સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પન્નાલાલ પટેલ/વિશ્વાસનું વાવેતર

          અમારી શાળામાં એક સંત માણસનો આજે વાર્તાલાપ હતો. સમય થતાં હું મારા વર્ગનાં બાળકોને પ્રાર્થના-મંદિરમાં લઈ ગયો. પાંચેક મિનિટ થઈ હશે ને આચાર્યશ્રી મહેમાન સાથે આવી પહોંચ્યા. આચાર્યશ્રીએ મહેમાનની ટૂંકી ઓળખાણ આપી પછી એ મહેમાન ઊભા થયા અને કહેવા લાગ્યા : પ્યારાં બાળકો, જ્યારે જ્યારે તમારા જેવાં બાળકો આગળ બોલવાનું આવે છે ત્યારે મારા બચપણનો એક પ્રસંગ યાદ આવતોકને ઊભો રહે છે. એ વખતે મારી ઉંમર અગિયાર-બારની હતી. મારા પિતા એક સારા કેળવણીકાર હતા. અમે લોકો મુંબઈના એક પરામાં રહેતાં હતાં. મારે એક ચાર-પાંચ વર્ષની નંદા નામે બહેન હતી. અમને બેઉને જોડેના પરામાં બાપુજીના એક મિત્રાની સંસ્થામાં ભણવા માટે મૂક્યાં હતાં. નંદાનું બાલમંદિર પણ મારી શાળા ભેગું જ હતું, એટલે હું તથા નંદા બસમાં બેસીને સાથે જતાં ને સાથે જ પાછાં આવતાં. આમ તો જોકે, બસભાડું તથા વાપરવાના પૈસા બા જ મને આપતાં. પણ એ દિવસે બા બહારગામ ગયાં હતાં. એટલે હું તથા નંદા ખભે બસ્તા ભરાવી બાપુજી પાસે પૈસા માગવા ગયાં. મેં કહ્યું : “લાવો બાપુજી, પૈસા.” “શું?” કહેતાં બાપુજીએ ટેબલ ઉપર મૂકેલા એક મોટા પુસ્તકમાંથી નજર ઉઠાવી ચશ્માં કાઢી આંખો ચોળી. જાણે કોઈ ઓરડામાંથી બહાર આવીને જોતા હોય તેમ અમારી સામે જોયું. હસીને પૂછ્યું : “કેમ બેટા, શું છે?” મેં કહ્યું : “લાવો ત્રણ આના.” “કેમ ત્રણ આના?” “કેમ તે — બે આના મારા જતા-વળતાના, ને એક આનો ચવાણાનો!” “ને નંદાને?” બાપુજીના આ અજાણપણા ઉપર મને હસવું આવ્યું : “હા…હા…નંદાને શું વળી?” “કેમ?” એને નાસ્તાના નહિ, પણ બસના તો ખરા ને?” વળી પાછું મને હસવું આવ્યું : નંદાને બાલમંદિર તરફથી નાસ્તો મળતો હતો એ બાપુજી જાણતા હતા, પણ એનું બસભાડું નથી પડતું એ વાતની એમને એક વર્ષ થવા આવ્યું તોય ખબર ન હતી! મેં કહ્યું : “એની ક્યાં ટિકિટ પડે છે, બાપુજી?” બાપુજીને કાં તો થયું હશે : કાયદો બદલાઈ ગયો કે શું? નવાઈ પામતાં બોલ્યા : “કેમ? ચાર-ચાડાચાર વર્ષના બાળકની અડધી ટિકિટ કેમ નહિ?” “અરે, પણ કંડક્ટર જ નથી માગતો ને!” બાપુજીએ બાજુની ભીંતે ભેરવેલા પહેરણમાંથી પાકીટ કાઢતાં કહ્યું : “એ ન માગે તોય આપણે સામેથી આપવું. એ શું જાણે કે આની ઉંમર ત્રણ વર્ષ કરતાં વધારે છે?” બસ ચૂકી જવાની બીકને લીધે મેં બોલ્યા-ચાલ્યા વગર પાંચ આના લઈને ખિસ્સામાં મૂક્યા, ને નંદાને આગળ કરી ચાલતો થયો. મને હતું કે બે દિવસ પછી બા આવશે ત્યારે એને નંદાની ટિકિટના પૈસા આપતાં, બાપુજીએ આ પૈસા બઝાડયા છે એની ગમ્મતભરી વાત કરીશ. પણ બસમાં બેઠો ત્યાં જ નંદાએ એની લૂલી હલાવવી શરૂ કરી : “ભાઈ, મારી ટિકિટ મને આપજે.” ટિકિટો આપતો કંડક્ટર બાજુમાં આવ્યો ત્યાં વળી બોલી ઊઠી : “ભાઈ, લઈ લે ને આપણી ટિકિટો!” મને એના ઉપર એવી તો ચીઢ ચઢી! પણ બસની અંદર એને દબડાવવા જાઉં તો ઊલટાની વાત ફૂટી જાય. ને મેં એને પટાવી : “જો, હમણાં તું ચૂપચાપ બેસી રહે. નીચે ઊતરીને હું તને —” ને પછી કંડક્ટર પાસેથી મારી એકલાની ટિકિટ લઈ નંદાને એ આપી રાખી, “લે, રાખ તારી પાસે.” “પણ તારી?” મેં એના કાનમાં કહ્યું : “હમણાં ચૂપ બેસ. પછી નીચે ઊતરીને તને ગમ્મતની વાત કરીશ.” ને નંદા બિચારી ચુમાઈને બેસી રહી. પણ નીચે ઊતરતાં વળી એણે વાત ઉપાડી : “ભાઈ, બાપુજીએ તો આપણા બેઉની ટિકિટ લેવાનું કહ્યું હતું ને?… ત્યારે તેં એક જ કેમ લીધી?” “આ બચેલા પૈસાની આપણે ચોકલેટ લઈશું.” આમ કહીને મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ નંદા ન માની. એને તો ચોકલેટ કરતાં પોતાના હાથમાં ટિકિટ આવે, ને તેય પાછી પોતાના નામની, એ વાતનો વધારે રસ હતો. અને મેં, શાળાનો દરવાજો આવતાં હાલ તુરત એને શાંત કરી : “ઠીક છે, જતી વખતે લઈશું…” ને જતી વખતે વળી પાછો નંદાએ, બસમાં બેસતાંની સાથે એનો ટકટકારો શરૂ કરી દીધો : “ભાઈ, લેજે હાં ટિકિટ!… મને આપજે હાં, ભાઈ..” ને કંડક્ટર આવ્યો ત્યારે તો એણે, મને જાણે કાનમાં કહેતી હોય તેમ, ધીમે બોલતાં આંગળીઓ પણ ખોસવા માંડી : “લે ને ભાઈ; ભાઈ, બે લેજે, હાં!” પણ જ્યારે મેં એક જ ટિકિટ લીધી ત્યારે તો એ એટલી બધી નિરાશ થઈ ગઈ! અરે, રડવા આડે એક આંસુ આવવાં જ બાકી હતાં. આ વખતે તો મારી ટિકિટ પણ એણે ન લીધી. મેં એના હાથમાં થમાવી તો એણે મારા ખોળામાં પાછી ફેંકી દીધી. ને ઘેર જતાંમાં જ એણે ઑફિસમાંથી હમણાં જ આવેલા બાપુજીને ફરિયાદ કરી : “ભાઈએ તો, બાપુજી, મારી ટિકિટ લીધી જ નો’તી.” આ વખતે તો એની આંખમાં આંસુ પણ આવી ગયાં. બાપુજીએ પ્રેમપૂર્વક અમને બેઉને સામે બેસાડયાં ને પછી આખીય વાત અમારી પાસેથી જાણી લીધી. શા માટે મેં ટિકિટ ન લીધી એનું કારણ અત્યાર સુધી મેં ગોઠવી દીધું હતું; કહ્યું : “ટિકિટ તો લેત પણ પછી બા આવે ને નંદાની ટિકિટના પૈસા ન આપે તો?” મારો ભય અર્થ વગરનો છે એમ બાપુજીએ કહ્યું, એટલે પછી એમના કરતાં હું જાણે વધારે ડાહ્યો હોઉં એ જાતની મેં બીજી વાત કરી : “કંડક્ટર માગે નહિ, પછી આપણે સામે જઈને શું કામ આપવા?…બાએ પણ આમ જ કહી રાખ્યું છે કે માગે તો કે’જે કે, કાલથી લઈ આવીશ.” પણ બાપુજીએ તો મારી આ હોશિયારીની વાત જાણે કાને જ ન ધરી, સાટે એમણે મને લાંબીચોડી શિખામણ આપી, જેનો સાર કાઢીએ તો આમ કહેવાય : “બસ આપણને વહી લઈ જાય એના બદલામાં આપણે એને એના કાયદા અનુસાર ત્રણ વરસ પછી અડધું ભાડું આપવું જ જોઈએ. ન આપીએ તો એ આપણે ચોરી કરી કહેવાય.” પણ ખરું કહું તો એ વખતે બાપુની આ શિખામણ સાંભળવાનો, એટલે કે કાને ધરવાનો, કોણ જાણે કેમ પણ હું માત્ર ડોળ જ કરી રહ્યો હતો. પરંતુ બીજી સવારે તૈયાર થઈને હું તથા નંદા બાપુજી પાસે પૈસા લેવા ગયાં એ વખતે એવી એક વાત બની કે એ ઉપરથી બાપુજીએ કરેલી એક નાનીશી ટકોર, મીણના ગઠ્ઠામાં તીર ખૂંપે એ રીતે, આજ દિવસ સુધી મારા હૃદયમાં ખૂંપી રહી છે! મેં બસ-ભાડાના પૈસા માગ્યા એ સાથે જ નંદા બોલી ઊઠી : “બાપુજી! મારી ટિકિટના (પૈસા) મને આપો.” આ સાથે જ બાપુજી જાણે કોઈ બૉમ્બ પડ્યો હોય એ રીતે સ્તબ્ધ થઈ ગયા. નંદા ઉપરથી નજર ઉઠાવી, મારી દયા ખાતા હોય એ રીતે મારી સામે જોતાં પૂછ્યું : “શું સમજ્યો, બેટા?” પણ મને એમાં કંઈ સમજ ન પડી. એટલે બાપુજી સામે તો નંદા તરફ, એમ હું જોવા લાગ્યો. બાપુજીએ પૂછ્યું : “શા માટે નંદા એની ટિકિટના પૈસા પોતે લેવાનો આગ્રહ રાખે છે?” હું જાણે સમજી ગયો હોઉં તેમ બોલી ઊઠ્યો : “હાં, બાપુજી…! એને બસની ટિકિટો રમવા જોઈએ છે ને એટલે!” મારી વાત ન માનતા હોય એ રીતે બાપુજીએ નંદા સામે જોયું. નંદા બોલી ઊઠી : “ના બાપુજી, ભાઈ મારી ટિકિટ લેશે જ નહિ!” બાપુજીએ જરા દુઃખ સાથે મારી સામે જોયું, ને વળી મારી દયા ખાતા હોય એ રીતનું હસ્યા. કહ્યું : “જોયું ને બેટા! નંદાને તારો હવે વિશ્વાસ જ નથી પડતો!” હું તો એવો લજવાઈ ઊઠ્યો કે બાપુજી સામે જોઈ જ ન શક્યો! અલબત્ત, આ પછી નંદાને સમજાવીને એના પૈસા મને જ આપ્યા. પણ આ સાથે કહેલું વાક્ય એવું તો મારા હૈયામાં ઘર કરી ગયું છે! ધીર ગંભીર અવાજે બાપુજીએ કહ્યું હતું, “આમ કરતાં કરતાં જગતમાં તું અવિશ્વાસનાં બીજ વાવતો ન થઈ જાય એ વાત, આજના પ્રસંગ ઉપરથી, ખૂબ ધ્યાનમાં રાખજે, બેટા.”