સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકાશ ન. શાહ/બત્રીસલક્ષણાનો બલિ

          ૧૯૪૬ના જુલાઈની પહેલીએ, રથયાત્રાને દહાડે, અમદાવાદમાં વરસાદ તો પડ્યો હતો. પણ ગુજરાતને એમાં તપ્ત ધરતી પરનાં શીતળ ફોરાં કરતાં વધુ તો ભારતમાતાનાં આંસુ અનુભવાયાં હશે : એ સાંજે વસંત અને રજબ બેઉ બત્રીસલક્ષણાઓએ કોમી હુતાશનને ઠારવા જતાં બલિદાન વહોર્યું હતું. ચાળીસ વરસના વસંતરાવ હેગિષ્ટે અને સત્તાવીસ વરસના રજબઅલી લાખાણી. સ્વરાજની લડતે ટિપાઈને ઘડાયેલાં ને નિખરેલાં વ્યક્તિત્વો. વસંતરાવ એટલે ચંચળ આંખો, ખડતલ દેહ, તેજસ્વી છતાં મીઠી જબાન. રજબઅલી એટલે સરસ ઊંચાઈ, ગુલાબી ચહેરો, તેલ વિનાના-ખરબચડા છતાં સુંદર લાગતા વાળ, સફેદ પરિધાન, ઝડપી ચાલ. મહારાષ્ટ્રી મૂળના, પણ ગુજરાતમાં વસી ગયેલા પરિવારમાં વસંતનો જન્મ ૧૯૦૬માં. લીંબડીના, પણ ઠીક વખતથી કરાચીમાં વસી ગયેલા ગુજરાતી ખોજા પરિવારમાં રજબનો જન્મ ૧૯૧૯માં. ૧૯૦૬થી ૧૯૪૬નાં એ વરસો એટલે કેવાં વરસો! એ જમાનામાં જીવવું એ બડી ખુશાલીની વાત, અને એમાંયે વળી જુવાન હોવું…! વર્ડ્ઝવર્થે ફ્રેન્ચ ક્રાન્તિ માટે કહ્યું’તું તેમ, એ તો સાક્ષાત્ સ્વર્ગમાં હોવું. ૧૯૧૫-૧૬થી ગાંધીજીનો અમદાવાદમાં વસવાટ, અને આશ્રમનાં મંડાણ. પ્રોપ્રાયટરી (પછીથી દીવાન-બલ્લુભાઈ) હાઈસ્કૂલના વિદ્યાર્થી વસંતને વિલાયત મોકલવાની મામાને હોંશ હતી. પણ અંગ્રેજી સાત ધોરણ પછી ગુલામી કેળવણીમાંથી વસંતનું મન ઊઠી ગયું. પેઢીમાં, મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની પુસ્તકની દુકાનમાં, ને ઘરમાં ઉપયોગી થાય, પણ ચિત્ત લડતમાં, લડતની વાતોમાં. નિશાળનાં વરસોમાં નબળા શરીરનું મહેણું વ્યાયામની સાધના કરીને ભાંગેલું. એમની ભદ્રની વ્યાયામશાળા ત્યારે જેનો ડંકો વાગતો એવી વ્યાયામશાળાઓ પૈકી હતી. ૧૯૩૦ની દાંડીકૂચ વેળાએ આશ્રમથી અસલાલી લગીની વ્યવસ્થા આ વ્યાયામશાળાના વસંતરાવ ને સાથીઓએ સંભાળી હતી. એમનાં નાનાં બહેન, પછીથી નવયુગી મહિલા પ્રવૃત્તિકાર તરીકે ઝળકેલાં ને જ્યોતિસંઘે જાણીતાં હેમલતા હેગિષ્ટે હંમેશ સંભારતાં કે દાદા (ભાઈ) ધરાસણા ગયા ત્યારે મોટાં બહેને પોતાની આંગળી પર ચીરો મૂકી એમને રક્તતિલક કરેલું. ધરાસણાના અગર પર પહેલી વ્યક્તિગત ટુકડી અબ્બાસ તૈયબજીની હતી, તો બીજી વસંતરાવ હેગિષ્ટેની. પછીથી, સરોજિની નાયડુના નેતૃત્વમાં સામુદાયિક હલ્લો યોજાયો ત્યારે મોખરે સરોજિનીદેવી અને પાછળ તરત વસંતરાવ, એવી રચના હતી. પોલીસનો માર વેઠી, કલાકો બેભાન રહ્યા પછી, વસંતરાવ અમદાવાદ પાછા ફર્યા ત્યારે માથે શોભતો પાટો હતો. શરીર પરના લાઠીના વળ, કાળા લિસોટા સ્તો, એ જતાં ન જાણે કેટલા દિવસો ગયા હશે. પણ કુટુંબીજનો ને મિત્રો સાથે ધરાસણાના કાળા કેરની વાત નીકળે ત્યારે દાદા કહેતા, “જ્યારે બીજા ઉપર માર પડતો જોયો ત્યારે એમની ચીસો સાંભળી દિલ તૂટતું અને હિંમત હારી જઈશ એમ થતું; પણ ખુદ જ્યારે મારા ઉપર માર પડ્યો ત્યારે કંઈ જ લાગ્યું નહીં અને એક ઓર ઉત્સાહ આવ્યો ને મજા પડી.” અને ધોલેરાની છાવણીના એ દિવસો! અમદાવાદની ટુકડી સાથે વસંતરાવ હતા. વૌઠાના મેળા વખતે છાવણી નાખેલી ત્યારે મળ ઉપાડવાનું ગંદામાં ગંદું કામ હોય કે કોઈ ગુંડાઓને હાથ કરવાની જોખમી રમત હોય, ભદ્ર વ્યાયામશાળાની ટુકડી સૌથી મોખરે હોય. ૧૯૩૧ એટલે કરાચી કોંગ્રેસનું વરસ. સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે મળેલા એ અધિવેશનમાં ભાગ લેવા વસંતરાવ એમના મિત્રો સાથે નીકળ્યા તો ખરા, પણ એમની આગવી શૈલીએ-સાઇકલ પર! અમદાવાદથી વીરમગામ, માંડલ, પાટડી, ખેરવા, વઢવાણ, મુળી, ચોટીલા, રાજકોટ, પોરબંદર. ત્યાંથી સ્ટીમરમાં કરાચી. અંગ્રેજ સરકારના તેડ્યા ગાંધીજી બીજી ગોળમેજી પરિષદ માટે લંડન તો ગયા, પણ ખાલી હાથે પાછા ફર્યા અને મુંબઈ ઊતરતાંવેંત સરકારે એમને પકડી લીધા. અમદાવાદે હડતાળ પાડી પોતાની વિરોધલાગણી દર્શાવી. દરમિયાન, ૧૯૩૦થી શરૂ થયેલા સિલસિલા મુજબ ૧૯૩૨માં પણ ૨૬મી જાન્યુઆરીએ સ્વરાજ માટેનો સંકલ્પ દિવસ ઊજવાયો. એમાં ભાગ લઈ પ્રતિજ્ઞાવાચન સબબ વસંતરાવ પકડાયા. છ મહિનાની સજા થઈ. વળી બે મહિના બહાર રહ્યા ને ફરી ત્રણ મહિનાની સજા થઈ. ૧૯૩૨ના આ કારાવાસોમાં એમને સાબરમતી ને યરવડા રહેવાનું થયું. કેવા કેવા સાથીઓ હતા એ જેલવાસમાં? ‘ઈશ્વરનો ઇન્કાર’ અને ‘લગ્નપ્રપંચ’થી ઓળખાતા નરસિંહભાઈ પટેલ, ગાંધીજીના ત્રીજા દીકરા રામદાસ ગાંધી, પછીથી વરિષ્ઠ સાહિત્યકાર તરીકે ઊભરનારા ગુલાબદાસ બ્રોકર, તો મહારાષ્ટ્રી સાથીઓમાં વળી એસ. એમ. જોશી ને એવા બીજા. વાચનનો જે દોર જામ્યો છે ને કૈં! વ્યાયામવીરની આબરૂ ધરાવતા આ તરુણે જેલવાસમાં એકથી વધુ ભાષાઓનો પરિચય કેળવવાનીયે કોશિશ કરી. દક્ષિણ આફ્રિકા વખતથી ગાંધીજીના સાથી ઈમામસાહેબના જમાઈ ગુલામરસૂલ કુરેશીની પાસે વસંતરાવ ઉર્દૂ શીખે, તો નગીનદાસ પારેખ, રમણલાલ સોની ને ભોગીલાલ ગાંધી પાસે બંગાળી. પણ જેમ શીખવાનું તેમ શીખવવાનુંયે ખરુંસ્તો. વિ. સ. ખાંડેકરની પ્રસિદ્ધ નવલકથા ‘દોન ધ્રુવ’ ગુજરાતીમાં લઈ આવનાર હરજીવન સોમૈયાને દાદા મરાઠી શીખવતા. ૧૯૩૨ના જેલવાસ પછી વસંતરાવે ઉપાડેલું એક કામ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સ્થાપનામાં હાથ બટાવવાનું હતું. તેની સાથે શહેરમાં મેદાની રમતો લોકપ્રિય બનાવી એક જુદી જ જમાવટ કરવાનું ચાલતું હતું. ૧૯૩૬ના ફૈઝપુર અધિવેશન સાથે કોંગ્રેસે શહેરોમાં નહીં પણ ગામડાંમાં મળવું જોઈએ એવો ચાલ શરૂ થાય છે. આ ૧૯૩૬નું વરસ, રજબઅલીના જીવનમાં પણ એક દીક્ષાનું વરસ બની રહ્યું હતું. વાચનશોખ સારો, અવનવા વિચારો આવે. પણ ખાધેપીધે સુખી એવી નોકરીમાં કારકિર્દી જોતાં માબાપને એ કેમ પાલવે? એવામાં, બબલભાઈ મહેતા કરાચી આવેલા. રજબને એમનો ભેટો થઈ ગયો. બબલભાઈ મૂળ હળવદના, પણ કરાચીમાં રહેલા-ભણેલા. ‘કાલેલકરના લેખો’ વાંચવાનું બન્યું. “આ પુસ્તકે મારી સામે ભારતનાં ગામડાંનું અને ભારતીય સમાજનું હૃદયંગમ ચિત્ર રજૂ કર્યું,” બબલભાઈ લખે છે : “એમાંથી મને સમજાયું કે દેશની ગુલામી દૂર કરવા માટે તથા ભારત દેશનાં ગામડાંઓનું ઉત્થાન કરવા માટે આજે નવજુવાનોએ બહાર આવવું જોઈએ.” જેવો આ સાદ સંભળાયો કે એ મેડિકલનું ભણવાનો વિચાર છોડી કરાચીથી અમદાવાદ આવી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ગયા. આગળ ચાલતાં જેલવાસનોયે અવસર આવી મળ્યો. વિદ્યાપીઠની તાલીમ અને જેલમાં વાંચવા-વિચારવાનું બન્યું એટલે ગામડામાં બેસવાનો વિચાર પાકો થયો. બેસવાનું બને એ પહેલાં બાને લઈને કુટુંબના સૌને મળી લેવું એ ખયાલે બબલભાઈ કરાચી આવ્યા હતા. બબલભાઈએ લખ્યું છે કે, “એ અરસામાં કરાચીના શારદા મંદિરમાં એક પ્રદર્શન યોજાયું હતું. હું રોજ એ પ્રદર્શનમાં મદદે જતો. એ વખતે ત્યાં ૧૪-૧૫ વર્ષની ઉંમરના વિદ્યાર્થીમિત્રો સાથે સંબંધ બંધાયો.” એમાંના એક તે આપણા સહચરિત્રનાયક રજબ. બબલભાઈ તો થોડે દહાડે ગુજરાત પાછા ફર્યા, “પણ ભાઈ રજબના પત્રો મારી પાછળ પાછળ આવવા લાગ્યા. દિવસે દિવસે એના વર્તનમાં સાદાઈ અને ત્યાગના ગુણો ખીલતા જતા હતા. આ વિચિત્રતાથી માતાપિતાને વહેમ જતો હતો કે રખે ને આ છોકરો ગાંધીવાળામાં ભળી જશે!” પરિણામે પિતાએ કસ્ટમની એમની નોકરીમાંથી લાંબી રજા લીધી અને રજબને લઈને વતન લીંબડી આવી રહ્યા. માતાપિતા બેઉની ગણતરી તે બીજે ફંટાઈ જાય એ પહેલાં એને પરણાવી દઈ ઠેકાણે પાડવાની હતી. રજબ સગપણ માટે તો માન્યા નહીં, પણ મૅટ્રિકના વર્ગમાં દાખલ થયા ને ઊંચે નંબરે પાસ થઈ ભાવનગરની શામળદાસ કોલેજમાં આગળ ભણવા દાખલ થયા. રજબઅલી જુનિયર બી. .એ.ના વરસમાં હશે ને રાજકોટની લડત ઊપડી. દસેક મિત્રોની ટુકડી તે પછી તો રાજકોટ પંથકમાં જઈ પણ આવી. લીંબડી રાજ્યના જુલમોથી લગભગ છ હજાર જેટલું લોક બ્રિટિશ હદમાં હિજરત કરી ગયું હતું. તેના કેટલાક વખત પહેલાં રજબઅલી ભાવનગરથી વતન પહોંચી ગયા હતા. એ ઘોડે બેસી લીંબડી હસ્તકના ભાલનાં ગામડાંમાં ઘૂમતા અને ખેડૂતોને હિજરત માટે સમજાવતા. લીંબડી હિજરત નિમિત્તે થયેલું ગ્રામાયન રજબને માટે શિક્ષણપ્રદ બની રહ્યું હશે તેમ એમના એ વખતના એક પત્ર પરથી સમજાય છે : “ગામડાંઓમાં ફરીને મેં જે જોયું છે તેથી હું ખૂબ દુઃખી થયો છું. ગામડાંના કુરિવાજો અને અજ્ઞાન સાથે શહેરનાં બધાં અનિષ્ટો ઘૂસી ગયાં છે. વ્યસનો તો શહેર કરતાં વધુ ઊંડાં અને વ્યાપક છે. ખટપટ, લુચ્ચાઈ, લાંચ-રુશવત શહેરના કરતાં વધુ અને ચારિત્ર્યની દૃષ્ટિએ તો ગામડાંઓ શહેર કરતાં ઘણાં જ ખરાબ. લીંબડી-ભાલનાં દસ ગામોના ઊંડા અનુભવને પરિણામે મેં આ જોયું છે. આપણી સામે ઊભેલું કામ કેટલું મોટું છે, એની કલ્પના કરતાં કોઈક વાર ખૂબ energetic (સ્ફૂર્તિમાન) થઈ કામ કરવા મંડી પડવાની લાગણી થઈ આવે છે, તો કોઈક વાર નિરાશ હતાશ થઈ જવાય છે.” આ જ ગાળામાં રજબ થોડા દિવસ તરવડા પણ રહી આવ્યા હતા. તરવડા અમરેલી પાસેનું એક ગામ. ૧૯૩૪માં જેલમાંથી છૂટ્યા પછી ત્યાં રતુભાઈ અદાણી અને બીજા સાથીઓ ‘ટોલ્સ્ટોય ફાર્મ’ પર ખેતીવાડીનું મહેનતમજૂરીનું જીવન જીવતા હતા. મહેનતમજૂરીની એમની વ્યાખ્યા ખેડૂતના જીવન સાથે તદ્રૂપતામાં પૂરી થતી નહોતી. હલકામાં હલકું ગણાતું ચમારકામ, તે પણ તેઓ કરતા.

વિનોબાજી પહેલા ને જવાહરલાલ બીજા, એમ વ્યક્તિગત સત્યાગ્રહનો દોર દેશમાં શરૂ થઈ ગયો અને ૧૯૪૦માં વસંતરાવ જેલભેગા થઈ ગયા. એ હજુ જેલમાં હતા ને અમદાવાદમાં ૧૯૪૧ના માર્ચમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યું. વ્યાયામશાળા ને સેવાદળનો જીવ, અને રાષ્ટ્રીય સંસ્કાર. વસંતરાવ આવે વખતે ઝાલ્યા રહે? પણ નિરુપાય હતા, કેમ કે જેલમાં હતા. એ હુલ્લડમાં રવિશંકર મહારાજ ને મૃદુલા સારાભાઈ અભયપૂર્વક ફરતાં હતાં ને શાંતિસ્થાપન માટે મથતાં હતાં. ઇન્દુમતી શેઠે ત્યારે દાખવેલ બહાદુરીનું ચિત્ર તો મેઘાણીની કલમે અંકિત થઈ ગુજરાતના સાર્વજનિક જીવનની અક્ષરસંપદાશું બની રહ્યું છે. જુમ્મા મસ્જિદ પાસે તંગદિલી છે તે જાણી ત્યાં જવા નીકળી પડેલાં ઇન્દુબહેન ત્રણ દરવાજે ગાડી મૂકી ઉશ્કેરાયેલાં ટોળાં વચ્ચે પગપાળાં ધસી ગયાં હતાં. ટોળામાંના એક પઠાણે એમને ઓળખ્યાં અને સાથીઓ સાથે મળીને, પાસેની દુકાનના ઓટલેથી લોકોને સંબોધવા સમજાવ્યાં હતાં. હુલ્લડ પછી ત્રણ-ચાર મહિને જેલમાંથી છૂટીને આવ્યા ત્યારે સાથીઓ સાથેની વાતમાં આ બાબતે વસંતરાવ વિગતે ઊઘડ્યા હતા : “આટલા મોટા અમદાવાદમાંથી શું બસો-ચારસો નીડર માણસો ન નીકળ્યા? આખું શહેર ગુંડાઓને સ્વાધીન કરી દીધું! હુલ્લડ અગાઉ જુમ્મા મસ્જિદ પર જવા ફક્ત ઇન્દુબહેન જ બહાર પડ્યાં! ક્યાં ગયા હતા મહાસભાના ધારાસભ્યો? શહેર સમિતિના હોદ્દેદારોને તેમનું કર્તવ્ય ન સમજાયું? અખાડામાં આવનારાઓમાંથી પણ કોઈ આ ગુંડાઓની સામે ન થયું!” અને ક્યાં હતા રજબઅલી એ દિવસોમાં? બી.એ.ની પરીક્ષામાં બેસવાનું હવે દિલ રહ્યું નહોતું. પછી વ્યક્તિગત સત્યાગ્રહની લડત આવી અને એમાં જોડાયા. ૧૯૪૧માં પકડાઈને સાબરમતી જેલમાં. ત્યાંથી બદલી થઈને યરવડા. જેલની અવ્યવસ્થા અને ત્રાસ સામે લડવામાં પણ મોખરે. જેલ-સુધારનું આ આંદોલન જ્યારે યરવડાના અધિકારીઓને વસમું થઈ પડ્યું ત્યારે રજબઅલી વગેરેને ‘આ પાંચ જણા ખાસ તોફાની અને ભયંકર છે, માટે એમને સૌથી અલગ રાખજો’ એવા શેરા સાથે ધૂળિયા જેલમાં મોકલી આપ્યા. રજબઅલી ૧૯૪૨ના ઓગસ્ટમાં પકડાઈ વરસેકમાં છૂટ્યા. પાછા પકડાઈ વળી નવ માસની સજા પામ્યા. આ જેલવાસોમાં અને વળી બહાર આવીને રજબનું લેખનવાચન સતત ચાલુ હતું. વસંત દાદા સાથે મળી રજબે અમદાવાદમાં રહી સેવાદળનાં ને એવાં બીજાં સ્વરાજકામોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એ ૧૯૪૬નું વરસ હતું. આ દિવસોમાં એમનું ને વસંતરાવનું, બેઉ કર્મબાંધવોનું, હૃદયબંધન ગાઢ થતું આવતું હતું. ૧૯૪૧માં પહેલું કોમી હુલ્લડ ઘર ભાળી ગયું હતું. ૧૯૪૬ના જુલાઈની પહેલીએ રથયાત્રા દરમિયાન ભારેલા અગ્નિમાં ભડકો થયો. કોમી ગાંડપણ સવાર થઈ ગયું ને શહેરમાં ટોળાંના ખૂની હુમલા તેમજ આગ ને લૂંટફાટનો સિલસિલો શરૂ થઈ ગયો. રજબઅલીના ઘડતરકાળના મિત્ર, ભાવનગરના હોસ્ટેલ-સાથી ભાનુભાઈ શુકલે તે દિવસે શું જોયેલું તે એમના જ શબ્દોમાં ઉતારીએ : “ચારે બાજુ લૂંટ, આગ અને ખૂન ચાલુ હતાં, તે સમયે ખાડિયા ચાર રસ્તા પર હું પણ રખડતો હતો, ત્યાં રજબઅલી અને વસંતરાવ દાદા મળ્યા. બાલાહનુમાન પાસે એક વોશિંગ કંપની લૂંટાતી હતી. રજબઅલી અને દાદા તુરત ત્યાં દોડ્યા. લોકોને તેમ નહીં કરવા અને બીજી કોમને નહીં ઉશ્કેરવા સમજાવ્યું. ઉશ્કેરાયેલા માણસોએ કહ્યું કે, બીજે શું થાય છે તે જોઈ આવો-અહીંયાં કોઈ મુસલમાન આવે તો જીવતો જવા ન દઈએ! રજબઅલીએ આગળ આવીને કહ્યું : હું મુસલમાન છું. મને મારો. અને ટોળું શરમિંદું બન્યું.” સાંજે કાર્યકરો ને સ્વયંસેવકો કોંગ્રેસ હાઉસમાં મળ્યા હશે ત્યાં, જમાલપુરમાં ખાંડની શેરી પાસે ડુગલપુરામાં દુધાભાઈના ને બીજાં હરિજનોનાં પાકાં મકાનો સળગાવવાની અને ખૂની હુમલાની કોશિશના ખબર આવ્યા. વસંતરાવ ને રજબઅલી તરત ત્યાં પહોંચવા તૈયાર થયા. ગુલામરસૂલ કુરેશીએ અને બીજાઓએ એમને વાર્યા. વાહન અને કુમકની જોગવાઈ થાય એટલે જવા કહ્યું. પણ રીડ પડ્યે છૂપે તે રજપૂત શાનો : વસંત-રજબને જાણે નજર સામે બળતા મહોલ્લા, ખેંચાતાં ખંજરો ને રહેંસાતા લોકો દેખાતાં હતાં, પીડિત માનવતાનું ક્રંદન સંભળાતું હતું. એમણે કહ્યું, અમે ચાલ્યા; બીજા ભલે બધું ગોઠવાયે આવે. બંને ચાલ્યા ને સાથે સેવાદળના બીજા બે સૈનિકો, પોપટલાલ સોની ને દ્વારકાદાસ પટેલ પણ જોડાયા. જમાલપુર કાછિયા શેરી આગળ વીફરેલું હિંસક ટોળું સામે મળ્યું. પછી શું બન્યું તે આ ચાર પૈકી ખુદ દ્વારકાદાસ પટેલના શબ્દોમાં સાંભળીએ : “સામેથી સો-દોઢસો માણસોનું ઉશ્કેરાયેલું ટોળું અમારી તરફ દોડતું આવી રહ્યું હતું. તેમના હાથમાં ધારિયાં, છરા, ચપ્પુ, પાઇપો વગેરે જેવાં ઘાતક હથિયારો હતાં. અમે હાથ ઊંચા કરી મોટા અવાજે કોઈ હથિયાર અમારી પાસે ન હોવાની ખાતરી આપી, તેમને શાંત પાડવા સમજાવવા માંડ્યા. ટોળું વીસ-પચીસ ડગલાં દૂર ઊભું રહી ગયું. કેટલાકે તો ‘વારુ જાઓ’ કહી અમને આગળ જવાની છૂટ પણ આપી. અમે ચારે જણા તેમને મોટે સાદે સમજાવવાનો અને શાંત પાડવાનો પ્રયત્ન કરતા આગળ વધ્યા. પરંતુ થોડા કટ્ટર ઝનૂનીઓ ગરજી ઊઠ્યા, ‘નહીં જવા દઈએ. તમને પણ ખતમ કરીશું.’ એટલે વસંતરાવે જણાવ્યું, ‘અમે શાંતિ માટે આવ્યા છીએ. અમને મારવાથી તમારી આગ બૂઝતી હોય તો અમે મરવા પણ તૈયાર છીએ. તેમ કરો. અમે સામે બચાવનો કોઈ પ્રયત્ન નહીં કરીએ.’ આટલું કહી વસંતરાવ અને રજબઅલી વચ્ચે રસ્તા પર સૂઈ ગયા. હું અને પોપટલાલ તેમનાથી થોડે દૂર સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. વસંતરાવ અને રજબઅલીને સૂઈ જતા જોઈને પોપટલાલ પણ દોડીને તેમની પાસે લાઇનમાં સૂઈ ગયા. એ જ વખતે મારા પર પાછળથી કોઈકે હુમલો કર્યો. પણ તે સાથે મારી નજર પાછળ પડી. મારા સાથીદારો ખુલ્લી જગ્યામાં લાઈનમાં સૂતા હતા. તેમનાં શરીરોમાંથી લોહીના ફુવારા ઊડતા હતા. તે જોઈ હું પણ દોડીને તેમની સાથે લાઇનમાં પડખાભેર સૂઈ ગયો. અમે બલિદાનની એવી ઊંચી ભાવના અનુભવતા હતા કે અમારા ઉપર થતા હુમલાઓથી બચવાનો વિચાર સુધ્ધાં અમને આવ્યો ન હતો. અમે ચારે જણા શાંતિપૂર્વક શહીદીની વાટ જોતા પડ્યા હતા. અમે સૌ બેભાન બન્યા. પછી સાંભળવા પ્રમાણે એટલામાં વરસાદ પડ્યો. હિંસક ટોળું અમને મરણ પામેલા સમજીને ત્યાંથી ચાલ્યું ગયું હતું. અડધાએક કલાક પછી પોલીસવાન ત્યાં આવી. તેમની સાથે એક ટ્રક પણ હતી. તેમાં આજુબાજુના વિસ્તારોમાંથી મળેલા મૃતદેહો હતા. અમારાં શરીરોને પણ મૃતદેહો સમજીને ટ્રકમાં ચઢાવી દઈ હોસ્પિટલ ભેગાં કરી દેવામાં આવ્યાં…” આગળ ચાલતાં દ્વારકાદાસ ઉમેરે છે, “અમારા ચારમાંથી બે મિત્રો શહીદ બની ગયા.” વળી નિસાસો નાંખે છે, “કમનસીબે અમારે શહીદીથી વેંતનું છેટું પડી ગયું.” અને પછી હેમલતા હેગિષ્ટેએ વસંતદાદાને હોસ્પિટલમાં જોયા ત્યારે “મુખ પર નહોતી કોઈ વેદનાની અસર, કે કોઈ વિકાર. આંખો ખુલ્લી હતી અને મોં હસતું. તપાસ કરતાં રજબઅલીનો પણ મૃતદેહ દેખાયો. એમની આંખો ઉઘાડી હતી, ચશ્માં નહોતાં. મોઢું પણ ઉઘાડું હતું અને જાણે હસી રહ્યું હતું. મુખ પર નહોતી કોઈ વેદના કે વિકાર.” વળતે દહાડે અંતિમયાત્રાની ઘડીએ હેમલતાબહેન (અને બીજા પણ અનેક)નું અંત :કરણ વધુ તો ત્યારે વલોવાયું જ્યારે કોંગ્રેસ હાઉસથી બંનેના મૃતદેહને છૂટા પાડવામાં આવ્યા. જેમને મૃત્યુ સુધી કોઈ છૂટા પાડી ન શક્યું એમના મૃતદેહો છેવટ વિખૂટા કરવા પડે એ અસહ્ય હતું. પણ એ વખતે તો મગજ કોઈ વિચાર કરવાની સ્થિતિમાં નહોતું. રજબઅલી તો અમદાવાદને અજાણ્યા જેવા. જનાજો જેમતેમ નીકળ્યો. કારવાં બનતો ગયો. ગોમતીપુરના ચાર તોડા કબ્રસ્તાને લઈ ગયા ત્યારે મૈયત પાસે ઊભા રહી લોકોને ઉદ્દેશીને રજબઅલીનાં દર્શન કરવા માટે કહી રહેલા મૌલવીના શબ્દો હવામાં ગુંજતા હતા : “યહ શહીદ કા જનાજા હૈ, ભાઈ! ઐસી કિસ્મત હર કિસીકો નહીં મિલતી.” જેમને હાથે, પછીથી વસંત-રજબ સ્મારક ગ્રંથનું કામ રૂડી પેરે પાર પડવાનું હતું તે મેઘાણીએ એક મિત્ર જોગ પત્રમાં ત્યારે લખેલું કે, “બધાં ભલે ‘બલિદાન’ ‘બલિદાન’ કૂટે, હું તો એ બાપડાં મેંઢાં કતલખાને રેંસાયાં એવું સમજું છું.” મેઘાણીની પ્રતિક્રિયા વળતે મહિને ‘ઊર્મિ અને નવરચના’ની એમની નોંધમાં વધુ સ્પષ્ટ થઈ હતી : “મહાત્મા ગાંધીજી આવાં હુલ્લડોને વિલક્ષણ દૃષ્ટિએ નિહાળે છે; જે પ્રતિકાર સૂચવે છે તે એમણે કોઈ પણ ઠેકાણે કે અવસરે અજમાવી જોયો નથી. એકાદ ગણેશશંકર વિદ્યાર્થીનું નામ તો સોગંદ ખાવા માટે જ ઠીક કહેવાય. મહાત્માજીનું પ્રયાણ પૂનાથી પંચગનીને બદલે જો અમદાવાદ તરફ થયું હોત ને પાંચસો મરજીવાની મોખરે એમનો પ્રવેશ જો જમાલપુરમાં થયો હોત તો જગતને કંઈક જાણવા-ગ્રહવાજોગું જરૂર મળ્યું હોત.” સદા સજગ અને વળી મેઘાણીએ પોતે જેને ‘સાગર પી જનારા’ કહ્યા હતા તે ગાંધીજી આવે વખતે અંદરબહાર કઈ રીતે જોતા હશે તે ‘હરિજનબંધુ’માંની એમની આ ટિપ્પણીથી સમજવા મળે છે : “આવી પરિસ્થિતિમાં મને કંઈક કરી બતાવવાનું કહેવામાં આવ્યું છે એ યોગ્ય છે. કોઈ સાથે આવે કે ન આવે તેની મારે પરવા રાખવાની ન હોય. હું ઘરમાં બેસીને બીજાઓને મરવા મોકલું એ મારે માટે શરમની વાત કહેવાય ને એ અહિંસાના દાખલારૂપ ન થાય.” અને પછી લગભગ આર્ષ શબ્દોમાં કહે છે : “ગમે તે હો, ઈશ્વરની કૃપા હશે તો તે મને એવો મોકો હજી આપશે, મને તાવીને શુદ્ધ કરશે અને અહિંસાનો રસ્તો સાફ કરશે. આનો અર્થ કોઈ એવો ન સમજે કે મારા આવા બલિદાનથી હિંસા સાવ નાબૂદ થઈ જશે. એવી ઘોર હિંસા ચાલી રહી છે કે તેમાંથી અહિંસા પ્રગટ થાય તેને માટે મારા જેવાં અનેક બલિદાનોની જરૂર પડશે.” એક નાગરિકને નાતે, પ્રજાને પક્ષે, સમાજછેડે કેટલું બધું કરવાપણું હતું અને છે એનો અંદાજે હિસાબ મેઘાણીએ જ્યારે વસંત-રજબ સ્મારક ગ્રંથનું સંપાદન માથે લીધું ત્યારે એમને મળેલા આ નનામા પત્ર પરથી મળી રહેશે : “તમે વસંત-રજબ સ્મારક ગ્રંથનું સંપાદન કરવાનું સ્વીકાર્યું તે જાણી મને ખેદ થયો. વસંત હેગિષ્ટેને તો સજા કરવી જોઈએ. હિંદુ લોહી તેની નસેનસમાં વહેતું હોવા છતાં તેણે એક મુસલમાન ડ્રાઇવર કે જેને લોકોનું ટોળું મારી નાખવા ઇચ્છતું હતું તેને બચાવ્યો માટે તેનો હિંદુ ધર્મ તરફનો અપરાધ અક્ષમ્ય ગણાય. શું તે નિર્દોષ હિંદુઓ કે જેની નીચ મુસલમાનો કતલ કરી નાખતા હતા તેને બચાવી શક્યો હતો? વળી રજબઅલી મૂઓ એ તો હિંદુઓને મન હર્ષની વાત કહેવાય. તેનું વળી સ્મારક શેનું હોય? માટે હું તને અપીલ કરું છું કે તું સંપાદન કરવાનું છોડી દઈ ખરો હિંદુ બની જા.” કેટલા સાચા હતા ગાંધીજી કે, હજુ અનેક બલિદાનોની જરૂર પડશે! વસંત-રજબ સરખાના જીવનની સાર્થકતા એમના જીવનની અંતિમ ક્ષણોમાં જ માત્ર નથી. તેઓ જે હેતુસર મર્યા તે જ હેતુસર જીવનની ક્ષણેક્ષણ જીવવા મથ્યા. અને આ જીવવું તે કેવું જીવવું? સમાજના સર્વાંગી નવજીવનને સમર્પિતપણે. સંઘર્ષ, સ્વાધ્યાય અને સર્જનની સરગમની રીતે.


[‘વસંત-રજબ’ પુસ્તિકા : ૨૦૦૬]