સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગુણવંત શાહ/જટાયુ

          જટાયુ મારું ‘રામાયણ’નું સૌથી પ્રિય પાત્ર છે. રામ કરતાં પણ વધારે પ્રિય પાત્ર જટાયુ છે મારું. અત્યારે આપણે જે સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છીએ એ સમસ્યાનો ઉકેલ માત્ર જટાયુ પાસે છે. આ જટાયુ કોણ છે? જટાયુને માટે મેં શબ્દો વાપર્યા છે: ‘પારકી છઠ્ઠીનો જાગતલ’. સીતાના અપહરણ વખતે જટાયુ જ્યારે પોતાનું બલિદાન આપવા તૈયાર થયો, ત્યારે ગીધોના સમાજમાં જે વ્યવહારુ લોકો હતા એમણે કહ્યું હશે કે “જટાયુ, આ રામ ને રાવણની તકરારમાં તું કાં પડ્યો? એ બહુ બળવાન લોકો છે. એમાં તારો પત્તો નહીં લાગે. રાવણ ક્યાં અને તું ક્યાં? જરા વિચાર કર.” તો જટાયુએ વડીલોને જવાબ આપ્યો: “મારા જીવતાં રાવણ સીતાનું અપહરણ કરી શકે નહીં. મારા જીવતાં ન થઈ શકે.” અને જટાયુ લડ્યો. ગાંધીજીના ગયા પછી આ સમાજની જટાયુવૃત્તિ ખતમ થતી ગઈ છે. આ સમાજનું એક ધ્રુવ વાક્ય છે કે, આપણે એમાં શું કરી શકીએ? ગાંધીજી ચંપારણ ગયા. ચંપારણમાં એમ કહી શક્યા હોત કે, આપણે તો હવે શું કરી શકીએ? બારડોલી ગયા ત્યારે બોલી શક્યા હોત કે, આપણે એમાં શું કરી શકીએ? ખેડૂતના મહેસૂલનો પ્રશ્ન છે ને એમાં આપણે ક્યાં પડીએ? ‘તો આપણે એમાં શું કરી શકીએ?’ એમ બોલતાં બોલતાં જ ગાંધીજી વિદાય થયા હોત. અંગ્રેજોના રાજમાં એવું જ હતું કે ઘણાખરા લોકો બોલતા કે, અંગ્રેજ સરકાર સામે આપણે નહીં પહોંચી વળીએ. આ જ દેશમાં માટીમાંથી મરદ બનાવ્યા ગાંધીએ. આ નિર્વીર્ય સમાજ હતો તદ્દન. એની પાસે ગાંધીએ જે રીતે કામ લીધું એમાં જટાયુ જીવતો થયો. રામ જ્યારે અયોધ્યા પાછા ફરે છે, ત્યારે પહેલાં કૈકેયીને મળવા જાય છે. કૈકેયી અતિ ક્ષોભિત હતી કે, મારાથી આ શું થઈ ગયું? ચૌદ ચૌદ વર્ષે રામ આવ્યા ત્યારે કૈકેયીને તો મોં બતાવવાનું ભારે પડતું હતું. પણ રામ સામેથી પહેલાં ક્યાં જાય છે? કૈકેયી ભવનમાં. કૌશલ્યા ભવનમાં નથી જતા, પહેલાં કૈકેયી ભવનમાં જાય છે. અને કૈકેયી ભવનમાં એક આશ્ચર્ય, એક વિસ્મય એમની રાહ જોઈને બેઠું છે. વિસ્મય કયું? લક્ષ્મણની પત્ની ઊર્મિલા, ભરતની પત્ની માંડવી અને શત્રુઘ્નની પત્ની શ્રુતકીર્તિ, ત્રણેત્રણ ત્યાં બેઠાં હતાં. તે સીતાની બહેનો હતી. રામે એ ત્રણેયને જોયાં—કૈકેયી ભવનમાં. એટલો હર્ષ થયો કે રામથી બોલાઈ ગયું કે: “આજે હું અતિ પ્રસન્ન છું. ચૌદ વર્ષ પછી તમને મળું છું. તમે ત્રણેય કોઈક ભેટ—કોઈ ઉપહાર મારી પાસેથી માંગી લ્યો. હું અતિ પ્રસન્ન છું. માંગી લો મારી પાસેથી. ઊર્મિલાનો પહેલો વારો. લક્ષ્મણ-પત્ની ઊર્મિલા, તું કંઈક માંગ. જેટલું મૂલ્યવાન માંગી શકે એટલું મૂલ્યવાન માંગ.” ઊર્મિલા જવાબ આપે છે કે: “હે રામ, તમે ચૌદ ચૌદ વર્ષ સુધી લક્ષ્મણને તમારી સાથે રાખ્યા અને ચૌદ ચૌદ વર્ષ સુધી લક્ષ્મણ પર જે પ્રેમ ઢોળ્યો, તે મારે માટે સૌથી મોટો ઉપહાર છે. મારે બીજું કંઈ નહીં જોઈએ.” રામ થોડા નિરાશ થયા કે આ ઊર્મિલા કાંઈ માંગતી નથી. એટલે એમણે માંડવી તરફ નજર કરી. માંડવીને કહ્યું કે, “તું મને નિરાશ નહીં કરતી. તું તો કંઈક માંગ.” એટલે માંડવી કહે છે: “આજે અયોધ્યાના પાદર પર મેં તમારું અને ભરતનું જે મિલન જોયું, તમે ભરતને છાતી સરસા ચાંપ્યા, ચૌદ વર્ષ પછી એના પર આંસુ વહેવડાવ્યાં, એ જ મારો ઉપહાર.” રામ પાછા નિરાશ થઈ ગયા કે, આ બીજી પણ નથી ગાંઠતી મને! છેવટે આશાભરી આંખે રામ શ્રુતકીર્તિ તરફ વળે છે. “શ્રુતકીર્તિ, આ બે તો મારું માનતી નથી, તું તો મારી પાસે જરૂર કંઈક માંગજે.” શ્રુતકીર્તિ કહે છે: “એ બેયે ભલેને ન માંગ્યું, હું તો માંગવાની જ છું.” રામ તો ખુશ થઈ ગયા કે, ચાલો એક જણે તો મારું માન્યું. રામ કહે છે, “બોલ, જરા પણ સંકોચ રાખ્યા વગર જે માંગવું હોય તે માંગી લે.” શ્રુતકીર્તિ કહે છે: “રામ, તમે તાપસ વેશે વનમાં ગયા ને ચૌદ ચૌદ વર્ષ વલ્કલનાં વસ્ત્રો પહેરીને વનવાસ ભોગવ્યો—તમારાં એ વલ્કલનાં વસ્ત્રો મારે જોઈએ છે. વલ્કલનાં વસ્ત્રો મને આપી દો.” રામ કહે છે કે, “અરે! શ્રુતકીર્તિ! તેં માંગ્યાં માંગ્યાં ને આ વલ્કલ માંગ્યાં? મેં તો કંઈક મૂલ્યવાન ઉપહાર લેવાની વાત કરેલી. આ શું માંગ્યું વલ્કલ?” શ્રુતકીર્તિ જવાબ આપે છે: “હે રામ! એ વલ્કલનાં વસ્ત્રો હું અયોધ્યાના રાજપ્રાસાદમાં બધા લોકો જુએ તેમ ગોઠવવા માંગું છું. જેથી ભારતવર્ષની આવનારી પેઢીઓ એટલું સમજી શકે કે રઘુવંશમાં એક રાજા એવો થયો હતો જેણે પોતાના પિતાનું વચનપાલન કરવા માટે ચૌદ-ચૌદ વર્ષ સુધી વલ્કલનાં વસ્ત્રો પહેરીને વનમાં બધાં કષ્ટો વેઠ્યાં હતાં. એવો એક રાજા થઈ ગયો. એ માટે આ વલ્કલનાં વસ્ત્રો જોઈએ છે.” એવા રામના દેશમાં આપણો જન્મ થયો છે. થોડી જવાબદારી છે. ને એ જવાબદારી ‘રામાયણ’ વાંચ્યા વિના નથી આવતી. મેં એક પણ મુસલમાનનું ઘર એવું નથી જોયું—એ રેંકડીવાળો કેમ ન હોય—જેમાં આદરણીય સ્થાને ‘કુરાન’ ન ગોઠવાયું હોય. એક પણ ખ્રિસ્તી ભાઈનું ઘર એવું નથી જોયું—ગરીબમાં ગરીબ હોય, પણ—‘બાઇબલ’ ન હોય યોગ્ય સ્થાને. અને કેટલાય હિન્દુઓનાં ઘરમાં—‘રામાયણ’ તો છોડો, ‘ઉપનિષદ્’ તો છોડો—સસ્તંુ સાહિત્યવર્ધક કાર્યાલયની આઠ આનાની ‘ગીતા’ય નથી! અને તેવા હિન્દુઓ કહે છે કે ‘હિન્દુ હોને કા હમેં ગર્વ હૈ’! ખાક ગર્વ? તમને નથી ‘રામાયણ’ સાથે સંબંધ, નથી ‘મહાભારત’ સાથે સંબંધ, નથી ‘ગીતા’ સાથે... અને ‘હિન્દુ હોનેકા હમેં ગર્વ હૈ!’ [‘સામ્પ્રત’ ત્રિમાસિક: ૨૦૦૪]