સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/કારવાં

ગાજે ત્રંબાળુ ઢોલ, ગોરંભે ગંભીર બોલ.
ગુંજે શરણાઈ નવી જિંદગીના દેતી કોલ,
ગગડે છે નોબત ન્યારી, વાગે ડંકા નિશાન.
ભાંગે હો માનવીની જુગજૂની નીંદરા,
નવલા અંબાર ભાલે ઝીલે વસુંધરા.
મૂંગા આશિષ જો રેલે ગુલાબી આસમાન.
બાંધો સામાન, સાથી! સંકેલો આજ ડેરા,
દિલે નવી ભોમ કેરા આવ્યા રે સાદ ઘેરા;
દૂરની મંજિલ કેરી અંગે અંગે લાગી તાન.
ઘૂમીશું ખંડે ખંડે; વીંધીશું કૈંક પ્હાડ,
મારગને રૂંધનારી ભેદીશું કૈં કરાડ.
મિટાવીશું જૂના અન્યાયનાં નામોનિશાન.
દિલમાં છે સ્વપ્ન જેને નયનોમાં જેને આશ,
માનવીની આઝાદીની જેને જેને લાગી પ્યાસ,
એ સહુ અમારી સંગે, હો! ચાલશે ઉમંગે.
કોઈની તાકાત ના કે આવાં રોકે પ્રયાણ.
સામે ધરતી અપાર, આભે પંખીનાં ગાન.