સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સુસ્વરલક્ષ્મી
વિખ્યાત શાસ્ત્રીય ગાયક બડે ગુલામઅલીખાં સાહેબે જેમને ‘સુસ્વરલક્ષ્મી સુબ્બુલક્ષ્મી’ નામથી ગૌરવાન્વિત કર્યાં હતાં તે એમ. એસ. સુબ્બુલક્ષ્મી સંગીતક્ષેત્રમાં પારસમણિ ગણાયેલાં. સુબ્બુલક્ષ્મી આજીવન સંગીત શીખતાં જ રહ્યાં. અનેક ભાષાઓમાં તેમણે શાસ્ત્રીય ગાયન રજૂ કર્યું છે અને તેમ કરતી વેળાએ સ્વર અને રાગની શુદ્ધતા સાથે જે તે ભાષાની શુદ્ધિ પર પણ તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
રમ્યમનોહર વ્યકિતત્વ ધરાવતાં આ વિશ્વવિખ્યાત સંગીતકારનું જીવન સુરુચિપૂર્ણ અને લાલિત્યસભર હતું, સાદાઈ અને સ્વભાવની સરળતાથી ભરપૂર હતું. સાથોસાથ માનવતા, ત્યાગ અને કરુણાથી પણ તે મંડિત હતું. શારીરિક સૌંદર્ય ઉપરાંત ચિત્તની આંતરિક પ્રસન્નતાને કારણે સુબ્બુલક્ષ્મી બધાને મોહિત કરવાનું અપાર સામર્થ્ય ધરાવતાં હતાં.
[‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૫]