સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જુગતરામ દવે/વટવૃક્ષની કથા
મારે હાથે મારી જીવનકથા લખવી, એ મારી પ્રકૃતિની વિરુદ્ધ છે. છતાં પૂજ્ય જનોના અને મિત્રોના પ્રેમને વશ થઈને મેં લખી છે. પણ વાંચનાર જોશે કે મેં જે કાંઈ લખ્યું છે તે મારી પોતાની જીવનકથા નથી, પણ વેડછી આશ્રમની અથવા વેડછીના વટવૃક્ષની કથા છે.
મારા જીવનની આટલી વાતો લખવા જ્યારે હું તૈયાર થયો છું જ, તો મારું આ અંગત પ્રકરણ લખવું એ મારો ધર્મ થઈ પડે છે. નજીકના સૌ પરિચિતો જાણે છે કે હું બ્રહ્મચારી છું. તેઓ સહુ મારા સંબંધમાં બહુ વિવેકથી વર્તે છે, તેથી કોઈએ મને મારા આ જીવન વિશે કદી પૂછ્યું નથી, તેમ મને પોતાને પણ આ વિશે વાતો કરવાનો ઉત્સાહ કદી થયો નથી. આ સંબંધમાં મને કોઈએ સીધો કર્યો હોય તો મારી આસપાસ ઊછરી રહેલી એક છસાત વર્ષની નાની બાળાએ એક વાર અચાનક અને અણધાર્યો કરેલો. તેના બાળસુલભ કૌતુકથી એક દિવસ તેણે પૂછ્યું, તમારી ‘બા’ ક્યાં છે? તે મારી પાસે આખો દિવસ રમવા અને વાર્તાઓ સાંભળવા આવતી, એટલે જ તેનો આ અધૂરો હું સમજી ગયો. તે મારી જન્મદાતા મા વિશે પૂછતી નહોતી. પણ જેમ તેના પોતાના ઘરમાં તેની બા હતી, અને જેમ બધાં ઘરોમાં બાળકો માટે બા હોય છે, તેમ મારી પાસે કેમ કોઈ બા જોવામાં આવતી નથી એ તેનો ભાવાર્થ હતો. મેં જવાબ આપ્યો, ઘર હોય તો બા હોય, મારે ઘર ક્યાં છે કે બા હોય? જવાબનો મર્મ તે સમજી હશે કે કેમ તેની મને ખાતરી નથી. હું મઢી આશ્રમમાં રહું છું. ત્યાં અન્નપૂર્ણાબહેનના ઘરમાં રહું છું — એટલે મારા ઘરમાં રહેતો નથી. આશ્રમને રસોડે જમું છું, એટલે પણ મારે ઘર નથી એમ તે સમજી ગઈ હશે. પણ ફરીથી તેણે આવો પૂછ્યો નથી. ઉંમર સાથે આવા પ્રશ્નો બાળકો પોતાની મેળે સમજી જાય છે, તેમ તે પણ વખત જતાં સમજી હશે જ કે બીજાં બધાં પરણે છે તેમ હું પરણ્યો નથી. ત્યાર પછી મારે ગાંધીજીના સત્યાગ્રહાશ્રમમાં જવાનું થયું. ત્યાં હું એક રીતસરના આશ્રમવાસી તરીકે કદી રહ્યો નથી. મારું વધારે ભાગે રહેવાનું નદી તરફના બ્રહ્મચારી વિભાગમાં નહોતું, પણ સામી તરફના ગૃહસ્થી વિભાગમાં જ હતું. મારી પોતાની એવી કોઈ કોટડી મેં કદી રાખી નથી. કાકા-કાકી, મહાદેવ— દુર્ગાબહેન અને નરહરિ-મણિબહેનનાં ઘર એ જ મારાં ઘર બની ગયાં હતાં. વળી મારું મુખ્ય કામ તો ‘નવજીવન’માં હતું અને તે માટે સ્વામી આનંદની સાથે રહેવાનું હતું. એ ઘર નહોતું પણ સ્વામીનો અખાડો જ હતો! આશ્રમમાં જ્યારે ઉપર બતાવ્યાં ગૃહસ્થી ઘરોમાં જાઉં ત્યારે જ મારા દિલને ઘેર ગયા જેવું લાગતું. ત્યાં મને બાળકો સાથે રમવાનું અને તેમને વાર્તાઓ કહેવાનું મળતું. હવે તો મારા પોતાના મનમાં બ્રહ્મચારી જીવન નિશ્ચયરૂપ બની ગયું હતું, જે મંડળ વચ્ચે હું રહેતો હતો તેમાં પણ એક હકીકત તરીકે સ્વીકારાયું હતું, અને મારી પાસે લગ્નની વાત કાઢવી પણ આ મંડળમાં અસ્વાભાવિક જેવી થઈ ગઈ હતી. પણ વઢવાણમાં બેઠાં બેઠાં નાનુબા પોતાની સરખેસરખી બહેનપણીઓ સાથે મને પરણાવવાનાં સ્વપ્નાં સેવી રહ્યાં હતાં અને અગાઉનાં અપમાનો ભૂલીને પણ પ્રસંગ આવ્યે વાત ચલાવતાં રહેતાં હતાં. છેવટે જ્યારે એક વાર તે હરદ્વારની યાત્રાએ ગયાં અને ત્યાં ગંગાતટે જ કાયમની પથારી કરી પોઢયાં ત્યારે જ આ પ્રકરણ તેમની સાથે જ ગંગાના જળમાં તણાઈ ગયું, અને મારા મનથી પણ બ્રહ્મચારી જીવનની ગાંઠ પાકી વળી. બ્રહ્મચર્ય પાળવા માટે મેં કોઈ સાધના કરી છે એમ કહી શકાય તેમ નથી. સાબરમતી આશ્રમમાં તેમ જ વેડછી આવ્યા પછી ત્યાં પણ ઉત્સાહી બાળકો અને યુવકો સાથે રાતદિવસ રહેવાની તક મને મળી છે, તેઓએ મને આડકતરી એવી ભારે કીમતી મદદ કરી છે. હું વર્ષે વર્ષે ઉંમરમાં વધતો જતો હતો, પણ મારા મનથી હું આ બાળકો જેવડો બાળક જ છું એવી અનુભૂતિ મને કાયમને માટે રહી છે. શરીરથી તેમજ મનથી હું તેમની સાથે તેમના જેવડો થઈને રહ્યો છું. જોકે મારા મનમાં ચાલી રહેલાં દિવાસ્વપ્નો કોઈ કોઈ વાર મને જુદા જીવનમાં ખેંચી જતાં, પણ વળી પાછો હું બાળકોને જોઈ મારી બાળકભૂમિકામાં પાછો આવી જતો. એ ભૂમિકા જ મારા જીવનની સાચી અને સ્વાભાવિક ભૂમિકા છે એમ મને હંમેશાં લાગ્યું છે. આશ્રમજીવન એ પણ મને મદદરૂપ નીવડયું છે. સદા સમુદાયમાં રહેવું અને તે પણ ઉત્સાહથી ઊભરાતા એવા ઊગતા કુમારોના સહવાસમાં રહેવું, શક્તિ પ્રમાણે સૌની સાથે નાનાંમોટાં શારીરિક કામોમાં જોડાયેલા રહેવું, વહેલા જાગવું, રાત્રે મોટે ભાગે ખુલ્લા આકાશ નીચે સૂવું, ઘણુંખરું કઠણ પથારીમાં સૂવું, બહુ ટાઢના દિવસોમાં પણ વધારે પડતું ઓઢવું નહીં, રોજ શીતળ જળથી સ્નાન કરવું — આ બધું જીવન મને સદા આનંદદાયક લાગ્યું છે. આ ઉપરાંત મારી આસપાસ હંમેશાં કોઈ ને કોઈ સેવકો પોતાનું જીવન નિચોવીને કામ કરતા રહ્યા છે. સાબરમતી આશ્રમમાં મારાં શરૂઆતનાં વર્ષોમાં હતો ત્યારે ત્યાં તો તેવાં ભાઈબહેનો સારી સંખ્યામાં બાપુના પ્રેરક વાતાવરણમાં પોતાનાં જીવન ગાળી રહ્યાં હતાં. સુરેન્દ્રજી મુખમાં ‘ઉપનિષદ’ અને હાથમાં ચર્મોદ્યોગ, છોટેલાલજી મુખમાં ભજનો અને હાથમાં રસોડાનાં તપેલાં, બાળકોબા મુખમાં સંતોનાં ભજનો અને હાથમાં પાયખાનાંની ડોલો, અપ્પાસાહેબ પટવર્ધન મુખમાં સંપત્તિશાસ્ત્રા અને હાથમાં તેમના છાત્રો સાથેનાં કામકાજ, નવા નવા આવેલા ભણસાળી મુખમાં પ્રોફેસરનાં ભાષણો અને હાથમાં અતિ વજનદાર પાણીની ડોલની કાવડો! પણ એ સૌના શિરોમણિ વિનોબા હતા; આ દિવસોમાં તેઓ ગુજરાતી બાળકોને ભણાવતા, તેથી તેમને મુખે ગુજરાતી કવિઓની નવીજૂની કવિતાઓ હતી અને હાથમાં વણાટ અને પીંજણ હતાં. આ સૌની છાયા મારા જીવન ઉપર મૂંગી મૂંગી કામ કરી રહી હતી. તે સાથે બાપુ-બા અને બીજાં અનેક ગૃહસ્થાશ્રમી જોડાંઓ આશ્રમમાં અપૂર્વ રીતે પોતાના ઘરસંસાર ચલાવી રહ્યાં હતાં. ‘નવજીવન’માં કામ કરવા જાઉં ત્યારે સ્વામી આનંદ ચોવીસે કલાક મારી સમક્ષ હતા. તેમણે સાધુનું નામ રાખવા છતાં સાધુનો વેશ ફગાવી દેવા ઉપરાંત સાધુજીવનની પરંપરાગત રહેણીકરણી જરા પણ રાખી નથી એ મને તેમની અતિ મોટી વિશેષતા લાગતી હતી. ક્યાં ધડાધડ કરતાં છાપખાનાંનાં યંત્રો અને ટાઇપનાં બીબાંની ગેલીઓ અને પ્રૂફો, અને ક્યાં સ્વામીનું નામ! મને મનમાં લાગતું કે જમાનાઓથી હિંદ દેશમાં ભગવાંધારી સાધુ-સંન્યાસીઓ સંસારથી અને તેનાં કામકાજોથી ભાગી રહ્યા છે, ફરજો વખતે ત્યાગી અને સુખસગવડ વખતે રાજબાદશાહી ભોગવી રહ્યા છે, તેમને જાણે સ્વામી તેમના જીવન દ્વારા મોઢા ઉપર તમાચો ચોડી રહ્યા છે! મારા જીવન ઉપર એ સૌનાં જીવનની પાવનકારી અસર હંમેશાં ફેલાયેલી રહી છે. બીજાં પણ સંખ્યાબંધ કુટુંબોના એક સ્વજન તરીકે રહેવાનું મને સદ્ભાગ્ય મળ્યું, તેનાં નાનાં નાનાં બાળકો પાસેથી મને પ્રસન્નતા મળી છે. જીવનના આ પ્રકારના વર્ણનમાં મારે મારા ગુરુનું નામ આપવું ફરજિયાત હોય તો તે પદવી આ નાનાં નાનાં બાળકોને ભાગે જ જાય છે! મારા જીવનને શુષ્ક બની જતું બચાવનાર એક બીજી હકીકત અહીં નોંધવાની ઇચ્છા થાય છે. ક્યારેક ક્યારેક મારા મન ઉપર કવિતા કે ગીત રચવાની ધૂન સવાર થતી હોય છે. વર્ષમાં બે કે ત્રણ એવા પ્રસંગો આવી જાય છે. તેવા પ્રસંગે ત્રણચાર કે કોઈ કોઈ વાર સાત દિવસ સુધી તે ગીતનો જ ગણગણાટ અણુ અણુમાં ચાલતો રહે છે. એ ગીતનો વિષય હંમેશાં કોઈ ભારે આધ્યાત્મિક અને ઉચ્ચ પ્રકારનો જ હોય છે એવું નથી હોતું. કોઈ વાર તો નાનું સરખું બાળગીત જ હોય અને તે પણ બાલોચિત ટોળઠઠ્ઠાથી ભરેલું — અલી આરસીવાળી રે — અલી આરસીવાળી રે! તું તો સાવ મારા જેવી! આરસીમાં પોતાની છાયા જોઈ બાળક તેની સાથે વાત કરે છે! ક્યારેક ‘કૌશિકાખ્યાન’ની ધૂન થોડા દિવસ સુધી એકધારી ચાલી છે, તો ક્યારેક શબરીનાં બોરની. બાપુના ગયા પછી કેટલાંક વર્ષ સુધી એ દિવસ નજીક આવે ત્યારે મારે એકાદ ગાંધીગીત રચવાનું થતું. મુંબઈના “શુદ્ધિ મંદિર”માં ‘વહાલુડી વેડછી’ રચવાની ધૂન લાગી અને તે પહેલાં નાશકના વૈજ્ઞાનિક રીતે મજબૂત તુરંગમાં ‘અંતરપટ આ અદીઠ’ની રચના થઈ. એ બધાં તે તે વખતે મારાં દિવસ અને રાત એક પ્રકારના તનમનાટથી ભરી દેતાં હોય છે. મને નાનપણથી ‘ગીતા’પાઠ કરવાની ટેવ છે, તે પ્રમાણે હું અવારનવાર તેનો પાઠ કરતો રહું છું. પણ મારા જીવનને ચાવી ચડાવનારી ખરી ‘ગીતા’ અને ખરી ‘ઉપનિષદ’ તો આ ગીતો અને લખાણો જ છે. [‘મારી જીવનકથા’ પુસ્તક]