સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“હું શું કરું?”
“મારે જે કાંઈ કરવું હોય તે કરી શકું તેમ હોઉં, તો હું શું કરું?” — એ વિષય પર સોવિયેત સંઘના ચોથા ધોરણના નિશાળિયાઓ પાસે નિબંધ લખાવવામાં આવેલો. તેમાંથી કેટલાક નિબંધો સોવિયેત બાળકોના અખબાર ‘પિયોનેરસ્કારા પ્રાવદા’માં પ્રગટ થયેલા, તેના થોડા અંશો આ રહ્યા :
૧. હું એક એવી દવા બનાવું, જેનાથી લોકો આજના કરતાં ત્રાણ-ચાર ગણું લાંબું જીવી શકે.
૨. હું ખૂબ મકાનો બાંધું, જેથી બધાંને રહેવા માટે ઘર મળી રહે.
૩. હું પહાડોમાં આઘે-આઘે જઈને નવીનવી ખાણો શોધી કાઢું.
૪. હું બાલમંદિર ચલાવું, બધાં બાળકોને વિમાનમાં બેસાડીને દરિયો દેખાડવા લઈ જાઉં.
૫. જગતના જે દેશના લોકો હજી ગુલામ છે તેમને સ્વતંત્રા બનાવવા હું મારી બધી શક્તિ ખર્ચી નાખું.
૬. મારે જે કરવું હોય તે થઈ શકે તેમ હોય તો યે હું બીજું કાંઈ નહીં — અત્યારે જે કામ કરું છું તે જ કરું. અત્યારે મારું કામ ભણીગણીને હોશિયાર બનવાનું છે, જેથી મારા દેશને હું વધુમાં વધુ ખપ લાગી શકું.
૭. આપણા આખા ઠંડા મુલકમાં બધે જ સૂરજનો પ્રકાશ ખૂબ મળી રહે, એવું હું કરું.
૮. મારી પાસે ઈલમની લકડી હોય તો મારો ખાસ ભાઈબંધ અભ્યાસમાં બેદરકાર રહે છે તે ભણવામાં બરોબર ધ્યાન આપે એવું કાંઈક કરું.
૯. દક્ષિણ ધ્રુવમાં આટલો બધો બરફ છે તે ઓગાળી નાખે એવાં યંત્રો હું બનાવું, જેથી લોકો ત્યાં જઈને જોઈએ તેટલી જમીન પર ખેતી કરી શકે; અને અન્ન એટલું બધું પેદા થાય કે કોઈને પેટ ભરવા માટે પૈસાની જરૂર પડે નહીં.
૧૦. બીજા ગ્રહો સુધી માણસોને લઈ જઈ શકે એવાં રૉકેટ હું બનાવું; એ ગ્રહો પર કોઈ માનવી વસતાં હોય તો તેમની સાથે પણ દોસ્તી બાંધું.
૧૧. મોટી થઈને શિક્ષિકા બનીને હું આ જ નિશાળમાં પાછી આવીશ અને દુનિયાના બધા દેશોનો ઇતિહાસ ભણાવીશ.
૧૨. નિશાળમાં ભણી લીધા પછી મારો વિચાર બે-ત્રાણ વરસ કોઈ કારખાનામાં કામ કરી જોવાનો છે, જેથી મને ખબર પડે કે મજૂરોને કેવી મહેનત કરવી પડે છે. પણ સાથે સાથે રાત્રીશાળામાં મારો અભ્યાસ તો હું ચાલુ રાખવાનો જ.
૧૩. હું ગોવાળિયો થાઉં ને નાનાં વાછરડાંને ખૂબ સાચવું.
૧૪. એક આખું વરસ હું આપણા દેશમાં ફરતી ફરું અને રાષ્ટ્રપિતા લેનિન જીવતા હતા ત્યારે જે જે લોકો તેમના પરિચયમાં આવેલા તે બધાને મળીને તેમની પાસેથી લેનિન વિશે ઘણી ઘણી વાતો સાંભળું અને મારી નોટમાં તે ઉતારી લઉં.
૧૫. ચોપડીઓની દુકાનમાં જઈને બધાં સારાં સારાં પુસ્તકો હું વાંચી નાખું.