સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝીણાભાઈ દેસાઈ/નિર્મળ દીવી
‘કુમાર’નો ૫૦૦મો અંક! કેટકેટલી સ્મૃતિઓ, કેટકેટલી તવારીખો અંકાઈ ગઈ છે એ પહેલા અને પાંચસોમા અંક વચ્ચે! કેવા પ્રબળ ઝંઝાવાતો! એમાં નિર્મળ ઘીના દીવાની જેમ સ્થિર જ્યોતે ‘કુમાર’ પ્રકાશતું રહ્યું છે. ગુજરાતની એ એક મંગળ, સાંસ્કૃતિક જ્યોત છે. એના શીતળ, સ્થિર, શાંત પ્રકાશમાં અનેક પથિકોને પ્રેરણા મળી છે. આ કથા કહેતાં કલ્પના નાચી ઊઠે છે. પણ એ બધું સિદ્ધ કરતાં શું થયું હશે; ડગલે ને પગલે ખાડેટેકરે અડવડતા, ઠોકરાતા કયા હાથોમાં એ દીવી સચવાતી રહી છે, એ કથા આપણે કેટલી બધી ઓછી જાણીએ છીએ! કેવળ એક કે બે વ્યક્તિની મૂક સાધના પ્રજાજીવન ઉપર કેટલી વ્યાપક અસર કરી શકે છે, તેનું એક અત્યંત મનોરમ ચિત્ર ‘કુમાર’ના પાંચસોમા અંક પ્રસંગે ગુજરાતને લાધશે.