સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બેગમ સાહેબાને જવાબ
૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટે હિંદના ભાગલા પડ્યા તેની સાથે પાકિસ્તાનના પૂર્વ બંગાળ પ્રાંતમાં મુસ્લિમ લીગની સરકાર સત્તા પર આવી. તેના મુખ્ય પ્રધાન નઝીમુદ્દીન પર ગાંધીજીએ કલકત્તાથી એક પત્રા લખેલો ને હાથોહાથ પહોંચાડવા પોતાના મંત્રી પ્યારેલાલને આપેલો. તેમને મળીને પછી પ્યારેલાલજી નોઆખાલીમાં પોતાનું શાંતિકાર્ય આગળ ચલાવવા પહોંચી ગયેલા. નઝીમુદ્દીનમાં તેમણે “એક સજ્જનની પૂરી ખાનદાની” નિહાળેલી. પણ એ મુખ્ય પ્રધાનની “વિરલ પ્રામાણિકતા” વિશે પાછળથી એમને જાણવા મળ્યું નોઆખાલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અબદુલ્લાએ જે કહ્યું તેમાંથી :
“લાંચરુશવત દાબી દેવા માટે વધારે સત્તાની મેં માગણી કરી ત્યારે મુખ્ય પ્રધાને કહ્યું કે, મારા પોતાના ઘરની ઝડતી લેવાની અને કોઈ પણ બદી માટે હું ગુનેગાર માલૂમ પડું તો મારી ધરપકડ કરવાની તમને પૂરેપૂરી સત્તા છે. અમારી વાત ચાલતી હતી તે જ વખતે તેમના ટેબલ પરના ટેલિફોનની ઘંટડી વાગી. એ તેમનાં બેગમનો ફોન હતો. ‘આજે તો ઈદનો તહેવાર છે. થોડી વધારે ખાંડ ને લોટ મોકલવાની ગોઠવણ તમે ન કરી શકો?’ જવાબમાં મુખ્ય પ્રધાન બોલ્યા : ‘અહીં મારી સામે અબદુલ્લા બેઠા છે. હમણાં જ હું તેમને કહેતો હતો કે, મારા ઘરની પણ ઝડતી લેવાની અને કશું વાંધા ભરેલું માલૂમ પડે તો મારી ધરપકડ કરવાની તમને પૂરી સત્તા છે. એટલે માપબંધીના નિયમનો જરા સરખોય ભંગ થશે તો અબદુલ્લા આપણી ખબર લઈ નાખશે!’ ઈદ અંગેની બેગમ સાહેબાની માગણીનો આવો રકાસ થયો હતો.”