સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ચાંદનીનો ઘંટનાદ!


આકાશ ભરીને ચાંદની વરસી રહી હતી. આસિસી ગામનાં ઊંચાં મકાનો, મિનારાઓ, ઝરૂખાઓ ચંદ્ર નીચે નહાતાં હતાં. ખળ ખળ વહેતા ઝરણાની જેમ ચાંદની સડકો પરથી વહી જતી હતી. આસિસીના નગરજનો ભર ઊંઘમાં સૂતા હતા. અચાનક સાં રફિનોના દેવળમાંથી ઘંટનાદ થવા લાગ્યો. કોઈ આફત ચડી આવે ત્યારે જ આ તોતિંગ ઘંટ વગાડવામાં આવતો. ક્યાંક આગ લાગી કે શું? — એવા ભયથી બેબાકળા બનીને લોકો દેવળ ભણી દોડી આવ્યા. જોયું તો સંત ફ્રાંસિસ જોરશોરથી ઘંટ વગાડી રહ્યા હતા. માણસો સાદ પાડી ઊઠ્યા : “શું થયું છે, પ્રભુ? ઘંટ શીદને વગાડો છો?” “જરા આંખો તો ઊંચી કરો!” સંતે ઉત્તર આપ્યો. “જુઓ તો ખરા ચંદ્ર સામે! ચાંદની કેવી ખીલી છે!”