સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચતુર કોઠારી/પુરુષની કઠોરતાનો ઉપાયર
સ્ત્રી-પુરુષ સમાનતા માટે લાંબા કાળથી પ્રયત્નો થવા છતાં સ્ત્રીની સ્થિતિમાં બહુ ઓછો ફરક પડ્યો છે. ભણેલી, બુદ્ધિમાન સ્ત્રીને પણ નાની નાની વાતમાં કઠોર પુરુષનાં અપમાન સહેવાં પડે છે. દિવસ આખો હડિયાપાટી કરવા છતાં સ્ત્રીને માટે અવગણના, તિરસ્કાર, ક્યારેક તાડન અને રાતના વાસનાની તૃપ્તિ, એ જ પુરુષનો વ્યવહાર બની જાય છે. મકાન, સાધનસગવડ—બધું હોવા છતાં પતિના કઠોર વર્તનથી સ્ત્રી ત્રાસ પામે છે. આનું કારણ એ છે કે કુટુંબમાં બચપણથી જ છોકરાના અહંકારને પોષવામાં આવે છે અને છોકરીને ઘરકામમાં પરોવાયેલી રાખવામાં આવે છે. તેથી છોકરાઓમાં કઠોરતાનો વિકાસ થાય છે. આનો ઉપાય શાળાની શિક્ષિકાઓ કરી શકે. પોતાના વિદ્યાર્થી છોકરાઓમાં કઠોરતા ન વિકસે, સ્ત્રી-સન્માનની ભાવના પાંગરે એવા પ્રયાસ તેઓ કરી શકે; છોકરીઓમાં આત્મવિશ્વાસ વધે એ રીતે એમને પ્રોત્સાહન આપી શકે. શાળાનાં બાળકોને પોતાની શિક્ષિકા બહેનો માટે ઘણો અહોભાવ હોય છે, તેથી શિક્ષિકાઓ આવું પરિવર્તન લાવી શકે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક: ૧૯૯૬]