સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયંત કોઠારી/મોટી સમાનતા
મુસ્લિમોની નિકટ જવાનું મને બહુ ઓછું સાંપડ્યું છે. શાળા-મહાશાળાના અભ્યાસ વેળાનો તો કોઈ મુસ્લિમ ચહેરો જ યાદ આવતો નથી. એ સમયે રાજકોટમાં મુસ્લિમ બાળકો જાહેર શાળાઓમાં નહીં, પરંતુ મદરેસાઓમાં જ ભણતાં હશે કદાચ. અને કોલેજ-કેળવણી મુસ્લિમોમાં નહીંવત્ હશે કદાચ. ગામમાં મુસ્લિમ પ્રજા તો આજુબાજુમાં જ હતી અને એની સાથે કામ પાડવાનું પણ થતું હતું. મારે ઘેરથી પરાબજારમાં જવાનો એક રસ્તો તે વોરાવાડનો હતો. હું એ રસ્તેથી જ જવાનું ઘણી વાર પસંદ કરતો. રસ્તા પર પથરાયેલી બકરીની લીંડીઓ, ટહેલતા કૂકડાઓ, ગેલ કરતી બકરીઓ-એના આ લાક્ષણિક વાતાવરણનું મને કૌતુક રહેતું. પણ ડેલીબંધ ઘરમાં ડોકિયું કરવાનું તો હોય જ નહીં. હિંદુમુસ્લિમ જીવનશૈલીનો ભેદ એવો છે કે એ બે પ્રજાઓ વચ્ચે એક સલામત અંતર સામાન્ય રીતે ટકી રહે છે. પ્રાઈમસ, ફાનસ રીપેર કરાવવાનાં હોય, રેણ કરાવવાનું હોય તો વોરાની દુકાને જ જવાનું રહેતું. ને કરિયાણા, ઓસડિયાં વગેરેનું એક અત્યંત વિશ્વાસપાત્ર મથક તે કાદર વોરાની દુકાન. ત્યાં હંમેશાં ભીડ જામેલી રહે, એટલે જોઈતી વસ્તુ માટે સતત તકાદો કરવો પડે. કોઈ અકળાઈ જાય ને કોઈ સ્ત્રીઓ ‘ઘેર છોકરું રડતું મૂકીને આવી છું’ એવાં કારણો પણ ધરે. પરંતુ થડે બેસતા કાદર વોરાના દીકરાઓને માથે તો જાણે બરફ જ. એમની આગવી મીઠાશથી એ ઘરાકોને પટાવતા-લડાવતા-હસાવતા જાય, ફટાફટ કામ પતાવતા જાય અને સૌ કોઈ ખરીદેલી વસ્તુની સાથે એ મીઠાશનું પડીકું પણ લેતા જાય. કાદર વોરાની દુકાનને ત્રણ દરવાજા હતા. વચ્ચેનો મોટો દરવાજો અને આજુબાજુ બે નાના દરવાજા. એક નાના દરવાજા પાસે કાદર વોરાની બેઠક. મેં એમને ત્યાં બેસીને વૈદું કરતા જ જોયા છે. બે-પાંચ ડબલાંમાંથી ફાકીઓનાં પડીકાં બાંધી આપે. એમાં રોચક ફાકીનું પ્રાધાન્ય રહેતું એવી અમારી છાપ છે. અમારા બાપુજી (મોટા કાકા) પાસે કાદર વોરા ભણેલા. બાપુજી ઘણી વાર એમની જ દવા લે. એમનો-મગન માસ્તરનો-કાદર વોરા પૈસોયે ન લે. કદાચ અમારા કુટુંબના કોઈની પણ દવાના પૈસા એ ન લેતા. આમેય એમનો દવાનો ચાર્જ એટલો મામૂલી હતો કે ગરીબમાં ગરીબ માણસને પણ એ પોસાય. કાદર વોરાની બેઠી દડી, ગોરો ચહેરો, શ્વેત દાઢી અને મોટે ભાગે અધબીડી આંખો અમારી સમક્ષ કોઈ ધ્યાનસ્થ ઋષિની મૂર્તિ ખડી કરતાં. એક મુસ્લિમ ફેરિયા સાથે મારો સંબંધ વધ્યો. ત્યારે હું અમારી દુકાને બેસતો હતો ને એ મહંમદભાઈ દુકાનની બાજુમાં પરચૂરણ ચીજવસ્તુઓની રેંકડી રાખી ઊભા રહેતા હતા. અલ્પશિક્ષિત પણ સાલસ સ્વભાવના એ મુસ્લિમ યુવાન. મનુષ્યાકૃતિઓ હું ઘણી વાર લાંબે ગાળે વીસરી જાઉં છું, પણ મહંમદભાઈની આકૃતિ મારી નજર સામે આજેયે તરે છે-દૂબળી શરીરસાંઠી, ભીનો વાન, નિર્મળ આંખો. એમની કંઈક કાલી બોલીનો રણકો પણ કાનમાં ગુંજે છે. સહજ રીતે જ, અમારો પરિચય મૈત્રીની સરહદને સ્પર્શી ગયો. કોઈ વખતે એ મારે ઘેર આવતા થયા ને એમની શાદીમાં હું હાજર રહ્યો. મુસ્લિમ સમાજને નિકટથી જોવાનો આ મારો પહેલો અને પછીથી પણ ભાગ્યે જ સાંપડેલો અવસર હતો. ઝાઝી વિગતો મને યાદ રહી નથી, પણ એ વિશિષ્ટ વાતાવરણની ગંધ મનના ખૂણે ભરાયેલી રહી છે ને દુલ્હાનું ફૂલના તોરાથી આચ્છાદિત મુખડું પણ વીસરાયું નથી. મહંમદભાઈ સાથેના સંંબંધને વધારે વિકસવાની તક ન મળી, કેમ કે અમે એ દુકાન કાઢી નાખી અને પછી મારે રાજકોટ છોડવાનું પણ થયું. રાજકોટ છોડીને હું અમદાવાદ આવ્યો. અમદાવાદની વાત જુદી જ હતી. મુસલમાનોની અહીં ઘણી મોટી વસ્તી એટલે એમની સાથેના સંપર્કોની તકો પણ ઘણી વધારે. મને મુસ્લિમ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ મળ્યાં અને સાથી અધ્યાપકો પણ મળ્યા. બી.એ.માં ગુજરાતીને મુખ્ય વિષય તરીકે લેનાર અને ઘણી વાર પર્શિયન ભણવામાં જરાયે રસ ન લેનાર મુસ્લિમ યુવક-યુવતીઓને જોઈએ ત્યારે તો થોડું આશ્ચર્ય થાય. પણ પછી સમજાય કે આ તો ગુજરાતી સંસ્કારપ્રવાહમાં એકરૂપ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. મુસ્લિમ વિદ્યાર્થીઓનું પ્રમાણ તો ઓછું જ. પણ એ નોંધપાત્ર છે કે એમાંથી ઘણાનું ભલે ઝાંખુંપાંખું પણ સ્મરણ તો ટકી રહ્યું છે. એક વિદ્યાર્થિની મહેરુન્નીસા માસ્ટર જરા આખાબોલી અને નટખટ. એણે એક વખતે ક્યાંક કહ્યું કે, અમારા બી.એ.ના વર્ગમાં કોઠારીસાહેબને એક જ વિદ્યાર્થી સમજી શકે છે. મારી પાસે આ વાત આવી, પણ એણે અમારી વચ્ચે એકબીજાની હાંસીમશ્કરી કરવાનાં દ્વાર ખોલી નાખ્યાં. એ વિદ્યાર્થિની પાવાગઢના પ્રવાસમાં પણ અમારી સાથે આવી હતી. બીજા એક વિદ્યાર્થી (નામ હું ભૂલી ગયો છું)ને રોજાના દિવસોમાં હું આગ્રહ કરીને પાટણના પ્રવાસે લઈ ગયેલો અને એને રોજું રાખવાની બધી સગવડ કરી આપેલી. યાસ્મિન મન્સુરી અને રુમાના કોટવાલાના રૂપાળા ને સદા પ્રસન્ન ચહેરાઓ મનને પ્રસન્નતાથી ભરી દેતા અને ગુજરાતી વિષયમાંની એમની સજ્જતા મનમાં વિસ્મય ને આદરની લાગણીઓ જગવતી. વિદ્યાર્થીઓ સાથે અંગત નાતો ઊભો કરવાનું મને ગમતું. પ્રવાસ એનું એક સાધન, તો વિદ્યાર્થીઓને ઘેર જવું એ બીજું સાધન. વિદ્યાર્થીઓ પણ મારે ઘેર છૂટથી આવતા. ઘણાંબધાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ઘેર હું ગયો છું, તેમાં કોઈ મુસ્લિમને ત્યાં ગયાનું, એક અપવાદ બાદ કરતાં, મને યાદ આવતું નથી. એમને સંકોચ પણ થયો હોય-એમના ઘરના વાતાવરણને કારણે અથવા મને એમના ઘેર જવું ગમે કે કેમ તેની એમના મનમાં આશંકા પણ હોય. જે મુસ્લિમ વિદ્યાર્થીને ઘેર હું ગયો છું, અને એકથી વધુ વાર ગયો છું એ અમીરઅલી લાખાણી. જાતે ખોજા. ઘણી સામાન્ય સ્થિતિમાંથી એ આગળ આવ્યા છે એનો હું સાક્ષી છું. એમની નિષ્ઠા, એમની કુટુંબપ્રીતિ, મનની ઉદારતા અને નરી સજ્જનતાની મારા મન પર ઊંડી છાપ છે. અમે એકબીજાને ઘેર સહકુટુંબ આવ્યા-ગયા છીએ. આમાં લાખાણી પરણ્યા પછી પોતાના કુટુંબ સાથે અલગ રહેતા થયા એ સ્થિતિ પણ કારણભૂત ખરી. મને જે મુસ્લિમ સહકાર્યકરો મળ્યા તેમાંથી બેની નિકટ જવાનું બન્યું. નિઝામી અંગ્રેજી સાહિત્યના અધ્યાપક હતા એટલે અમારે નિકટ આવવા માટે ભૂમિકા હતી એમ કહેવાય. આપણે ત્યાં અંગ્રેજીના મોટા ભાગના અધ્યાપકો પણ અંગ્રેજી ભાષા ગુજરાતી સ્વરભારથી બોલનારા હોય છે, એમાં નિઝામી જુદા પડી આવે. અંગ્રેજી છંદશાસ્ત્ર પર પણ એમની સારી પકડ. એમની સાથે વાતો કરવાની મજા આવતી, પણ એથીયે વધારે આકર્ષણ થતું એમની અંગ્રેજી સાહિત્યના અભ્યાસે પ્રેરેલી ઉચ્ચ સંસ્કારિતાનું. હિંદુ વિસ્તારોમાં રહેવાનું એ વધારે પસંદ કરતા એટલા તો એ સાંકડા મુસ્લિમપણાથી મુક્ત હતા. અમદાવાદના કોમી તનાવે એમની એ પસંદગી પર પ્રહાર કર્યો એ એક કરુણ ઘટના હતી. અમારે એકબીજાને ઘેર જવા-આવવાનો વ્યવહાર ઊભો થયેલો, પણ મારી બીજી કોલેજમાં બદલી થતાં અમારી એ નિકટતાનો ત્યાં અંત આવ્યો. ઊંડી આત્મીયતાનો કાયમી સંબંધ રચાયો તે તો મોહીયુદ્દીન મનસુરી સાથે. એ મનોવિજ્ઞાનના અધ્યાપક, પણ સાહિત્યનાયે રસિયા. હારમોનિયમ પર શિષ્ટ ગુજરાતી કવિઓનાં-વિશેષે રાજેન્દ્ર શાહનાં-ગીતો ગાય. કેટલોક સમય રંગભૂમિ સાથે સંકળાયેલા ને પછી પોતે પણ થોડાં નાટકો લખ્યાં. લોકમિલાપની સસ્તી પુસ્તકપ્રકાશન યોજનાના આગોતરા ગ્રાહકો હું નોંધતો તેમાં મનસુરી કાયમના ગ્રાહક. પોતાનાં બાળકોને વાંચતાં કરવા ઇચ્છે ને એમને આવું સંસ્કારી વાચન પૂરું પાડે. સાહિત્યપ્રીતિનો સમાન દોર, આમ, અમારી વચ્ચે ખરો, છતાં અમે એકબીજાની નિકટ આવ્યા તેનું કારણ તો મનસુરીનું મળતાવડાપણું જ. એ ન બોલતાને બોલાવે અને મુજીને મરકાવે. એટલે જ એમનું મિત્રમંડળ અત્યંત બહોળું. જે થોડા મિત્રો સાથે મારી જીભ છૂટી થઈ છે તેમાંના એક મનસુરી છે. અમારી વચ્ચે હસીમજાક થાય અને ગંભીર ચર્ચાઓ પણ થાય-સાહિત્યની, રાજકારણની, સામાજિક પ્રશ્નોની વગેરે વગેરે. મનસુરીને તો અનેક વિષયોમાં રસ અને જાણકારી પણ-ફિલ્મોમાં, રમતજગતમાં અને જ્ઞાનવિજ્ઞાનનાં લગભગ બધાં ક્ષેત્રોમાં. આથી જ, એ વિવિધ ક્ષેત્રોના માણસો સાથે આસાનીથી વાત કરી શકે ને એમના મિત્રમંડળમાં વિવિધ પ્રકારના લોકો જોવા મળે. બાળકો, કિશોરો, વિદ્યાર્થીઓ સાથે હળવાભળવામાં પણ એમને જરાયે મુશ્કેલી ન પડે. એમના રસની વાતો એ કરે અને હસતાંરમતાં બે ડહાપણની વાતો પણ કહી દે. મારાં સંતાનો-મારી પુત્રી દર્શના પણ-મનસુરી સાથે જેટલાં હળ્યાંભળ્યાં છે એટલાં મારા બીજા કોઈ મિત્ર સાથે હળ્યાંભળ્યાં નથી. મનસુરી ‘બેટા’ ‘બેટા’ કહીને બધાને બોલાવે ને એમના સમાચાર પૂછે તથા મારાં સંતાનો પણ ‘કાકા’ કહી એમને વળગે ને પોતાની કંઈ કંઈ વાતો કરે. મારાં પત્ની ઘરના કામમાં હોય તો સામેથી બોલાવે અને પોતાને ખાવુંપીવું હોય તે માગી લે. બેસતા વરસને દિવસે તો અમે એમની રાહ જોતાં હોઈએ. સવારે એ અચૂક આવે અને તે દિવસે દિવાળીનો નાસ્તો પણ કરે. બાળકો નાનાં હતાં ત્યારે અમે સહકુટુંબ મનસુરીને ત્યાં જતાં. એક-બે વખત ઉતરાણ પણ એમને ઘેર કરેલી. એમનાં પત્ની ખાતુનબહેન ને બાળકો પણ અમારી સાથે હળી ગયેલાં. એક વખતે એમને ત્યાં નવું નવું ફ્રીજ આવેલું ત્યારે એમની પુત્રી સહીરા ઉમંગથી અમને ફ્રીજની પાસે લઈ ગઈ અને ફ્રીજમાં કેવી કેવી સગવડ છે એ બતાવવા એણે એનું બારણું ખોલ્યું. અમારે માટે અખાદ્ય પદાર્થ એમાં સામે જ દેખાયો. મનસુરીએ ઝટપટ બારણું બંધ કરી દેતાં હસતાં હસતાં કહ્યું, “અરે અરે, આ એમને બતાવવાનું ન હોય.” મનસુરી સાથે વિશેષ ઘરોબો થવાનું એક કારણ એ હતું કે શહેરમાં અમે બન્ને નજીકમાં-દશેક મિનિટમાં ચાલીને પહોંચી શકાય એટલા અંતરે રહીએ. એ રહે કાળુપુર પાંચ પટ્ટી વિસ્તારની જીવણપોળમાં અને હું રહું ઘીકાંટા રોડ પર નગરશેઠના વંડામાં. કોલેજ જતાં મારું ઘર એમને રસ્તામાં આવે, એટલે ગોઠવણ એવી કરેલી કે સવારે કોલેજ જતાં એ મારે ત્યાં આવે અને ત્યાંથી અમે બન્ને સાથે જઈએ-એ સ્કૂટર વાપરતા ત્યારે સ્કૂટર પર અને એ સિવાય રિક્ષામાં. વળતાં પણ મોટે ભાગે સાથે આવીએ-સ્કૂટર ન હોય ત્યારે બસમાં. સાંજે પણ અમે એકબીજાને ઘણી વાર મળીએ. એમાં એવું પણ બને કે હું રાત્રે એમને મળવા ગયો હોઉં ને એ મને વળાવવા પાછા ઘીકાંટા સુધી આવે ને ત્યાં અમે વળી દુકાનના ઓટલે વાતો કરવા બેસી પડીએ. મારે ઘેર તો મોડું થાય એટલે બધાં ચિંતા કરનારાં, તેથી એકબે વખત તો મારી ભાળ કાઢવા પડોશીને મોકલવા પડેલા. મનસુરી અને હું એકબીજાના એટલા આત્મીય બની ગયા કે અમારી વચ્ચે ઘણી વાર અમારા કૌટુંબિક જીવનની, સાંસારિક જીવનની વાતો ઉમેરાતી અને અમે અંગત પ્રશ્નોમાં એકબીજાનાં મદદ-માર્ગદર્શન લેવામાં પણ સંકોચ ન અનુભવતા. કેટલીક વ્યવહારુ આવડતો મનસુરીમાં વિશેષ અને એ મને બે-ત્રણ પ્રસંગોએ ખાસ કામમાં આવી. આવો વિશ્વાસપૂર્ણ મૈત્રીસંબંધ એ જીવનનું એક સદ્ભાગ્ય છે. એ સદ્ભાગ્ય મને સંપડાવનાર વિરલ મિત્રોમાં મનસુરીનું સ્થાન છે. મનસુરી એક નિષ્ઠાવંત, સાચા અને પૂરા શિક્ષક. સામા સુધી પોતાની વાત પહોંચાડવાની એક કળા એમણે હસ્તગત કરી હતી. હા, પ્રયત્નથી અને સભાનતાથી. એક રીતે એ આપઘડ્યા માણસ છે. શાળાશિક્ષણ તો એમનું અધવચ્ચે અટકેલું પણ પછી પોતાની લગનથી પ્રાપ્ત પરિસ્થિતિની સામે થઈને પણ એ આગળ વધ્યા. અભિવ્યક્તિની તાલીમ લેખે એ વિદ્યાર્થીકાળમાં જ લખતા થયા. એમાં નજર સામે નરહરિ પરીખનું ‘માનવ અર્થશાસ્ત્ર’ જેવું પુસ્તક હોય કે નગીનદાસ પારેખ જેવાનાં લખાણો હોય. આ તાલીમને કારણે જ એ ઉત્તમ પાઠ્યપુસ્તકલેખક પણ થયા. અધ્યાપક તરીકે એ વર્ગમાં તૈયારી કરીને જ જાય. એ અત્યંત લોકપ્રિય અધ્યાપક બની રહ્યા. ઉત્તમ પાઠ્યપુસ્તકલેખક તો મારા વિષયમાં હું પણ ગણાઉં છું, પણ વર્ગશિક્ષક તો હું મનસુરી જેવો નહીં જ. ઘણા હિંદુઓના મનમાં મુસ્લિમો વીશે ચિત્ર-વિચિત્ર ખ્યાલો હોય છે-એ ઝનૂની છે, હિંસક છે વગેરે. અમદાવાદનાં કોમી તોફાનો વખતે આ ખ્યાલો ઉત્કટપણે પ્રવર્તતા મેં જોયા છે. (મુસ્લિમોમાં આથી ઊલટા ખ્યાલો પ્રવર્તતા હશે.) પણ મનસુરી જેવા મુસ્લિમોને જોઈએ ત્યારે એ ખ્યાલો શીર્ણવિશીર્ણ થઈ જાય છે. મારાં સંતાનો તો કહેતાં હોય છે કે મનસુરીકાકાને જોઈએ પછી કેમ માની શકાય કે બધા મુસ્લિમો કે મુસ્લિમો જ ઉત્પાત કરનારા છે? મનસુરી તો તોફાનનું વાતાવરણ હોય ત્યારે ઘરની બહાર પણ ન નીકળે એવા નરમ. એ વાતાવરણમાં હું હજુ એમની ખબર કાઢવા એમને ઘેર જવા વિચારું, પણ મનસુરી તો મને મનાઈ જ ફરમાવે. મનસુરી જ શા માટે, મને તો મુસ્લિમોનો જે કંઈ પરિચય છે તે બધો જ મીઠો છે એમ હું કહી શકું. હિંદુ-મુસ્લિમ વચ્ચે સંસ્કારભેદ હોય તોયે મનુષ્યપણાની મોટી સમાનતા છે જ. કોમી તનાવો જે ઊભા થાય છે તેમાં અન્ય પરિબળો ઉપરાંત ગેરસમજ અને ગ્રંથિઓનો ઘણો મોટો ફાળો છે. હિંદુમુસ્લિમ મૈત્રી જ એ ગ્રંથિઓ ને ગેરસમજને ભેદી શકે. [‘અપ્રગટ જયંત કોઠારી’ પુસ્તક]