સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“એક દી ગરીબનું સ્વરાજ લાવશું!”
૧૯૧૯માં જન્મેલા ઝીણાભાઈ દરજીએ જિંદગીની શરૂઆત પોતાના ગામ વ્યારા(જિ. સુરત)માં હાઈસ્કૂલના શિક્ષક તરીકે કરેલી. આઝાદીની ચળવળના રંગે રંગાયા પછી લોકસેવાનાં કામ કરવા માટે, પચીસી પૂરી કરતાં પહેલાં, નોકરી છોડી દીધી. ૧૯૫૬માં વ્યારા શહેર સુધરાઈના પ્રમુખ ચૂંટાયા ત્યારે લોકોનાં ઘરનાં જાજરૂમાં મળ માટે વાંસની ટોપલીઓ રહેતી, તેનાથી સફાઈ કામદારોને નરકનો અનુભવ થતો. તેને બદલે નાગરિકો પતરાના ડબા પૂરા પાડે, એવો નિર્ણય ઝીણાભાઈએ લીધો. તેનો ઘણો વિરોધ થયો, પણ તે ન ડગ્યા. સફાઈ કામદારનો પગાર મહિને રૂ. ૧૦ હતો તે વધારીને ઝીણાભાઈએ રૂ. ૭૦ કરી દીધો, તે પણ સવર્ણોને ખટક્યું. ત્યારે ઝીણાભાઈએ જાહેરાત કરી કે જે કોઈ સવર્ણ વ્યકિત સફાઈ કામદારની નોકરી કરશે તેને બમણો પગાર, એટલે કે રૂ. ૧૪૦, મળશે. એ પડકાર ઝીલનારું કોઈ નીકળ્યું નહીં, ને વિરોધીઓ મૂંગા થઈ ગયા.
એ જમાનામાં વાળંદ ભાઈઓ દલિતોની હજામત કરે નહીં. એટલે ઝીણાભાઈએ નક્કી કરેલું કે દલિતના વાળ કાપે તે વાળંદની દુકાને જ પોતાના વાળ કપાવવા, હજામત કરાવવી. પછી સુધરાઈના પ્રમુખ થયા ત્યારે દલિતોના વાળ કાપવાની સૂચના બધા વાળંદોને આપી. એટલે એ લોકો દુકાન બંધ કરીને બીજે ગામ જતા રહ્યા. વાળંદ પણ આખરે તો ગરીબ જ ને? એમની ઉપર જબરદસ્તી ન થાય. એમને સમજાવીને પાછા લઈ આવ્યા. વચલા રસ્તા તરીકે ખાદી ભંડારમાં હજામત કરાવવાનું ગોઠવ્યું. બહારગામથી એક વાળંદભાઈ આવે, એ ત્યાં પહેલાં દલિતોના વાળ કાપે પછી ઝીણાભાઈ અને એમના સાથીઓ કપાવે.
દલિત અને આદિવાસી યુવાનોના પ્રવાસ ઝીણાભાઈ ગોઠવતા. એક વાર બધાને પાલીતાણા લઈ ગયેલા. ડુંગર ચડીને મંદિરમાં જતા હતા, ત્યાં દલિતો સાથે હોવાથી સૌને રોકવામાં આવ્યા. ત્યારથી ઝીણાભાઈએ કોઈ પણ મંદિરમાં ન જવાનો નિર્ણય કર્યો, જે જીવ્યા ત્યાં સુધી પાળ્યો.
૧૯૬૩માં સુરત જિલ્લા પંચાયતના પ્રમુખપદે ઝીણાભાઈ આવ્યા. જિલ્લામાં પ્રવાસે નીકળે ત્યારે પ્રમુખને જે ઘેરથી જમવાનું નિમંત્રણ મળે તેને કહી રાખે કે, તમારા જ ગામનો દલિત મારી સાથે આવશે; તેને જમાડવાના હો તો જ હું આવીશ.
ઇન્દિરા ગાંધી બીજી વાર વડા પ્રધાન બન્યાં ત્યારે ૨૦ મુદ્દાના કાર્યક્રમના અમલ અંગે ભારત સરકારે એક સમિતિ રચીને ઝીણાભાઈને તેના પ્રમુખ નીમેલા. તે વખતે સોમનાથ મંદિર સાથે સંકળાયેલા કેટલાક લોકો તેમને મળવા આવ્યા; કહે, મંદિરની નજીક માછલીની દુર્ગંધ આવે છે, મંદિર અપવિત્ર થાય છે, માટે તે બંધ કરાવો. એમને પૂછ્યું, “મંદિરમાં કેટલા માણસને રોજી આપો છો?” પેલા કહે, એમાં રોજીનો સવાલ ક્યાં છે? આ તો મંદિર છે. ઝીણાભાઈએ એમને સમજાવ્યું કે, “માછલાં પકડવાના ધંધામાં કેરળની ૨૦,૦૦૦ કન્યાઓને રોજી મળે છે, એમને બેહાલ કેમ કરી શકાય? તમને ત્યાં ન ફાવતું હોય, તો મંદિર બીજે ખસેડો!”
એનું જીવનકાર્ય અખંડ તપો,
અમ વચ્ચે બાપુ અમર રહો...
જુગતરામ દવેનું એ ગીત ઝીણાભાઈ ભાવવિભોર બનીને ગાતા. એમના બુલંદ કંઠે ગવાયેલું કુલીન પંડ્યાનું આ ગીત પણ અનેક લોકોને સાંભળવા મળ્યું હશે:
બઢે જ સૌ જશું, કદી ન થોભશું;
એક દી ગરીબનું સ્વરાજ લાવશું.
પડ્યા ભલે, લૂછીને લોહી આગલું કદમ ભરો;
જાનની ફનાગીરી જ આપણું નસીબ હો!
દુ:ખના ભલે તૂટે અમારે શિર ડુંગરો,
ગીત હો મુખે ને ઉરે ઉછાળ ધ્યેયનો!
૮૫ વરસનું દીર્ઘ જીવન ઝીણાભાઈએ અન્યાય સામે, અસમાનતા સામે નિરંતર બંડ ઉઠાવવામાં વિતાવ્યું. પહેલી સપ્ટેમ્બરે વ્યારામાં એમની સ્મશાનયાત્રા નીકળી ત્યારે, ભીખુભાઈ વ્યાસ કહે છે તેમ, ઝીણાભાઈએ જિંદગીભર સેવેલાં કેટલાંક મૂલ્યોનું ઝમણ થતું જોવા મળ્યું. ફૂલનો હાર કે ફૂલ પણ પોતાના સ્વાગતમાં ઝીણાભાઈ કદી સ્વીકારતા નહીં, તે યાદ રાખીને એમના મૃતદેહ પર પણ કોઈએ ફૂલ ચડાવેલાં નહીં; કેટલાકે સૂતરની આંટી ચડાવેલી. બીજી નોંધપાત્ર વાત એ કે તે દિવસે વ્યારામાં હડતાલ નહોતી પડી. ચિતાની જ્વાલાઓમાંથી જાણે કે ઝીણાભાઈના ગાનના પડઘા ઊઠતા હતા: એક દી ગરીબનું સ્વરાજ લાવશું, બઢે જ સૌ જશું, કદી ન થોભશું! [‘નયા માર્ગ’ અને ‘ભૂમિપુત્ર’ પખવાડિકો: ૨૦૦૪]