સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગંગાબહેન વૈદ્ય/“તો મને દુઃખ થાત!”
જ્યારે બાપુએ દાંડી-કૂચ કરી અને ૭૯ સાથીઓને લઈને ચાલી નીકળ્યા, “આવવું ન આશ્રમે, જો નહીં સ્વતંત્રતા” એ ભીષણ પ્રતિજ્ઞા લીધી, ત્યારે આશ્રમનું કામ ચલાવવાની જવાબદારી બહેનોને સોંપાઈ. કેટલીક બહેનોએ કૂચમાં સાથે જવાની માગણી કરી ત્યારે બાપુએ કહ્યું : “ના, તમને હું કૂચમાં નહીં લઈ જાઉં. તમે લાયક નથી એમ નહીં — પણ સરકારને ખોટી રીતે મૂંઝવણમાં નથી મૂકવી.” બહેનોએ પૂછ્યું, “એ કેવી રીતે?” બાપુ કહે, “જુઓ, હિંદુ અને મુસલમાન સામસામા લડતા હોય તે વખતે મુસલમાન જો પોતાની આગળ ગાય ઊભી રાખે, તો હિંદુ મુસલમાનને કેવી રીતે મારે? મારતાં જરૂર સંકોચ થાય. આમ હું તમને કૂચમાં મોખરે રાખું તો સરકારને તમે બહેનો છો એ રીતે સંકોચ થાય અને તમે અમારી ઢાલ બની જાવ.” બહેનોએ પૂછ્યું, “ત્યારે અમારે કરવું શું?” બાપુએ કહ્યું, “તમારા લાયકનું કામ હું જરૂર વિચારી કાઢીશ ને તમને થોડા વખતમાં જણાવીશ.” પછી સમસ્ત ગુજરાતની બહેનોની સભા વેજલપુર ગામે થઈ અને બાપુએ બહેનોને બે કાર્યક્રમ આપ્યા : પરદેશી કાપડના બહિષ્કાર માટે દુકાનો પર પિકેટિંગ અને દારુતાડીનાં પીઠાં પર પિકેટિંગ. અને ઠેરઠેરથી બહેનો આ કામ માટે નીકળી પડી. હું પણ આશ્રમની અઢાર બહેનોની ટુકડી લઈ બોચાસણ પાસે રુદેલ ગામની સીમમાં પહોંચી અને કામ કર્યું. ત્યાં બોરસદમાં લીલાવતી આસરનું લોકઅપ જેલમાં અપમાન થયું. આથી આખા બોરસદ તાલુકાની એકલી બહેનોનું સરઘસ નીકળ્યું. તે જમાનામાં પંદરસો બહેનોનું એ સરઘસ હતું! પોલીસ આવી. ઝંડો પડાવવા પ્રયત્ન કર્યો. પણ બહેનો વીરાંગના બની હતી. ઝંડો પોલીસને હાથ ન ગયો. આથી બહેનો ઉપર લાઠીમાર થયો. મારા ઉપર લાઠીઓ પડયે જતી હતી. માથા પર, હાથ પર, મોં પર, ગરદન પર અનેક ઘા પડ્યા. માથામાંથી લોહીની ધાર ચાલી અને કપડાં લોહીથી ખરડાઈ ગયાં. પણ કોઈ ડગ્યાં નહીં. બાપુએ આ વાત જાણી ત્યારે યરવડા જેલમાંથી તા. ૨-૨-૩૧ના રોજ મને પત્રા લખ્યો : તમને શું લખું? મેં જેવાં તમને કલ્પેલાં તેવાં તમે દેખાયાં છો. લોહીથી ભીની સુંદર લાગતી સાડી હું જોત તો કેવો હસત! આ અત્યાચારથી હું જરાય દુઃખ નથી પામ્યો; હર્ષ થયો છે. એ મારમાં તમે કોઈ ન હોત તો મને દુખ થાત ખરું. મારનાર ઉપર તમને રોષ નથી આવ્યો એ ભારે વાત છે. કાકુ મારે, તો કંઈ ખીજ કરાય? આ મારનાર તો અગ્નાનથી મૂઢ બનેલા તમારા દીકરા જ હતા.