સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જવાહરલાલ નેહરુ/વસિયતનામું

          ભારતની જનતા તરફથી મને એટલાં તો સ્નેહ અને ચાહના મળ્યાં છે કે હું ગમે તેટલું કરું તોપણ એ ઋણ અંશમાત્રા પણ ચૂકવાય તેમ નથી. અને ખરેખર, સ્નેહ જેવી મૂલ્યવાન વસ્તુનું ઋણ ચૂકવી પણ ન શકાય. હું તો માત્ર એટલી જ આશા રાખું છું કે, મારા જીવનનાં બાકીનાં વરસોમાં હું મારા દેશબાંધવોને અને તેમના સ્નેહને અપાત્ર ન બનું. મારા અસંખ્ય બિરાદરો અને સાથીઓનો તો હું આથીય વધારે ઋણી છું. અમે મહાન કાર્યોમાં સંયુક્ત ભાગીદાર રહ્યા છીએ અને એમાંથી અનિવાર્યપણે નીપજતા આનંદ અને શોકના સમભાગી બન્યા છીએ.

મારા મૃત્યુ બાદ કોઈ પણ ધાર્મિક વિધિ કરવામાં આવે તેવું હું ઇચ્છતો નથી. એવી કોઈ વિધિમાં હું માનતો નથી અને એક આચાર તરીકે પણ એવી વિધિ ચલાવી લેવી તે દંભ સમાન છે અને આપણી જાતને તેમ જ બીજાને ભ્રમમાં નાખવાના પ્રયત્ન સમાન છે. હું જ્યારે મૃત્યુ પામું ત્યારે મારા દેહનો અગ્નિસંસ્કાર થાય તેમ ઇચ્છું છું. જો હું વિદેશમાં મૃત્યુ પામું તો મારા દેહનો અગ્નિસંસ્કાર ત્યાં જ કરવો અને મારાં અસ્થિફૂલ અલ્લાહાબાદ લાવવાં. આમાંનાં થોડાંક અસ્થિફૂલ ગંગા નદીમાં પધરાવવાં અને બાકીનાંનું નીચે જણાવ્યા પ્રમાણે વિસર્જન કરવું. મારાં થોડાંક અસ્થિફૂલ અલ્લાહાબાદ ખાતે ગંગા નદીમાં પધરાવવાની મારી ઇચ્છા પાછળ કોઈ ધાર્મિક ભાવના રહેલી નથી. છેક મારા શૈશવકાળથી હું અલ્લાહાબાદની ગંગા અને જમના નદી સાથે સ્નેહભાવથી બંધાયેલો છું, અને જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ આ સ્નેહબંધન પણ દૃઢ થતું ગયું છે. બદલાતી મોસમો સાથે એના પલટાતા મિજાજ મેં નિહાળ્યા અને માણ્યા છે અને યુગોથી એની સાથે સંકળાયેલા તથા એમના વહેતા જળપ્રવાહના અંગરૂપ બની ગયેલાં ઇતિહાસ, દંતકથા, પરંપરાઓ, સંગીત અને કથનીઓનો અનેક વાર વિચાર કર્યો છે. ખાસ કરીને ગંગા ભારતની પ્રજાની પ્યારી અને માનીતી નદી છે. એની આસપાસ અનેક વંશો અને જાતિઓનાં સંભારણાં, એની આકાંક્ષાઓ અને ભયો, એનાં વિજયગાન, એના જય અને પરાજયની વાતો ગૂંથાયેલી છે. ભારતની યુગોજૂની સંસ્કૃતિ અને સભ્યતાની પ્રતીક બની રહેલી ગંગા હંમેશાં નવતરરૂપ ધરતી રહી છે, અખંડ વહેતી રહી છે — અને છતાંય તે એની એ જ ગંગા છે. એ મને અત્યંત પ્યારાં હિમાલયનાં હિમાચ્છાદિત ઉન્નત શૃંગો અને તેની ઊંડી ખીણોની યાદ આપે છે, તેમ જ જ્યાં મારા જીવન તથા કાર્યનું ઘડતર થયું છે તેવા સમૃદ્ધ અને વિશાળ પ્રદેશોની સ્મૃતિ તાજી કરાવે છે. અને, જો કે મેં ભૂતકાળની ઘણી પરંપરા, રૂઢિ ને રીતરિવાજોનો ત્યાગ કર્યો છે, અને ભારતના લોકોને જકડતી ને બંધનમાં રાખતી તેમ જ તેમને વિભક્ત કરતી, બહુસંખ્ય લોકોનું દમન કરતી તથા તેમના દેહ ને આત્માના મુક્ત વિકાસને રૂંધતી તમામ શૃંખલાઓને ભારત ફગાવી દે એમ હું ઇચ્છું છું, છતાં હું મારી જાતને ભૂતકાળથી સંપૂર્ણપણે અળગી કરી નાખવા ચાહતો નથી. અને તેથી, મારી આ ઇચ્છાના સાક્ષી તરીકે તેમ જ ભારતના સાંસ્કૃતિક વારસાને મારી અંતિમ શ્રદ્ધાંજલિ તરીકે, હું એવી વિનંતી કરું છું કે મારાં થોડાંક અસ્થિફૂલનું અલ્લાહાબાદમાં ગંગા નદીમાં વિસર્જન થાય, જેથી એ ભારતના પાય પખાળતા મહાસાગરમાં ભળી જાય. પરંતુ મારા મોટા ભાગનાં અસ્થિફૂલનું વિસર્જન બીજી રીતે કરવું. હું ઇચ્છું છું કે એ અસ્થિફૂલ એક વિમાનમાં ખૂબ ઊંચે લઈ જવામાં આવે અને ત્યાંથી, જે ખેતરોમાં ભારતના કિસાનો પસીનો વહાવી રહ્યા છે તેવી ભારતની ધરતી પર વેરવામાં આવે, જેથી કરીને એ ભારતની માટી સાથે એકરૂપ બની જાય અને ભારતના અવિભાજ્ય અંગરૂપ બની જાય. [૧૯૫૪માં કરી રાખેલા અંગ્રેજી પરથી અનુવાદિત]