સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ભાગ્યશાળી!


આફ્રિકાના જંગલમાં દીનદુખિયાંની સેવા કાજે જિંદગી ગુજારનાર આલ્બર્ટ શ્વાઈત્ઝરની હૉસ્પિટલની મુલાકાતે એ આફ્રિકન સંસ્થાનના યુરોપીઅન ગવર્નર જનરલ એક વાર આવવાના હતા. તે વખતે એક સાથીએ હિંમત કરીને કહ્યું, “ડૉક્ટર સાહેબ, આપ આ કાળી નેકટાઈ પહેરો છો તે હવે સાવ જરી ગઈ છે, હોં!” “હા,” ડૉક્ટર બોલ્યા, “પણ તેનું કારણ મને સમજાતું નથી. એને લીધાને હજી તો માંડ અઢાર વરસ થયાં હશે, ને તે ય હું તો મરણપરણનો કોઈ અવસર હોય ત્યારે જ ડોકમાં ઘાલું છું!” “શું — અઢાર વરસથી!” સાથીએ આભા બનીને સવાલ કર્યો. “તે શું તમારી પાસે બીજી એક નેકટાઈ પણ નથી?” “એ તો હું એટલો ભાગ્યશાળી કે બીજી નથી,” ડૉક્ટરે સમજાવ્યું. “મારા પિતા પાસે બે-બે નેકટાઈ હતી, અને મને બરાબર સાંભરે છે કે — બેમાંથી કઈ સારી લાગે છે તેની કાશ અમારા ઘરમાં કાયમ ચાલતી!”