ કરાવવાં, અને વળી સત્યનો દ્રોહ ક્યાંય ન થાય તે માટે સાવધ રહેવું, એ કાંઈ નાનીસૂની સિદ્ધિ નથી.