સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/તુષાર પુરાણી/સિતમની દાસ્તાન
રશિયાના મહાન લેખક અને ૧૯૭૦નું નોબેલ ઇનામ જીતનાર ૫૫ વર્ષના એલેકઝાંડર સોલ્ઝેનિત્સિન પર દેશદ્રોહનો આરોપ મૂકી સોવિયેત સરકારે તેમને દેશનિકાલ કર્યા, એની પાછળ મુખ્ય કારણ હતું એમની મહાન કૃતિ ‘ગુલેગ આર્કીપેલેગો’નું પેરિસમાં થયેલું પ્રકાશન. આ પુસ્તકની રશિયન ભાષાની આવૃત્તિની ૨૦ લાખ નકલો રશિયાની બહાર વેચાઈ ગઈ. ૬૦૦ પાનાંની ‘ગુલેગ આર્કીપેલેગો’ સોવિયેત સરકાર સામેનું તહોમતનામું છે. ‘ગુલેગ’ એ શબ્દ રશિયામાં ઠેર ઠેર પથરાયેલી કેદીઓ માટેની શ્રમછાવણીઓની કેન્દ્રીય વહીવટી વ્યવસ્થાનું સંક્ષિપ્તરૂપ છે. ‘આર્કીપેલેગો’નો અર્થ છે ટાપુઓનો સમૂહ. આ ‘ટાપુઓનો સમૂહ’ છે, ત્રસ ફેલાવનારી શ્રમછાવણીઓ. ૧૯૭૩ના ઑગસ્ટ મહિનામાં બનેલી એક ઘટનાએ લેખકને આ પુસ્તક પ્રકાશિત કરવા માટે મજબૂર કર્યા. લેખકે આ પુસ્તકની એક હસ્તપ્રત પોતાનાં એક રશિયન સ્ત્રી-મિત્રને સાચવવા આપી હતી. લગભગ પાંચ દિવસની ક્રૂર સતામણી પછી તે સ્ત્રી-મિત્રો હસ્તપ્રત છૂપી પોલીસને બતાવી દીધી અને બીજા દિવસે તેણે આત્મહત્યા કરી. આ બનાવે સોલ્ઝેનિત્સિનને વ્યથિત કરી મૂક્યા અને તેમણે પરિણામની પરવા કર્યા વગર વિદેશમાં પુસ્તકના તાત્કાલિક પ્રકાશન માટે અનુમતિ આપી દીધી. સોલ્ઝેનિત્સિનની બીજી કૃતિઓ ‘ફર્સ્ટ સરકલ’ અને ‘વન ડે ઇન ધ લાઇફ ઓફ ઇવાન ડેનીસોવીચ’માં રશિયન સરકારના અત્યાચારોની ગાથા હતી જ, પણ તેમાં કલ્પિત તત્ત્વ પણ સાથે સાથે વણાયેલું હતું. ‘ગુલેગ’માં લેખકે ૧૯૫૬ સુધીના લગભગ ચાર દાયકા દરમિયાન લોકો ઉપર જે અત્યાચારો અને દમનો ગુજારવામાં આવ્યાં તેનું રૂંવાડાં ખડાં કરી નાખે તેવું દસ્તાવેજી વર્ણન કર્યું છે. ૨૨૭ નાગરિકોના પત્રો દ્વારા વર્ણવાયેલી વિતકકથા, ખાનગી દસ્તાવેજો અને અહેવાલો આ પુસ્તકની સામગ્રી છે. લેખક જણાવે છે એમ આ પુસ્તકમાં એક પણ પાત્ર કે બનાવ કાલ્પનિક નથી. દરેક વ્યક્તિની તેના નામ સાથેની માહિતી આપવામાં આવી છે અને ક્રૂર વાસ્તવિકતાઓનો આબેહૂબ ચિતાર આપ્યો છે. લેખકના મતે ઝારના સમય વખતે જે જુલ્મ અને ત્રાસ ગુજારવામાં આવ્યો હતો તેના કરતાં પણ વધુ ત્રાસ અને અત્યાચારો એકહથ્થુ સત્તા ભોગવતી કમ્યુનિસ્ટ સરકારે લેનિન અને સ્ટાલિનના શાસનકાળમાં — ચાર દાયકા સુધી — ગુજાર્યા હતા. લેખકે પોતે આઠ વર્ષ શ્રમછાવણીમાં ગાળ્યાં હતાં. સોવિયેત સરકારે જેને “સરકાર વિરુદ્ધની બદબોઈ ભરેલું પુસ્તક” કહી વખોડી કાઢયું છે તે ‘ગુલેગ’માં સોલ્ઝેનિત્સિને જેલમાં અને શ્રમછાવણીઓના દ્વીપસમૂહમાં સબડતા પોતાના જેવા લાખો લોકોની મૂક વ્યથાને વાચા આપી છે. આ અત્યાચારો માટે તેમણે ૨,૫૦,૦૦૦ વ્યક્તિઓને દોષિત ઠરાવી છે. ૧૯૧૮માં લેનિન સત્તા ઉપર આવ્યા ત્યારથી ૧૯૫૯ સુધીના ગાળામાં લગભગ સાડ છ કરોડ સ્ત્રી-પુરુષ અને બાળકોને “શ્રમ દ્વારા સુધારણા”ના સૂત્ર નીચે આ ગુલામીના દ્વીપસમૂહોમાં મોકલવામાં આવ્યાં હતાં. જેને રશિયાના ઘડવૈયા અને એક આદર્શવાદી પુરુષ ગણવામાં આવે છે તે લેનિનને પણ લોકો પર ગુજારવામાં આવેલા સિતમ માટે સોલ્ઝેનિત્સિન જવાબદાર લેખે છે. ભય અને ત્રાસના સૂત્રથી ચાલતી આ વ્યવસ્થા લેનિને શરૂ કરી, સ્ટાલિને દૃઢ કરી અને ક્રેમલિનના નેતાઓએ ટકાવી રાખેલી છે. [‘બુદ્ધિપ્રકાશ’ માસિક : ૧૯૭૬]