સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દાદા ધર્માધિકારી/કાયરતાથી ક્રૂરતા સુધી
ગાંધીના જમાનામાં આ દેશની જનતાએ અહિંસાનો સ્વીકાર કર્યો હતો, એવો ભ્રમ કોઈને હોય તો તે કાઢી નાખજો. બીજો કોઈ વિકલ્પ નહોતો. શસ્ત્રો તો અંગ્રેજોએ છીનવી લીધાં હતાં. ત્યારે આ એક માણસ, બીજું કાંઈ નહીં તો, અંગ્રેજોને તોબાહ પોકારાવી શકતો હતો. એટલે જનતા એની પાછળ પાછળ ગઈ — પણ તેમાંય હિંસા અને જુઠ્ઠાણા માટે અવકાશ હતો ત્યાં સુધી જ ગઈ. ગાંધીના કાર્યક્રમમાં સત્ય ને અહિંસા હતાં, તે તો તેના પર જ છોડ્યાં! ગાંધીજીએ કહ્યું કે, હથિયાર નથી તો મારી પાછળ પાછળ આવો; ત્યારે લોકોએ કહ્યું કે, હા, તારી પાછળ ન આવીએ તો બીજું કરીએ પણ શું? પરંતુ હથિયાર વગરેય જેટલો દ્વેષ થઈ શકશે તેટલો જરૂર કરશું! ગયા વિશ્વયુદ્ધ દરમિયાન અમે જેલમાં હતા ત્યારે ક્યારેક ચોરીછૂપીથી છાપાં મેળવી લેતા. એમાં અમે જ્યારે વાંચતાં કે હિટલરની જીત થઈ રહી છે, ત્યારે અમને લોકોને એટલો બધો આનંદ થતો કે જાણે અમારા પિતૃઓ સ્વર્ગમાં ગયા હોય! નિર્બળતા કે કાયરતામાંથી હંમેશાં વૈરવૃત્તિ જાગે છે. અને વૈરવૃત્તિમાંથી ક્રૂરતા જ જન્મે છે. આવી ક્રૂરતા હિંદુ-મુસ્લિમ હુલ્લડો અને ભાષાકીય આંદોલનો વખતે આપણે જોયેલી છે. [‘મિલાપ’ માસિક : ૧૯૬૨]