સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બધી રીતે તકલીફ


આ સામયિક ચલાવવું એ કોઈ મનોરંજનની બાબત નથી… અમે ટુચકા છાપીએ તો વાચકો કહે છે કે, તમે મૂર્ખ છો; અને ટુચકા ન છાપીએ તો કહે છે કે, તમે વધુ પડતા ગંભીર છો. બહારથી આવતી કૃતિઓ અમે ન છાપીએ તો કહેવાય છે કે, તમને પ્રતિભા પારખતાં આવડતું નથી; અને અમે એવી કૃતિઓ છાપીએ તો સામયિકમાં કચરો છપાય છે એમ કહીને નાકનું ટીચકું ચડાવાય છે. કોઈની કૃતિને મઠારીએ તો અમે જરૂર કરતાં વધારે ભૂલો શોધનારા કહેવાઈએ છીએ; અને કૃતિને મઠારીએ નહિ તો કહેવાય છે કે, તમે તે સંપાદન કરો છો કે ઊંઘો છો? બીજાં સામયિકોમાંથી લઈને અમે કૃતિઓ છાપીએ તો કહેવાય છે કે, તમે આળસુ છો અને જાતે લખવાથી બચવા માંગો છો. અમે જાતે લખીએ તો અમારા પર એવો આરોપ મઢવામાં આવે છે કે, તમને માત્ર તમારું જ લખાણ પસંદ પડે છે! હવે કદાચ કોઈ કહે કે આ કૃતિ અમે બીજા સામયિકમાંથી લીધી છે — તો હા, લીધી છે! [ઇંગ્લેંડના માસિક ‘કુરિયર’ પરથી અનુવાદિત : ૧૯૭૮]