સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કેશુભાઈ પુ. ચૌહાણ/ચંદાની માસી
શનિવારનો દિવસ હતો. શાળા સવારની હતી. બાળકો છૂટી ગયાં હતાં. કેટલાક શિક્ષકો ઑફિસમાં બેસી ફીની વિગતો લખતા હતા, ત્યારે કેટલાક વાતો કરતા બેઠા હતા. ત્યાં દાદરા પરથી અવાજ સંભળાયો. કોઈ લડતું હોય તેવો તે અવાજ હતો. “ચાર-ચાર મહિને પ્રગતિપત્રાક ભરાઈને આવતું નથી — આજે તેનું મોં જોયું! અમારું છોકરું શું ભણે છે, તેની અમને શી ખબર પડે? છ મહિનાથી આવે છે અને કંઈ આવડતું નથી. પૈસા કંઈ મફતના આવે છે? અમે પણ બાલમંદિર ચલાવીએ છીએ — પણ તમારા જેવું નહિ!” આવા શબ્દો મારા કાન પર અથડાયા. કોણ છે અને શું છે તે જાણવા મેં તેમને શિક્ષક દ્વારા બોલાવ્યાં. “કેમ, બહેન, શી બાબત છે?” “જુઓને, આ મારી ચંદા છ-છ મહિનાથી બાળમંદિરમાં આવે છે, તોય તેને કંઈ આવડતું નથી. પ્રગતિપત્રાક પણ આજે જોવા મળ્યું. તમે તે ભણાવો છો કે શું કરો છો?” “ચંદા કયા ધોરણમાં છે?” “પહેલા ધોરણમાં.” “તો પ્રગતિપત્રાક વિશેની તમારી ફરિયાદ બરાબર નથી. પહેલા ધોરણના શિક્ષક બહુ નિયમિત છે. તેમનાં પ્રગતિપત્રાકો વખતસર મારી પાસે સહી કરાવવા આવે છે.” “પણ અમને તો ચંદાની થેલી તપાસતાં આજે જ પ્રગતિપત્રાક મળ્યું.” “આમાં શિક્ષકનો શો દોષ? પ્રગતિપત્રાક ન મળ્યું હોય તો તમારે કાળજી રાખી બાલમંદિરમાં તપાસ કરવા આવવું ન જોઈએ? તેનો અભ્યાસ કેમ ચાલે છે તે અવારનવાર શિક્ષકને પૂછવું ન જોઈએ?” “પણ ચંદા કંઈ મારી દીકરી નથી; એ તો મારી બુનની દીકરી છે.” “એમ! ત્યારે તમે ચંદાનાં માસી થાવ, ખરુંને? ભાણીના અભ્યાસમાં તમને સારો રસ છે, જાણી મને આનંદ થયો.” “આ તો હું મારી બુનને ઘેર આવી હતી. એણે મને ફરિયાદ કરી કે, બાલમંદિરમાં ચંદાને કશું ભણાવતાં નથી. ત્યાં ચંદાનું દફતર ફેંદતાં તેનું પ્રગતિપત્રાક મળ્યું. એટલે મેંકુ, લાવને નિશાળે જઈ આવું અને માસ્તરને ધમધમાવી આવું. હુંય આવું બાલમંદિર ચલાવું છું, હોં! એમ ન માનતા કે તમે એકલા જ બાલમંદિર ચલાવો છો.” “તમે બાલમંદિર ચલાવો છો, એમ કે? ઘણા આનંદની વાત છે. આપણે એક જ ધંધાનાં કારીગર.” “હાસ્તો વળી, છોકરાં ભણાવવાં એમાં તે શું? મારા ઘરમાંથી માસ્તર હતા. કોઈ ધંધો ન મળ્યો, એટલે ઓટલા-નિશાળ ચલાવતા. તેમને ખય થયો અને ચાર— પાંચ વરસ પહેલાં તે પાછા થયા.” “અરેરે! બહુ ખોટું થયું. પણ બાલમંદિર ચલાવવાનો વિચાર તમને સૂઝ્યો ક્યાંથી?” “શું કરું? પહેલાં હું બીડીઓ વાળતી, તેમાંથી માંડમાંડ રોટલો નીકળતો. પણ મારી એક ગોઠણ છે. તેય રાંડેલી છે. તેને ઘરનું ઘર છે. તેણે પરસાળમાં બાલમંદિર શરૂ કર્યું. એક ભણેલી છોડીને છોકરાં ભણાવવા રાખી. છોકરાં ધીરે ધીરે આવવા લાગ્યાં. અત્યારે મહિને સો-સવાસો કમાય છે. એનું જોઈ મેં બાલમંદિર કાઢયું. બાલમંદિર કાઢવું એમાં તે શું?” “ત્યારે, બહેન, તમે અને તમારી બહેનપણી શું ભણ્યાં છો?” “માસ્તર, તમે તો બહુ પૈડવાળા...” “તમને કહેવામાં વાંધો હોય તો ન કહેતાં.” “વાંધો તો શો? લોને કહી નાખું. એમાં શરમ શાની? મારી બહેનપણીએ અને મેં નિશાળમાં સાથે મૂંડાવેલું. એક-બે ચોપડી ભણીને અમે ઊઠી ગયેલાં. ગામડામાં ઘેર ઢોર, છાણ-વાસીદું કરવાનું. ઘરનું કામ પણ હોય. બાની તબિયત ઝાકઝીકલી રહે, એટલે બા મને ઘેર રાખે. ઘેર રહેવું મનેય બહુ ગમે. પછી તો અમે પરણી ગયાં.” “ત્યારે તમે ભણાવો શી રીતે?” “તમે તો માસ્તરના માસ્તર રહ્યા! આટલી બધી છોડીઓ ભણેલી છે — તેમને વીસ-પચીસ રૂપિયા આપ્યા એટલે બસ. મેં બે છોડીઓ રાખી છે. આંક લખાવે, કક્કો બોલાવે ને લખાવે, એકાદ-બે ગીત ગવડાવે, વાર્તા કહે, એટલે ચાલ્યું!” “નાસ્તો આપો છો?” “નાસ્તા વિના કંઈ ચાલે? બજારમાં ચવાણું ક્યાં ઓછું મળે છે? ચોથિયા કાગળના કકડા પર ચપટી ચપટી છાંટી દઈએ : છોકરાં રાજી!” “ત્યારે તો મારે તમારું બાલમંદિર જોવા આવવું પડશે. પણ, બહેન, બાલમંદિર જઈને તમે કરો છો શું? તમે ભણાવતાં નથી, તો બીજું કંઈ કામ કરતાં હશો ને?” “જુઓ — પાછો આવો સવાલ પૂછયો? આ તો ઠીક કે તમે ચંદાના માસ્તર છો, એટલે પૂછો છો તેના જવાબ આપું છું. નહિ તો ભલભલા વકીલ પણ મને બોલવામાં બાંધે નહિ, હોં! ઠીક, તમે પૂછ્યું શું? હું ભૂલી ગઈ.” “હું એમ પૂછું છું કે, તમે બાલમંદિરમાં જઈ કરો છો શું?” “એ જ ને! બળ્યું! બાલમંદિરમાં જઈ કરવાનું શું હોય! હું તો ખુરશી પર બેસી રહું છું. એક-બે છોકરાં ધમાલ કરતાં હોય, તેમને ધોલધપાટ મારી છાનાં રાખું છું. એકાદ-દોઢ વાગે એટલે કોઈ માંદું હોય તેની ખબર કાઢવા જાઉં છું, કે કોઈ મરી ગયું હોય તો કાળો સાડલો પહેરી તેને ત્યાં બેસવા જાઉં છું. કોઈ વાર પેલી બાલમંદિરવાળી મારી બહેનપણીને ત્યાં પણ જાઉં. ચાર વાગ્યા પહેલાં પાછી આવી જાઉં છું. હું ન હોઉં ત્યારે ફી આવી હોય તે પેલી છોડીઓ પાસેથી લઈ લઉં છું. છોડીઓ ફીની પહોંચ ફાડે. આમાં શી ધાડ મારવાની હતી?” “વાત સાચી છે. બાલમંદિર ચલાવવું એમાં ધાડ મારવાની નથી હોતી.” “જુઓ, પાછા મહેરકે બોલ્યા? હું તો સાચી વાત કહું છું. મારી પડખે પેલો રામજી પટાવાળો બાલમંદિર ચલાવે છે. બહાર રસ્તા પર મિલમાં જતો કારકુન બાલમંદિર ચલાવે છે. એક તેડાગર બાઈ હતી, તે પતરાંની ખોલીમાં બાલમંદિર ચલાવે છે. આવાં આવાં કેટલાંય બાલમંદિર ચલાવે છે. તમે મારી વાત સાંભળી ભડકો છો કેમ? હું તો કહું છું, ભલું થજો પેલી ગોરી ડોશી — નામ તો નથી આવડતું — તેનું, અને લાંબી લાંબી મૂછોવાળા પેલા ગજુભાઈનું, કે અમારા જેવી રાંડેલીઓને એમણે રોટલો મેળવી આપ્યો. મેં તો મારા બાલમંદિરમાં ગજુભાઈનો ફોટો મઢાવીને રાખ્યો છે. સવારે સેવા-પૂજા કરી એમના ફોટાને રોજ બે ફૂલ ચડાઉં છું.”