સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/સાહિત્ય-સંગીતનું જોડું
બાર-તેર વર્ષો પરનું પ્રભાત હતું. જોધાર પુત્ર શો તંબૂર ખોળામાં સુવાડીને એક હાથે તેના તાર ગુંજાવતા તેમ જ બીજે હાથે કાગળ પર પેન્સિલ વડે લીટા કાઢતા શ્રી ખરે [ગાંધીજીના આશ્રમવાસી નારાયણ મો. ખરે] મારી પાસે લોકગીતો ગવરાવીને તેની સ્વરલિપિ નક્કી કરતા હતા. મારા અણઘડ ગળામાં સૂરો ફરી જતા, લપસી-લપસીને આઘાપાછા થઈ જતા; પંડિતજી સ્વર-લેખાઓમાં છેકભૂંસ કરતા હતા, કહેતા હતા કે શાસ્ત્રીય રીતે વિસંવાદી ગણાતા શત્રુ-સ્વરોની પણ શી અદ્ભુત મેળવણી લોકસંગીતમાં થઈ છે! સાથે બેસી લોકગીતોની સ્વર-લિપિ કરી લેવાની મુરાદ તો રહી ગઈ. એમના બે કાગળ આવી ગયા : ‘મારે ગીતો-વાર્તાઓનો મેળો ભરવો છે. આવો. બીજાને લાવો.’ મેળો નોતરનાર પોતે ચાલી નીકળ્યા છે. સાહિત્ય-સંગીતનું સુખી જોડું પરણાવી આપવા પ્રયત્ન કરનાર શ્રી ખરે જેવાને આપણે ક્યાં શોધશું? [‘જન્મભૂમિ’ દૈનિક : ૧૯૩૮]