સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જગદીશ ચાવડા/જીવ ન ચાલ્યો
શશિભૂષણ બંદ્યોપાધ્યાય સરકારી વકીલ હતા. વૈશાખ માસના એક દિવસે બપોરે બે વાગ્યે તે એમના વેવાઈને ગામ જવા નીકળ્યા. જે કામ સારુ એ નીકળ્યા હતા તેમાં એમની પોતાની હાજરીની જરા પણ જરૂર ન હતી. એકાદ ચાકરને ચિઠ્ઠી આપીને મોકલ્યો હોત તો ચાલત. એટલે વેવાઈને ઘેર પહોંચ્યા ત્યાં કોઈએ એમને પૂછ્યું, “આટલા અમથા કામ માટે આવી વરસતી લૂમાં આપે જાતે શા સારુ ધક્કો ખાધો?” જવાબમાં શશિભૂષણબાબુ બોલ્યા, “પહેલાં તો વિચાર આવ્યો કે એકાદ નોકરને મોકલું; પણ પછી જોયું કે તડકો બહુ આકરો છે, એટલે કોઈ નોકરને મોકલતાં મારો જીવ ન ચાલ્યો.”