સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધ્રુવ ભટ્ટ/મહાન દર્શનોના મૂળમાં
આ વિદ્વજ્જનોની સભામાં સહુથી પહેલાં હું એ લોકોને યાદ કરવા માગું છું કે જેમણે કદી કંઈ પણ વાંચ્યું નથી અને જેઓને વાંચતાં પણ આવડતું નથી. તેમની બોલીઓનું શબ્દભંડોળ રોજિંદા કામકાજના શબ્દોથી વધુ મોટું નથી. હું તેઓને યાદ કરું છું, કારણ કે મને અનેક વખત એવું લાગ્યું છે કે જગતનાં મહાન દર્શનોનાં મૂળમાં આ લોકો છે. એટલું જ નહીં, પ્રકૃતિ સાથે રહેતા અને સતત ઝૂઝતા આ લોકોએ ખેતરોમાં કામ કરતાં કરતાં, વનોમાં વિચરતાં વિચરતાં અને ઘરમાં અનાજ છડતાં રહીને પણ પોતાની પેઢીઓને વાર્તાઓ કહી છે, ગીતો સંભળાવ્યાં છે અને હાલરડાં ગાઈને સુવાડી છે. એ રીતે તેઓએ સમર્થ સાહિત્યકારોને અને દર્શનોને જિવાડયાં છે. મેં નર્મદા-તટે થોડી રખડપટ્ટી કરી. પરિક્રમાવાસીઓને મળ્યો, ગ્રામજનો સાથે નિવાસ કર્યો. આ બધાંમાંથી જે સંવેદનો જાગ્યાં તે મેં ‘તત્ત્વમસિ’ કથામાં વણ્યાં. મને એવા માનવીઓ મળ્યા જે બિલકુલ અભણ હતા, પોતાની આસપાસના થોડા કિલોમીટરથી મોટો વિસ્તાર તેમણે જોયો ન હતો. જેને આપણે અજ્ઞાની કહીએ છીએ તેવા માણસો પાસે મને જીવનને લગતી વાતો સાંભળવા મળી. જીવન તરફની તેમની દૃષ્ટિથી હું પ્રભાવિત થયો. આ મારો અનુભવ અને તેના પર આધારિત મારાં અર્થઘટનોમાંથી જે કંઈ થોડું લખ્યું તે ‘તત્ત્વમસિ’ નામે તમારી સામે છે. આ દેશની વિવિધતા ધરાવતી, અસમાનતાઓ ધરાવતી, અનેક પ્રશ્નાોથી ઘેરાયેલી પ્રજા જે એક અદૃશ્ય સૂત્રાથી બંધાયેલી રહી છે, તે સૂત્રાના તાંતણા વિખરાતા જતા જોઉં છું ત્યારે સાહિત્ય અને સંવેદનાના સંબંધ પર ભરોસો રહેતો નથી.