સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સાટું!


એક અમેરિકન મહાનગરના પુસ્તક-ભંડારમાં એક કૂતરો આંટા મારતો હતો. એના ગળામાં પાટિયું મારેલું હતું : “વેચવાનો છે.” દુકાનમાં છાપાં વેચતા છોકરાને એક કાયમી ઘરાકે કૂતરાની કિંમત પૂછી. “પચાસ હજાર.” છોકરાએ જણાવ્યું. “શું? એ તો ગજબ કહેવાય!” ઘરાક બોલી ઊઠ્યા. “પચાસ હજારની કિંમતનો કૂતરો તો કોઈ દી સાંભળ્યો નથી.” “હું તો એના પચાસ હજાર લેવાનો છું!” છોકરો બોલ્યો. માથું ધુણાવતા ઘરાક ચાલ્યા ગયા. થોડાં અઠવાડિયાં પછી એમણે જોયું, તો દુકાનમાં પેલો કૂતરો ન મળે. “કેમ અલ્યા,” એમણે છોકરાને કહ્યું, “તેં તો કૂતરો વેચી નાખ્યો લાગે છે!” “હો...વે.” છોકરો બોલ્યો. “તેં ધારી’તી એટલી કિંમત તેની મળી કે?” “હો...વે.” “પચાસ હજાર?!” “હો...વે. પચી-પચી હજારની બે બિલાડી સાથે એનું સાટું કરી નાખ્યું એ તો!”