સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/હું દરિયાની માછલી
દરિયાના બેટમાં રે’તી
પ્રભુજીનું નામ લેતી,
હું દરિયાની માછલી!...
દરિયાના દેશથી વિછોડી
દુનિયાસું શીદ જોડી!...
દરિયાનાં નીર મને પાતાળે ગોતશે,
આભ લગી મારશે ઉછાળા....
છીપલીની છાતીએથી કોણ હવે ઝીલશે
મોં ઉઘાડી મોતીડાં રૂપાળાં!...
જળની સાથે અમારે જનમ કેરી પ્રીતડી,
મરજો પ્રીત્યોના તોડનારા—
હું દરિયાની માછલી!