સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/નરકવાસીઓની સેવામાં


પશ્ચિમ યુરોપના નાનકડા દેશ બેલ્જીઅમના એક નાના ગામમાં એક ખેડૂતને ઘેર જોસેફ ડેમિયનનો જન્મ થયો હતો. નાનપણમાં માતા પાસેથી એણે સંતોના જીવનની વાતો સાંભળેલી. કિશોર જોસેફને ગામના એક સુથાર સાથે દોસ્તી થઈ અને એ સુથારીકામ શીખ્યો. ગામના કબ્રસ્તાનની દેખભાળ રાખતા સુથાર-મિત્રા સાથે જોસેફ ત્યાં કબરો ખોદવા જતો. મૃતદેહ માટેનાં લાકડાનાં કફન બનાવતાં પણ એને આવડી ગયું. ભણતાં ભણતાં જોસેફનું મન ધાર્મિક જીવન તરફ ખેંચાવા લાગ્યું. એના મોટા ભાઈ પાદરી બનવા ઊપડી ગયા હતા. અને ૧૯ વરસની ઉંમરે તેણે પણ સાધુજીવન સ્વીકારી લીધું. હવે તે બ્રધર જોસેફ બન્યો. એ જમાનામાં યુરોપના લોકો પેસિફિક મહાસાગરમાં નવા નવા ટાપુઓની શોધ કરીને ત્યાં વસવાટ કરવા માંડેલા. ત્યાંના આદિવાસીઓની સેવા માટે ગયેલા પાદરીઓની વાત સાંભળીને આ નવાસવા સાધુને પણ ત્યાં પહોંચી જવાનો ઉમળકો થતો. એવામાં હવાઈ ટાપુના બિશપ તરફથી થોડા જુવાન સેવકોની માગણી કરતો પત્રા આવ્યો. તેના જવાબમાં ૨૩ વરસનો એ જુવાન ૧૮૬૩માં કુટુંબીજનો અને વતનની વિદાય લઈને હવાઈ ટાપુ ભણી જતા જહાજ પર ચડયો. ૧૮૫૩માં રક્તપિત્તનો રોગ યુરોપથી હવાઈ સુધી પહોંચેલો ને દસ વરસમાં તો એ ટાપુઓ પર ખૂબ ફેલાઈ ગયો હતો. એ ચેપી રોગનો વધુ ફેલાવો અટકાવવા માટે હવાઈની સરકારે રક્તપિત્તના ૧૪૦ રોગીઓને ભેગા કરીને મોલોકોઈ નામના ટાપુ પર હડસેલી દીધા. પતિયાંઓને બાદ કરતાં એક પણ સાજો માણસ ત્યાં મળે નહીં. એટલે જીવનથી કંટાળેલાં ને નિરાશા અનુભવતાં પતિયાંઓની એ વસાહત વ્યસન, ચોરી, મારામારી, વ્યભિચાર વગેરેનું ધામ બની ગઈ. રોજ પતિયાંનાં મરણ થાય, પણ એમને દાટનારેય કોઈ મળે નહીં. હવાઈના પાટનગર હોનોલુલુમાં વસતા બિશપ એ પતિયાંઓની સેવા માટે કાંઈક વ્યવસ્થા કરવા માગતા હતા. પણ સરકારી કાયદો એવો હતો કે બહારથી કોઈ પણ માણસ મોલોકોઈ ટાપુ પર એક વાર પગ મૂકે, પછી એ ત્યાંથી પાછો ન ફરી શકે. આમ છતાં જોસેફ ડેમિયને પતિયાંની સેવા માટે ત્યાં જવાનું બીડું ઝડપ્યું. ૧૮૭૩માં એને કિનારે ઉતારીને બિશપ પાછા ફર્યા પછી મનુષ્યોનું જે ટોળું ડેમિયનને વીંટળાઈ વળ્યું તેમાં કેટલાંકને આંખને સ્થાને પરુ ઓકતાં બાકોરાં હતાં, કેટલાંકને નાકને બદલે ભયાનક દુર્ગંધ ફેલાવતાં કાણાં હતાં, કોઈના હાથનાં આંગળાં ખરી ગયાં હતાં, કોઈના પગ ઠૂંઠા હતા...... નરકના એ નિવાસીઓની સેવામાં ફાધર ડેમિયને એ ટાપુ પર ૧૬ વરસ ગાળ્યાં. એમની એકલે હાથે ચાકરી કરી, એમનાં ખોરાક-પાણીની વ્યવસ્થા કરી, એમને માટે ઘરબાર બાંધ્યાં, અને જે મરી જાય તેને માટે કફનપેટી બનાવવાનો રિવાજ એ ટાપુ પર દાખલ કર્યો. નાનપણમાં પોતાના ગામના સુથાર પાસેથી લીધેલી તાલીમ અહીં તેને કામ લાગી. એ વરસો દરમિયાન બેએક હજાર કફનપેટીઓ તેણે બનાવી હશે. પણ એ બધી સેવાને પરિણામે, બાર વરસને અંતે ફાધર ડેમિયનને પણ રક્તપિત્ત લાગુ પડયો... એક પછી એક અંગને એણે દંશ દેવા માંડયા અને ૧૮૮૯માં મોલોકોઈ ટાપુ પરથી ફાધર ડેમિયનનો આત્મા સ્વર્ગપંથે પળ્યો.