સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચંદ્રશંકર ભટ્ટ, ‘શશિશિવમ્’/નીરખતું કોણ?
નીરખતું કોણ આ ગગનની પારથી,
અણસુણ્યાં ગુંજતાં ગાન કોનાં?
રણઝણે શબ્દ આભે ગહન, આંતરે
અણદીઠાં ઝળકતાં વદન કોનાં!
સરિતના વ્હેણમાં તરવરે તરુવરો,
ફરફરે મ્હેકતા શબ્દ કમળે;
પવનના સ્પર્શમાં હસ્ત કોનો ફરે?
શ્વાસમાં પરિમલે વ્હાલ સઘળે!
સકળ શાસ્ત્રો થકી યોગવિદ્યા થકી
વેદ શુક-પાઠથી ના પમાયે;
નવ જડે પાઠપૂજા ને જપતપ કીધે,
પુરુષ પ્રાણ પ્રેમે ઝલાયે.
જળ વિના કૂપનાં રૂપ વિરૂપ ને
મેઘ વિણ પૃથ્વીનાં વાન ભૂંડાં;
પર્ણ વિણ વૃક્ષ સૂકાં રૂઠયા સ્વજન શાં,
કમલ વિણ સર દીસે સાવ કૂડાં.
દીપ વિણ મહેલ, કીકી વિના લોચનો,
આત્મવિણ દેહશણગાર જેવા;
ભક્તિ વિણ જ્ઞાન વિણ દૃષ્ટિ વિણ તેજ વિણ
લક્ષકોટિ જનમફેર તેવા.