સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્યારેલાલ નય્યર/એ રવિ-કિરણોનું રહસ્ય

          પોતાની માતૃભૂમિમાં એકતા સિદ્ધ કરવાનું તેમનું સ્વપ્ન છિન્નભિન્ન થવાની તૈયારીમાં હતું, એવે સમયે પણ ગાંધીજી આશા અને ઉત્સાહ, શાંત આત્મવિશ્વાસ અને સામર્થ્યનાં કિરણો ફેલાવતા સૂર્ય સમા બની રહ્યા હતા. શોકમાં ડૂબેલા ને ક્રોધે ભરાયેલા, નાસીપાસ થયેલા ને નિરાશ બનેલા લોકો તેમની પાસે આવતા — કેટલાક તેમની ઠેકડી કરવા ને કેટલાક ગાળો દેવા. ગાંધીજીની અક્ષુબ્ધ સમતા અને તેમની શાંત, વેધક દલીલો એ લોકોના રોષની ધાર બૂઠી કરી દેતી. તેમની સાથે તકરાર કરવા આવનારાઓ ગાંધીજીના અપાર પ્રેમથી પરાજિત થઈને તેમના ભક્ત બની જતા. જેમના મનનું સમાધાન નહોતું થતું એવાઓ પણ પોતાના દિલની કડવાશ છોડીને એવી લાગણી સાથે પાછા ફરતા કે, આ માણસ તો વખત આવ્યે આપણો ભેરુ બને તેવો છે અને તેને ગુમાવવો આપણને પાલવે નહીં. નિરાશા ને સંશયમાં ડૂબીને જેઓ આવતા, તે પ્રસન્ન ચિત્તે અને બળ મેળવીને એમની પાસેથી પાછા ફરતા. આ વિસ્મયકારી વસ્તુનું રહસ્ય શું હતું? એનો જવાબ રહેલો છે પોતાની જાતને સર્વથા ભૂંસી નાખવાની તેમની વૃત્તિમાં, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના જીવમાત્રાની સેવા કરવાની તેમની તીવ્ર તાલાવેલીમાં. તેમના સર્વવ્યાપી પ્રેમનું રહસ્ય પણ એ જ હતું. એને લીધે, જે ક્ષણિક છે તેને પાર જઈને શાશ્વત ઉપર પોતાની દૃષ્ટિ તેઓ ઠેરવી શકતા હતા. ગાંધીજી એક અદ્ભુત ઇજનેર હતા. સામુદાયિક સત્યાગ્રહની જે ભવ્ય ઇમારત તેમણે ચણી, તેમાં ઈંટો સમાન હતા મૂગા, નિસ્વાર્થ, નિરભિમાની કાર્યકર્તાઓ — એકલાં આશ્રમમાં જ તાલીમ પામેલાં નહીં પણ બહાર રહીનેય આશ્રમની જીવનપદ્ધતિમાં ઘડાયેલાં સ્ત્રી-પુરુષો તથા બાળકો. બાહ્ય રીતે જોતાં આ કાર્યકર્તાઓમાં ઊડીને આંખે વળગે તેવું કશું નહોતું. મોટે ભાગે એ બધા સીધાસાદા લોકો હતા. એમનામાં કેટલીક ઊણપો હતી, વિચિત્રાતાઓ હતી. હા, એ પૈકીના કેટલાક અનેક પ્રકારની પ્રતિભા ધરાવનારા પણ હતા. ગાંધીજીએ તેમની એ શક્તિઓને ઉપયોગમાં લીધી હતી. પરંતુ મુખ્યત્વે તેને લીધે જ તેઓ તેમને મૂલ્યવાન ગણતા નહોતા. હિંમત અને શ્રદ્ધા જેવા તેમના ગુણોને કારણે અને સૌથી વિશેષ તો, સૈનિકસહજ આજ્ઞાપાલન દાખવીને ધ્યેયને કાજે પોતાનું બલિદાન આપવાની તેમની શક્તિને કારણે જ ગાંધીજી તેમની કિંમત આંકતા હતા. આખી રચનાના હાર્દ સમાન એ કાર્યકરો હતા અને પોતાના રાજકીય સાથીઓ જ્યારે બૌદ્ધિક સંશયનો ભોગ બનીને પાછા પડતા ત્યારે ગાંધીજી એમને ફરીફરીને ઉપયોગમાં લેતા. એટલે પછી, એવા કાર્યકર્તાઓ ખોળવામાં તથા તેમને ઘડવામાં પોતાનાં સમય તથા ધ્યાન આપતાં ગાંધીજી જરા પણ અચકાતા નહોતા અને તેમની અંદર રહેલા ઉત્તમને બહાર લાવવા માટે પોતાનું જે કાંઈ શ્રેષ્ઠ હોય તે એમને અર્પણ કરતા હતા, તેમાં શી નવાઈ? ઘણી વાર લોકોને નવાઈ લાગતી કે વિવિધ પ્રકારનાં આટલાં બધાં તત્ત્વોની વફાદારી, ભક્તિ અને તેમનો ત્યાગ ગાંધીજી મેળવી શકતા હતા ને જાળવી રાખી શકતા હતા તથા પોતાના પ્રેમના બંદીવાન તેમને બનાવી શકતા હતા, તેની પાછળ કઈ શક્તિ રહેલી હશે? પરસ્પર વિરોધી એવાં હિતો અને પ્રકૃતિઓના આટલા વિશાળ શંભુમેળા વચ્ચે સુમેળ અને એકરાગ સાધીને અહિંસાની તાકાતનું નિર્માણ તેઓ કેવી રીતે કરી શકતા હશે? પોતાની દોરવણીની જેમને જરૂર હતી તેમનો પંથ અજવાળવા માટે, જોખમો વિશેની જે બેપરવાઈથી ગાંધીજી પોતાની મીણબત્તીને બે છેડેથી બાળી રહ્યા હતા, જે લોકોએ ધ્યેયને પોતાની જાત સમર્પિત કરી હતી તેમને વિશે તેઓ જે ચિંતા સેવતા હતા, તેમનું જે પરિપક્વ શાણપણ હતું, જે કોઈ સમસ્યાને તેઓ સ્પર્શતા તેમાં જે મૌલિકતા તેઓ દાખવતા હતા — તેમાં જ એ શક્તિ રહેલી હતી. વિવિધ પ્રકારની શક્તિઓ ધરાવનારા અનેક માણસોને ગાંધીજી પોતાની આસપાસ ભેગા કરતા હતા. જવાહરલાલ નેહરુએ કહ્યું છે કે, “અમે બધા અનેક પ્રકારના લોકોના અજબ શંભુમેળા જેવા હતા. અમારી જીવનપદ્ધતિ તેમ જ વિચારસરણી ભિન્ન ભિન્ન હતી. પરંતુ એક જ નેતાની આગેવાની નીચે એક સહિયારા ધ્યેયની સેવા કરતાં કરતાં અમે અમારો વિકાસ સાધી શક્યા.” ઘનશ્યામદાસ બિરલા જેવા ચકોર વેપારી, જવાહરલાલજી જેવા ક્રાંતિકારી, રાજગોપાલાચારી જેવા સક્ષમ બુદ્ધિવાદી, રાજેન્દ્રબાબુ જેવા દેશભક્ત, મૌલાના આઝાદ જેવા ધર્મોપદેશક અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કૈં કૈંનો ગાંધીજીના નિકટના વર્તુળમાં સમાવેશ થતો હતો. પોતપોતાના ક્ષેત્રામાં જે જાતે ધુરંધરો હતા એવા આ મહાનુભાવોનાં ચિત્ત અને હૃદય પર તેમણે એવો અજબ પ્રકારનો પ્રભાવ જમાવ્યો, તેનું રહસ્ય શું હશે? એવી તે શી વસ્તુ તેમની પાસે હતી કે જેને લીધે આ બધાએ તેમને પોતાના પૈકી સર્વશ્રેષ્ઠ અને પ્રત્યેકના ઉત્તમાંશ તરીકે લેખ્યા હશે? એનું રહસ્ય રહેલું હતું તેમની ઊંડી સહાનુભૂતિમાં, તેમના ઝીણવટભર્યા વિવેક તથા તેમની સ્વાભાવિક મીઠાશમાં ને કુનેહમાં. ક્રાંતિકારોને પોતાના કરતાંયે વધારે કૃતનિશ્ચયી ક્રાંતિકારનાં દર્શન તેમનામાં થયાં. રાજાજીએ તેમનામાં ભાળી વિચારની સ્પષ્ટતા અને વિરોધીના ગુણદોષોનું મૂલ્યાંકન કરવાની કુશળતા. ગંજીપો રમતા બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે તેમનામાં વાતો નહીં પણ કાર્ય કરી બતાવનાર નેતાનાં દર્શન કર્યાં. તેથી એ બધા તેમના દાસ બની ગયા. એ રીતે ગાંધીજી આપણા યુગના સૌથી મોટા માનવઘડવૈયા બન્યા. પોતાનાં સાધનો વિશે તેઓ કદી ફરિયાદ કરતા નહીં. મનુષ્યસ્વભાવ જેવો હોય તેવો સ્વીકારી લઈને તેઓ ચાલતા. ગાંધીજી પોતાની જાતને અનેક દુર્બળતાઓથી ભરેલા એક સામાન્ય માનવી તરીકે જોતા. એટલે બીજાઓના દોષનું દર્શન કરવામાં એ મંદ હતા, પણ પોતાની નબળાઈઓ વિશે અત્યંત અસહિષ્ણુ હતા. જે કપરા માર્ગે તેમણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો હતો, તેનું સ્મરણ બીજાઓની ઊણપો પરત્વે તેમને સહિષ્ણુ બનાવતું. પોતાનાથી જુદા વિચારો ધરાવનારાઓ પ્રત્યે વિચારપૂર્વક પક્ષપાતી વલણ અખત્યાર કરવાનો પ્રયત્ન તેઓ સદાય કરતા. પોતે જેને માટે તૈયાર ન હોય તેવો કોઈ પણ ભોગ આપવાનું બીજાઓને તે કદી કહેતા નહીં. સામા માણસમાં રહેલા સર્વોચ્ચ અંશને બહાર લાવવા અને તેનો વિકાસ સાધવા માટે એ નિરંતર મથતા રહેતા. ભલાઈને અસરકારક કેવી રીતે બનાવી શકાય, એ તેમણે દર્શાવી આપ્યું છે. બીજા માણસની લાગણી દુભાવ્યા વિના તેને સત્ય સંભળાવવાની અને તેના આનંદપૂર્વકના સહકાર સાથે તેની પર આકરી ‘આધ્યાત્મિક શસ્ત્રાક્રિયા’ કરવાની કળા તેમને વરેલી હતી. પ્રતિસ્પર્ધીને મહાત કરવાને નહીં, પણ સત્યની ખોજમાં વિરોધીને પણ પોતાનો ભેરુ બનાવવાને તેઓ તાકતા હતા. તેની તાકાતનો નાશ કરવાને બદલે, તેઓ તેનું પરિવર્તન કરતા, તેને વિકસાવતા. વિરોધીને બૌદ્ધિક પ્રહારોથી દાબી દેવાની નેમ તેઓ કદી રાખતા નહીં; પરંતુ તેણે લીધેલા વલણમાં રહેલો દોષ સામો માણસ જાતે જોઈ શકે એમાં મદદરૂપ બનીને તેને પોતાનો કરી લેતા. પરિણામે વિરોધીનું મન તેમની સામે ટક્કર લેનારું નહીં પણ ગ્રહણશીલ બનતું. છેવટ જતાં ‘જીત’ કે ‘હાર’ની લાગણી કોઈને રહેતી નહીં. સત્યની શોધ અને સત્યના જ વિજયનો રોમાંચ તથા આનંદ બંને પક્ષો એકસરખી રીતે અનુભવતા. ગાંધીજી બાંધછોડ કરતા, છૂટછાટ મૂકતા, સુમેળ બેસાડવા મથતા, પણ એ બધું પોતાના પાયાના સિદ્ધાંતોની બાબતમાં કશું પણ રહ્યુંગયું કર્યા વિના કરતા. લોકોની લાગણી ન દુભાય એ રીતે કડવામાં કડવાં સત્યો તેમને મોઢામોઢ સંભળાવતા. પોતે કડક આત્મસંયમ પાળતા હોવા છતાં, જેઓ અમુક બાબતમાં તેમને અનુસરી ન શકે તેમના પ્રત્યે ગાંધીજી કદી પણ અસહિષ્ણુતા દાખવતા નહોતા. તેઓ કોઈના કાજી કદી બનતા નહીં. તેમની ઝીણી નજરમાંથી કશી બાબત છટકી શકતી નહોતી, છતાં તેઓ બીજાઓનો ન્યાય તોળવા ક્યારેય બેસતા નહીં. તેમના ઉપર પ્રેમ રાખનારાઓને આત્મસંયમ કેળવવા માટે તેમના સહકારની જરૂર પડે, તો ગાંધીજી તે અવશ્ય આપતા; પણ બીજાઓના જીવનમાં દખલ કરતા નહીં. દાખલા તરીકે ચા-કૉફી આરોગ્યને હાનિકારક છે, એમ તેઓ માનતા ને પોતે એ લેતા નહીં. પરંતુ તેના વિના જેમને ન ચાલે, તેમને એ મળી રહે એવી ગોઠવણ તેઓ આનંદથી કરતા. એક પ્રસંગે, રેલ-મુસાફરી દરમિયાન પોતાના સાથીઓ હજી ઊંઘતા હતા ત્યારે સ્ટેશન પર ઊતરીને પોતે તેમને માટે ચા લઈ આવ્યા હતા. બંગાળના રમખાણગ્રસ્ત નોઆખાલી જિલ્લામાં શાંતિ સ્થાપવા માટે ૧૯૪૬ના અંત ભાગમાં ગાંધીજી તેનાં ગામડાં ખૂંદતા હતા ત્યારે નાતાલને દિવસે તેમને ભેટ આપવા માટે એક ખ્રિસ્તી મિત્રા આવ્યા હતા. મૂળ તો લશ્કરના સૈનિકો માટે બનાવેલા એ ભેટ-પડીકામાં સાબુ, ટુવાલ, મોજાં, ગંજીપો, કોરા કાગળ, સિગારેટ વગેરે વસ્તુઓનો સમાવેશ થતો હતો. તેમાંની બીજી ચીજો તેમણે પોતાના સાથીઓમાં વહેંચી આપી, પણ સિગારેટ જવાહરલાલ નેહરુ માટે રાખી મૂકેલી; બે-ત્રાણ દિવસમાં જ એ ત્યાં આવવાના હતા! ગાંધીજીએ પોતાના વ્યક્તિત્વને વિવિધતાભરેલું અને ક્યારેક તો પરસ્પર વિરોધી વસ્તુઓથી ભરેલું બનાવેલું હતું. દાખલા તરીકે, તેઓ સાદાઈમાં માનતા હતા, પણ ફૂવડપણામાં નહીં. ભૌતિકવાદને તે વખોડતા હતા, પરંતુ કરોડો લોકોને પ્રાથમિક ભૌતિક સગવડો પૂરી પાડવા માટે તેમણે બીજા કોઈના કરતાં વધારે જહેમત ઉઠાવેલી હતી. એમણે તો એટલે સુધી કહ્યું છે કે ભૂખ્યા માણસ સમક્ષ ઈશ્વર રોટલાના રૂપમાં જ પ્રગટ થાય છે. સત્યને વળગી રહેવા માટે જે કાંઈ યાતનાઓ વેઠવી પડે તેને માટે લોકો તૈયાર રહે, એમ તેઓ માગતા હતા. પરંતુ કેવળ કષ્ટ સહન કરવા ખાતર કષ્ટ સહવાનો સંપ્રદાય તેમણે નહોતો બનાવ્યો. ‘જોખમની સન્મુખ’ જીવવામાં તેઓ માનતા હતા, પણ ‘જોખમભરી રીતે’ જીવવામાં નહીં. તેમને મન સત્ય કોઈ નિર્વિવાદ સિદ્ધાંત નહીં, પણ સદૈવ વિકાસશીલ તત્ત્વબોધ હતો. સત્યની અવિરત સાધનામાંથી તેમને વિચારની સ્પષ્ટતા, વિગતો પરનો કાબૂ તથા લગભગ છઠ્ઠી ઇંદ્રિય જેવી વિચક્ષણ પ્રકારની સૂઝ પણ લાધતી હતી. લોરેન્સ હાઉસમેને એકવાર કહ્યું હતું તેમ, ગાંધીજી એટલા બધા સીધાસાદા ને નિખાલસ સ્વભાવના હતા કે કેટલાક લોકોને તે ગૂંચવણમાં નાખી દેતા, એટલા બધા નેકદિલ હતા કે કેટલાક લોકોને શંકાશીલ બનાવતા. તેમના આ ગુણો કેટલીક વાર તેમના વિરોધીઓને, અને કોઈક વાર તેમના મિત્રોને સુધ્ધાં, મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકી દેતા. દાખલા તરીકે, તેઓ પ્રત્યેક વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને જ ચાલતા. એ વસ્તુ તેમની હાજરીમાં જૂઠું બોલવાનું માણસને માટે અશક્ય કરી મૂકતી. આમ છતાં, તેમના પર ખોટો આભાસ પાડવાનો પ્રયાસ કોઈ કરતું, તો ગાંધીજીની વેધક દૃષ્ટિ એ ચાલબાજીનો પાર પામી જતી. અને વિશેષ તો એ કે, પોતાની શંકા તેઓ ભલે વિનોદપૂર્વક પણ, હંમેશાં સાફ સાફ શબ્દોમાં દર્શાવતા હતા.


અનુ. મણિભાઈ ભ. દેસાઈ


[‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ’ પુસ્તક]