સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગિજુભાઈ બધેકા/ચોકમાં દાણા નાખ્યા છે
ચોકમાં દાણા નાખ્યા છે
આવો પારેવાં, આવો ને ચકલાં,
ચોકમાં દાણા નાખ્યા છે.
આવો ને કાગડા, આવો ને હોલા,
ચોકમાં દાણા નાખ્યા છે.
આવો ને મોરલા, આવો ને ઢેલડ,
ચોકમાં દાણા નાખ્યા છે.
આવો પોપટડા, મેનાને લાવજો,
ચોકમાં દાણા નાખ્યા છે.
આવો કાબરબાઈ, કલબલ ના કરશો,
ચોકમાં દાણા નાખ્યા છે.
બંટી ને બાજરો, ચોખા ને બાવટો,
ચોકમાં દાણા નાખ્યા છે.
ધોળી છે જાર ને ઘઉં છે રાતડા,
ચોકમાં દાણા નાખ્યા છે.
નિરાંતે ખાજો, આનંદે ખેલજો,
ચોકમાં દાણા નાખ્યા છે.
બિલ્લી નહીં આવશે, કુત્તો નહિ આવશે,
ચોકમાં દાણા નાખ્યા છે.
ચક-ચક કરજો ને કટ-કટ કરજો,
ચોકમાં દાણા નાખ્યા છે.