સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જોરાવરસિંહ જાદવ/છગન પટલ

          છગન પટલ નવા નાવડાના કણબી હતા. હવે તો છગનભાના મોં પર અવસ્થા આવીને બેસી ગઈ હતી. પણ જુવાની જ્યારે એમના અંગ ફરતો આંટો દઈ ગઈ હતી ત્યારે ગોળમટોળ અને ગુલાબી મોં, મૂછોના થોભિયાથી ભારે ખીલી ઊઠતું. મકરાણી મરદ જ જોઈ લ્યો ને! જુવાનીમાં છગન પટલના દી હતા. ત્રીસ ત્રીસ મણ કાલાના જાકડાને ધરો ઝાલીને ધડ દેતોકને ઊંધો નાખી દે. આંચકા દઈને સોકિયાની સાંકળના મકોડા લાંબા કરી નાખે. એક ભેંસનું દૂધ એક શ્વાસે ઊભા ઊભા પી જાય. મનમાં આવે તો વાળુ કરીને પછી બેઠા બેઠા ભેલી ગોળ બુકડાવી જાય. એક વાર નવા નાવડાની જાન ભાંભણ ગામે ગયેલી. છગન પટલને પણ તાણ કરીને જાનમાં ભેળા લીધા. એ વખતે માંડવામાં ઘી પીવાનો રિવાજ. છગન પટલને સાથે લઈને બે-ચાર જુવાનિયા માંડવા નીચે ઘી પીવા ગયા. કાંસાની થાળિયુંમાં ઘી પીરસાણું. છગન પટલ બે થાળી પી ગયા. માંડવિયાને થયું કે આ જુવાન તો ભારે જોરૂકો લાગે છે — છાતવારમાં તો બે થાળી ઘી ઉલાળી ગયો! બધા ખૂબ તાણ કરવા માંડ્યા. કોઈએ સાસુના સમ દીધા, ત્યાં તો છગન પટલ ઊભા થયા. ઘી પીરસનારના હાથમાંથી બોઘરણું લઈ લીધું અને એમાં વધેલું સાત શેર ઘી માંડવા નીચે ઊભા ઊભા ગટગટાવી દીધું અને બોઘરણાનો કર્યો ઘા — બોઘરણું ગાર્ય કરેલા સામા કરામાં બંદૂકની ગોળીની માફક પેસી ગયું અને થાળી જેવું લાંબું લચ થઈ ગયું! ભાંભણ ગામમાં તે દિવસે ૩૦ માંડવા નંખાયેલા. જુદા જુદા પંથકમાંથી ત્રીસેક જેટલી જાનું આવેલી. ભાંભણની બજાર બહુ સાંકડી, એટલે લગોલગ એક પછી એક વાંહામોરી જાનનાં ગાડાં છૂટેલાં. છગન પટલ પરોઢીએ દિશાએ જવા નીકળ્યા. અંધારામાં ગાડાના જોહરાની સમલ એમના પગના નળા હાર્યે ભટકાણી. “મારા બેટા જાનવાળાને આવડા મોટા ગામમાં ગાડાં છોડવાનો ચંઈ મોખ જ મળ્યો નહીં, તે આંયા બજાર વચ્ચે ડેગડી ચડાવીને મૂક્યાં છે?” એમ બબડતા છગન પટલે ડાબા હાથમાં કળશ્યો ઝાલ્યો ને જમણા હાથે એક પછી એક ગાડાને ઊંધાં ઝીંકોટવા માંડ્યાં. ઘડીબેઘડીમાં તો હનુમાને ઉખાડી નાખેલ રાવણની વાડીનાં ઝાડવાંની જેમ સંધાંય ગાડાં ઊંધાં કાન નાખી દીધાં. મોંસૂઝણામાં તો દેકારો બોલી ગયો. જાનનાં ગાડાં ઊંધાં નાખનાર છે કોણ? નક્કી માંડવાવાળાનાં જ આ કારસ્તાન! માંડવાવાળાએ તો બે-પાંચ આળવીતરા જુવાનડાઓને બોલાવીને ખખડાવ્યાય ખરા. બજાર વચ્ચે આ બધી વહટી ચાલતી હતી ત્યાં છગન પટલ ત્યાંથી નીકળ્યા. એ પણ ટોળાની વચ્ચે આ કૌતુક જોવા ઊભા રહ્યા. એક અથરો જાનૈયો બોલી ઊઠ્યો. “કોણ આ પાણિયાળો બેટો છે? કોનું બળ પછાડા મારે છે?” “ઈ તો, બાપલા, આ છગન પટલનું બળ પછાડા મારે છે. પાણી માપવું હોય તો નવા નાવડાની જાનના ઉતારે આવી રે’જે.” છગન પટલ ઠાવકાઈથી બોલ્યા. “આમ મારગ માથે ગાડાં છોડીને હાલી નીકળતાં પે’લા થોડો વિચાર તો કરતા હો, ભા!” “પણ અમારા કાને વાત નાખી હોત તો બજાર માથેથી ગાડાં આઘાં ખસેડી લેત. પણ આમ ઊંધાં નાખ્યે તમારા હાથમાં શું આવ્યું? આટલાં બધાં ગાડાં સવળાં કોણ કરશે?” “ઈની ફકર્ય તમે શીદને કરો છો?” એમ કહેતાં છગન પટલે ધરો ઝાલીને એક પછી એક ત્રીસેય ગાડાં સવળાં કરી નાખ્યાં. “ભઈલા, આવી રમતું તો અમારા નવા નાવડાના છોકરા હંદરોજ રમે છે. ધોલવાડના મલક માથે નવા નાવડાને છતું કરવું’તું એટલે આ ખેલ કરવો પડ્યો.”


[‘સ્વસ્થ માનવ’ માસિક : ૧૯૭૮]