સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરુભાઈ ઠાકર/આઠ સદીની કથા
આપણે ભૂતકાળમાં જેમ નજર કરીશું તેમ ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર આજના કરતાં ઘણો મોટો જણાશે. અગિયારમા શતકના આરંભમાં અરબી મુસાફર અલ-બે-રુનીએ આબુથી જયપુર સુધીના પ્રદેશનો ‘ગુજરાત’ એમ ઉલ્લેખ કરેલો છે. આ રીતે છેલ્લા આઠ-દશ સૈકાથી ગુજરાતની સરહદો બદલાતી જતી હતી. તેમ છતાં આજના ગુજરાતના અમુક પ્રદેશનો તો એ બધો વખત ગુર્જર દેશ તરીકે ઉલ્લેખ થતો આવ્યો છે. આ ગુર્જરોની ભાષા તે ગુજરાતી. દ્વારિકાથી દમણગંગા સુધીના પ્રદેશ પર બોલાતી ભાષા તે ગુજરાતી કહેવાય છે. પણ જે અર્થમાં આજે આપણે ગુજરાતી કહીએ છીએ, તે અર્થમાં એ ભાષા તે સમયમાં પ્રચલિત નહોતી. હજારેક વર્ષ પહેલાં આપણા પૂર્વજો બોલતા તે અપભ્રંશને મળતી આવતી ભાષા હતી. અપભ્રંશ ભાષા આસામથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી થોડાક પ્રાંતિક ભેદે સાહિત્યમાં સ્થિર થયેલી હતી. ઈ.સ. ૧૨૦૦થી લગભગ ૧૫૦૦ સુધી માળવા, રાજપુતાના અને ગુજરાતમાં એક જ ભાષાસ્વરૂપ પ્રચલિત હતું : જૂની પશ્ચિમી રાજસ્થાની. પણ સોળમા શતકમાં ગુજરાતી અને રાજસ્થાની બંનેનું ભાષાસ્વરૂપ અલગ અલગ ખાસિયતો વિકસાવતું ગયું. છેવટે રાજસ્થાની તે હિંદીની ઉપ-ભાષા બની રહી, અને ગુજરાતી સ્વતંત્રા ભાષા તરીકે ઉદય પામી. આમ છતાં ગુજરાતીની માતા તો અપભ્રંશ જ ગણાય. બોલાતી ભાષા તરીકે જૂની ગુજરાતી અગિયારમા સૈકામાં પ્રચલિત હતી. આ બોલાતી ભાષા સાહિત્ય-ભાષા તરીકે રૂઢ થઈ બારમા સૈકાના અંતમાં. ૧૧૮૫માં રચાયેલી જૈન મુનિ શાલિભદ્રસૂરિની ‘ભરતેસર-બાહુબલિરાસ’ નામની પદ્યકૃતિ જૂની ગુજરાતીની સૌ પહેલી રચના મનાય છે. તેરમા સૈકાના આરંભમાં ગુજરાતીને સ્વતંત્રા ભાષા તરીકે જૈન મુનિઓએ સાહિત્યમાં પ્રતિષ્ઠિત કરી હતી. ૧૪મા અને ૧૫મા સૈકા દરમિયાન ગુજરાતી ભાષાના ચારપાંચ સમર્થ કવિઓ થઈ ગયા, જેમણે ગુજરાતીનું પોતીકું સાહિત્યિક વ્યક્તિત્વ બાંધવામાં મુખ્ય ફાળો આપ્યો છે. નરસિંહ અને મીરાં ઉપરાંત અસાઈત, ભાલણ વગેરે આ ગાળાના કવિઓ છે. પણ ૧૩મા ને ૧૪મા સૈકામાં જૈન કવિઓએ સેંકડો રાસો રચેલા છે.