સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દેવદૂત અને સાંઈ


નાના એવા સંત હતા. લાંબી અને સુખી આવરદા ભોગવી ચૂક્યા હતા. આશ્રમના રસોડામાં બેઠા બેઠા એક દિવસ ઠામવાસણ માંજતા હતા, ત્યાં આસમાનમાંથી દેવદૂત આવ્યો. “ભગવાને મને મોકલ્યો છે,” દૂત બોલ્યો. “સ્વર્ગમાં તમારું સ્થાન ગ્રહણ કરવાનો સમો હવે આવી ગયો છે.” “મારા પરભુએ મને સંભાર્યો તીના સાટુ એનો પારાવાર પાડ માનું,” સંત બોલ્યા. “પણ આંય કણે તો તમે જુઓ છો ને, બાપલા,—ઠામવાસણનો આ મોટો ખડકલો હજી ઊટકવાનો પડ્યો છે. મને નગુણો માનતા નહીં, મારા વાલીડા—પણ આટલો એઠવાડ કાઢી લઉં પછી તમ સંગાથે સ્વર્ગમાં આવું, તો હાલશે?” ફિરસ્તાઓને વરેલી શાણી ને સ્નેહભરી નજરે દેવદૂતે સંતને ઘડીભર નિહાળ્યા. પછી “ઠીક ત્યારે,” કહીને એ અંતરધ્યાન થઈ ગયો. સંત તો એઠવાડ કાઢવાનાં ને બીજાં કેટલાંય કામ એક પછી એક આટોપતા ચાલ્યા. એમાં એક દિવસ બગીચામાં એ નીંદામણ કરતા હતા ત્યાં, વળી પાછો દેવદૂત આવીને ઊભો રહ્યો. હાથમાં ખરપડી વડે સંતે એને બાગની બધી ક્યારીઓ ચીંધાડી: “જોયું ને, આ કેટલું નીંદામણ હજી બાકી છે! સ્વર્ગમાં આવવાનું હજી લગરીક પાછું ઠેલાય, તો વાંધો નહિ આવે ને, વીરા?” ફિરસ્તાએ સ્મિત વેર્યું, અને વળી એ અદૃશ્ય થયો. સંતનું નીંદામણ અંતે પૂરું થયુ,ં એટલે પછી એ પીંછડો લઈને ગમાણને ધોળવા બેઠા... એમ એક એક કામ પૂરું થાય, ત્યાં બીજાં બે પર એમની નજર પડતી રહે. દિવસો ક્યાં વયા જાય છે એની ખબર પણ ન પડે... એમાં એક દિવસે એ દવાખાને રોગીઓની માવજત કરતા હતા. તાવલેલા એક દરદીને શીતલ જળ પાઈને એ ઊભા થાય છે, ત્યાં તો પરમેશ્વરનો ખેપિયો સામે ઊભેલો જોયો. આ વેળા તો કશું બોલવાને બદલે થાકેલા સંતે માત્ર પોતાના મસ્તકે હાથ મૂક્યો. કરુણાભરેલી એમની આંખોએ ચોમેર પડેલાં રોગગ્રસ્ત નરનારીઓની ઉપર ફિરસ્તાનાં ચક્ષુઓને ફેરવ્યાં... એક હરફ પણ ઉચ્ચાર્યા વગર દેવદૂત ગાયબ થઈ ગયો. દિવસ આથમ્યા પછી સંત પોતાની કુટિરમાં પાછા ફર્યા, એક સાદડી પર આડા પડ્યા ત્યારે એને પેલા ફિરસ્તાના અને વારંવાર પોતે એને કરેલા વાયદાઓના વિચાર આવવા લાગ્યા. એકાએક, કેટલાંય વરસોનો બુઢાપો ને થાક એને આજ વરતાવા લાગ્યા, અને એ ગણગણ્યા: “હે મારા રામ! તારા ખેપિયાને હવે તારે પાછો મોકલવો હોય, તો મને લાગે છે કે એની સાથે ચાલી નીકળવાને હવે હું તૈયાર થઈ ગયો છું...” એમનાં વેણ પૂરાં થયાં—ન—થયાં ત્યાં તો અંતરીક્ષમાંથી ઊતરીને દેવદૂત એમની સન્મુખ ઊભેલો દેખાયો. “ભાઈ, હજીયે જો તારે મને લઈ જવાનો મોખ હોય,” સંત હળવે સાદે બોલ્યા, “તો સ્વર્ગમાં મારા ઠામે બેસવાની હવે મારી તૈયારી છે.” ફિરસ્તાઓની એ જ શાણી ને સ્નેહભરી દૃષ્ટિ કરીને દેવદૂતે એ નાના સંતને વળી પાછા નિહાળ્યા, ને એ બોલ્યો, “ત્યારે અત્યાર લગી તમે બીજે ક્યાં હતા, સાંઈ?” [‘રીડર્સ ડાઇજેસ્ટ’ માસિક]