સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/સર્વત્ર ગોળાકાર
હું રાસગરબાના વિશ્વદર્શનમાં રાચનારો છું. રાસ, ગરબા, ગરબી એટલે કૂંડાળે ફરતાં ગવાતાં ને નચાતાં ગીતો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છે, મારવાડ-રાજસ્થાનમાં છે, કચ્છ-સિંધમાં છે, કૂર્ગોમાં અને સાંથાલોમાં છે. જાપાનમાં તાળીઓ લઈ રમાતો રાસ ‘મિનાતો ઓદોરી’ (બંદરનૃત્ય) હૂબહૂ આપણા રાસડાની જ આવૃત્તિ. આર્ય ગોવાળિયો હજારો વર્ષો પર ગ્રીસના ગૌચરો પર નેસ બાંધીને રાસડે-ગરબે ઘૂમતો હતો. ગીતો ગાતાં ગાતાં કૂંડાળે થતાં સમૂહનૃત્ય જગત-સહિયારું તત્ત્વ છે. કૂંડાળું છે સમૂહજીવનનું પ્રતીક, કલાની પરિપૂર્ણ ને બલિષ્ઠ રેખા. ગગનમાં, ક્ષિતિજ પર, સાગરપાળે કે વૃક્ષરાજિની ઘટાએ ઘટાએ, જલે-સ્થલે, પુષ્પે-પાંદડે, દલે— દલે, સર્વત્રા ગોળાકાર, વર્તુલ, મરોડ. માનવીઓનાં મન ગોળાકારે મોહ્યાં, કલામાં, કસબમાં, જીવનનું લાલિત્ય ઉચ્ચારનારી દરેક રચનામાં. [શાંતિ બરફીવાળા સંપાદિત પુસ્તક ‘રાસકુંજ’ : ૧૯૩૪]