સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ગૌતમ બુદ્ધ/કર્મ પરથી જ
બધાં સંસારબંધનો છોડીને જે માણસ કોઈ પણ પ્રાપંચિક દુઃખથી બીતો નથી, કોઈ વસ્તુ ઉપર જેને આસક્તિ નથી, તેને હું બ્રાહ્મણ કહું છું. બીજાએ દીધેલ ગાળો, વધ, બંધ વગેરે જે સહન કરે છે, ક્ષમા જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ ગણું છું. કમલપત્રા ઉપરના પાણીના બિંદુ માફક જે આ લોકના વિષયસુખથી અલિપ્ત રહે છે, તેને જ હું બ્રાહ્મણ ગણું છું. જન્મથી કોઈ બ્રાહ્મણ થતો નથી કે અબ્રાહ્મણ થતો નથી. કર્મથી જ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ થાય છે. ખેડૂત કર્મ વડે થાય છે, ચોર કર્મથી થાય છે, સિપાઈ કર્મથી થાય છે અને રાજા પણ કર્મથી જ થાય છે. કર્મથી જ આ જગત ચાલે છે. ધરી ઉપર જેમ રથ અવલંબે છે, તેમ બધાં પ્રાણીઓ પોતાનાં કર્મ ઉપર અવલંબે છે. [‘બુદ્ધચરિત’ પુસ્તક]