સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/તરણેતર
મારાં મનડાંનો માનેલ મીઠો, માણીગર ક્યાં મ્હાલે?
એને મેળામાં ક્યાંય ના દીઠો, માણીગર ક્યાં મ્હાલે?
આવી તરણેતરને મેળે, માણીગર ક્યાં મ્હાલે?
જોતી આવી હું ઊભે કેડે, માણીગર ક્યાં મ્હાલે?
અહીં ઊમટ્યા માનવી લાખો, માણીગર ક્યાં મ્હાલે?
નહિ એનાથી થઈ ચાર આંખો, માણીગર ક્યાં મ્હાલે?
મેં તો ડોકમાં હાંસડી પહેરી, માણીગર ક્યાં મ્હાલે?
અને લ્હેરિયાં હાલ્યાં લ્હેરી, માણીગર ક્યાં મ્હાલે?
મેં તો પહેર્યો ગુલાબી કમખો, માણીગર ક્યાં મ્હાલે?
જાશે આજનો દન શું અમથો? માણીગર ક્યાં મ્હાલે?
મારી ખણખણ કાંબિયું બોલે, માણીગર ક્યાં મ્હાલે?
મારી નજરું તે એકને ખોળે, માણીગર ક્યાં મ્હાલે?
મારી સાહેલિયું કતરાતી, માણીગર ક્યાં મ્હાલે?
મારી સંશેથી ધડકે છાતી, માણીગર ક્યાં મ્હાલે?
મન મૂકી બધાંય રે’ મ્હાલી, માણીગર ક્યાં મ્હાલે?
મારો મેળો શું જાશે ખાલી? માણીગર ક્યાં મ્હાલે?
એના વાવડ તે કેને પૂછું, માણીગર ક્યાં મ્હાલે?
જરા ભીની આંખલડી લૂછું, માણીગર ક્યાં મ્હાલે?
ત્યાં તો પાછળથી વાગે પાવો, માણીગર ક્યાં મ્હાલે?
ન્હોય બીજાનો સૂર તે આવો, માણીગર ક્યાં મ્હાલે?
પછી વાંકી એ પાઘડી દીઠી, માણીગર ક્યાં મ્હાલે?
હસી માયાળુ આંખડી મીઠી, માણીગર ક્યાં મ્હાલે?
કેડ પાતળી ને ફૂમકાં ઝાઝાં, માણીગર ક્યાં મ્હાલે?
ડિલે છાંટણાં ગલાલનાં તાજાં, માણીગર ક્યાં મ્હાલે?
એની મીટ પરે મનડાં ઓવારું, માણીગર ક્યાં મ્હાલે?
કરું ઓળઘોળ આયખું મારું, માણીગર ક્યાં મ્હાલે?
મીઠો તરણેતરનો મેળો, માણીગર ક્યાં મ્હાલે?
મારો સંગી તે થઈ ગ્યો ભેળો, માણીગર ક્યાં મ્હાલે?
હવે મેળાનો રંગ રહી જાશે, માણીગર ક્યાં મ્હાલે?
હાશ! હૈયાને ટાઢક થાશે, માણીગર ક્યાં મ્હાલે?