સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રભુદાસ ગાંધી/ભજનનું ભાતું
દિવસે ને દિવસે અમારે ત્યાંનું આખું વાતાવરણ ઊપડવાની તૈયારીનું થતું જતું હતું. ક્યારે ઊપડીશું અને કઈ દિશાએ ઊપડીશું, એ કોઈ કહી શકતું ન હતું. દેશ જવાની મોટી મોટી ઉમેદો અમારા મનમાં હતી. અને જેલ જવાનીયે હોંશ ઓછી ન હતી. કઈ ઘડીએ કયો હુકમ મળે છે એ સાંભળવાને અમારા કાન સળવળી રહ્યા હતા. ઐ મુસાફિર, કૂચકા સામાન કર, ઈ સ જહાં મેં હૈ બસેરા ચંદ રોજ..... એ નઝીરની કડીઓ અમે હાલતાંચાલતાં એકબીજાને સંભળાવતા. ફિનિક્સના તબેલામાં બધાયે ઘોડા હણહણી રહ્યા હતા. અનેક દિવસની ચર્ચાઓ પછી હું અટકળ બાંધી શક્યો કે અમારા ઘરમાંથી બધાં જ જાય એવી વાત ચાલે છે, અને બધાં વડીલો જતાં રહે તો અમ બાળકોની શી દશા થાય તે ફિકર એ બધાંને કોરી રહી છે. બાપુજીની સત્યાગ્રહની લડત તો છ-સાત વરસથી ચાલુ હતી, પણ સ્ત્રી-સત્યાગ્રહીનો ઇતિહાસ હજુ નોંધાયો ન હતો. પરંતુ હવે દક્ષિણ આફ્રિકાની સરકાર તરફથી હિન્દુસ્તાની ઢબનાં લગ્ન ફોક કરનારા કાયદાનો અણધાર્યો હુમલો થયો હતો. એ ભયાનક માનભંગનો જવાબ તો બહેનો આપે એ જ શોભે એમ હતું. એટલે સત્યાગ્રહના ઇતિહાસમાં અપૂર્વ એવો નવો આરંભ કરવાનો હતો. એક બપોરે મારી બાએ મને પાસે બોલાવી, ખોળામાં બેસાડી, માથે હાથ ફેરવતાં પૂછ્યું, “પ્રભુ, અમે જેલ જઈએ તો પછી આ નાનાં ભાઈબહેનોને તું સંભાળીશ ને?” “પણ બા, મને જેલ જવાનું ક્યારે મળશે?” “હજુ તો તું નાનો છે. તને બારમું વરસેય શરૂ નથી થયું. ચાર વર્ષ પછી તું યે અમારી સાથે જેલમાં આવજે. ત્યાં સુધી આ નાનાં ભાઈબહેનોને સંભાળજે. એમને ખવડાવજે, પથારી કરી દેજે, નવડાવી ને કપડાં પહેરાવજે, જેથી અમને યાદ કરીને એ રુએ નહીં.” એક દિવસ જનરલ સ્મટ્સનો ત્રાણસો શબ્દોનો તાર આવી પહોંચ્યો. બાપુજીએ એ વાંચ્યો અને લડત શરૂ કરી દેવાનું નક્કી કરી નાખ્યું. પ્રાર્થના પછી મારી બા પાસે ‘વૈદર્ભી વનમાં વલવલે, અંધારી છે રાત’ એ પદ ગવડાવ્યું. પછી બાપુજીએ કહ્યું : “હવે જેલ જવાનો દિવસ આવી પહોંચ્યો છે. જેલ જવું એ રમતવાત નથી. આખો દિવસ પથરા ફોડવા પડશે. કઠણ જમીન તીકમથી ખોદવી પડશે. ખાવામાં બહુ વેઠવું પડશે. ઉપવાસ કરવાના પ્રસંગો પણ આવ્યા વિના નહીં રહે. અને ઉપવાસ કરતાં છતાં મજૂરી કરવાની ના નહીં પડાય. શરીર બેભાન થઈ પડી જાય ત્યાં સુધી કામ કરવાનું છોડી શકાશે નહીં જ. જેટલો વિચાર કરવો હોય એટલો આજે કરી લો. જેલમાં ગયા પછી ત્યાંનાં દુઃખ ન સહેવાય અને આંખમાં આંસુ આવે, તેના કરતાં આજે ન જવું એ જ સારું.” ૧૯૧૩ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખ હતી. સોમવારનો દિવસ હતો. જગતના ઇતિહાસનું દિવ્ય પાનું ઊઘડયું હતું. આપેલાં વચનોને પગ તળે કચડી નાખી, દક્ષિણ આફ્રિકાની સરકાર ચપટીમાં આવેલા ચાંચડની જેમ હિન્દી કોમને ચોળી નાખવા તૈયાર હતી. હિન્દીઓને લડાઈ આપ્યા વિના છૂટકો ન હતો. ગમે એટલાં સંકટ ઝીલીને ભારતમાતાનું નાક સાચવવાનો હિન્દીઓએ નિરધાર કર્યો હતો. એ દિવસે હું વધારે વહેલો ઊઠયો અને ઊઠતાંની સાથે મારી ટેવ પ્રમાણે ચોમેર ઘૂમી વળ્યો. ફિનિક્સનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. બધાં પ્રવાસીઓ ઉમંગભેર ગાંસડા-પોટલાં બાંધવામાં રોકાયેલાં હતાં. બાપુજી રસોડામાં ઊભે પગે હતા. કસ્તુરબા અને મારી બાની હાજરી વિના રસોડું ખાલી લાગતું હતું. મગનકાકા રોટલીના મોટા પિંડાને પહોંચી વળવા બાપુજીની મદદમાં હતા. લડવૈયાઓને સારુ ઘરનું એ છેલ્લું ભોજન હતું. એટલે જમવાનો ઘંટ વાગતાં સુધીમાં બાપુજીએ જાતજાતની રસોઈ તૈયાર કરી દીધી. રોટલી, ખીર, મસાલેદાર શાક, કચુંબર, ખજૂરનો રસ, કઢી-ભાત વગેરે વાનીઓ આજે ય મારી નજર સામે તરે છે. હોંશે હોંશે બાપુજીએ સૌને તે દિવસે પીરસ્યું. મધ્યાહ્ન પહેલાં આનંદપૂર્વક એ ભોજન પૂરું થયું. પણ ભાણેથી ઊઠતાંની સાથે એકાએક ચોમેર ગંભીરતા છવાઈ ગઈ. બે વાગતાં બધાંનાં બિસ્તરાં-પોટલાં ઠેલામાં ખડકાઈ રવાના થઈ ગયાં. પછી સૌ બાપુજીના છેલ્લા આશીર્વાદ લેવાને ભેગાં થયાં. પોતાની શાંત, ગંભીર અને મીઠી વાણી વડે બાપુજીએ બધાંને વીરરસથી ભરી મૂક્યાં : “જોજો! લાજ રાખજો. અત્યારે જેવા ઉત્સાહ અને આનંદમાં છો એવા જ ઉત્સાહ અને આનંદમાં, ગમે તેટલું દુઃખ આવી પડે તોયે રહેજો. માથે દુઃખ આવી પડતાં જેલમાં બુદ્ધિ હાથમાં નહીં રહે ત્યારે તમને થશે કે, આપણે શા સારુ બીજા માટે દુઃખ ભોગવીએ છીએ? પણ એવા વિચાર આપણને છાજે નહીં. આપણે ઘણી વાર નરસિંહ મહેતાનું પદ ગાઈએ છીએ, એમાં પહેલી વાત જ એ છે ને કે પર— દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે, એ વૈષ્ણવજન. આપણામાંથી ઘણાના ગળામાં કંઠી છે. આપણે વૈષ્ણવ જન્મ્યા છીએ. આપણો ધર્મ છે કે પારકાંને દુઃખે દુઃખી થવું. બીજાના દુઃખે દુઃખી થવા સિવાય, એમના કષ્ટમાં ભાગ લીધા સિવાય, આપણે વધુ કંઈ નથી કરી શકતા. પારકાનું તો શું, પણ આપણા સગા ભાઈનું યે દુઃખ દૂર કરવું એ આપણા હાથની વાત નથી. દુઃખ દૂર તો ઈશ્વર કરે છે. “ભરતજી નંદિગ્રામ શા માટે જઈને રહ્યા હતા? એમને અયોધ્યામાં શું દુઃખ હતું? પણ રામ વનવાસનાં દુઃખ સહે ત્યારે એનાથી કેમ નિરાંતે સેજ પર સૂઈ શકાય? જ્યારે મનમાં સહેજ પણ શંકા આવે ત્યારે, આપણે રોજરોજ ‘રામાયણ’માં વાંચ્યું છે અને ભજનોમાં ગાયું છે એનો ખ્યાલ કરવો. એટલે અંતરમાં ખૂબ બળ આવશે અને પારકાને દુઃખે હસતે મોઢે મરવામાં પણ તમે પાછી પાની નહીં કરો.” મારી બાએ ભજન ઉપાડ્યું, તેમાં પચીસત્રીસ જણાંનો કંઠ ભળ્યો. વાતાવરણ ધ્રૂજી ઊઠયું. બાપુજીએ છેવટનો આદેશ આપ્યો : “આ ભજનો તમારા ભાતામાં બાંધજો.” થોડી વાર બધે શાંતિ પથરાઈ ગઈ. સૌ જાણે પોતાના ઊંડાણને ભાળતાં બેઠાં હતાં. બાપુજીએ ગંભીરતાનું એ વાદળ વિખેરી નાખ્યું. ત્રાણેક વરસની નાની રૂખીને તેમણે મારી કાકીના ખોળામાંથી લઈ લીધી અને માથી વિખૂટી પડતાં એ રડે નહીં એટલા માટે તેને હસાવવા લાગ્યા. એ જોઈ બધાને ગળે બાઝેલો ડૂમો છૂટી ગયો અને સૌ સ્ટેશને જવા તૈયાર થઈ ગયાં. કલાક સવા કલાકે સ્ટેશને પહોંચ્યાં. થોડી વારે ભકભક કરતું એંજિન પ્લૅટફૉર્મમાં દાખલ થયું ને ડબ્બાઓનો ગડગડાટ કાને પડયો. એ ઘડીએ મારી છાતીમાં ધબકારા થવા લાગ્યા. તરત જ છોકરાઓની ટોળીમાંથી છૂટો થઈને મારી બા તથા પિતાશ્રી ઊભાં હતાં એ તરફ વળ્યો, અને એકી નજરે એમની સામે મેં જોયા કર્યું. ક્ષણભર ધ્રૂજી ગયો. “મા-બાપ જેલમાં જાય છે, હવે પાછાં મળે અને ન પણ મળે,” વગેરે વિચારો વીજળીના ઝબકારાની જેમ ઝબકી જઈને દિલને આંચકો મારતા ગયા. ગળે ડૂમો બાઝ્યો. નીચી આંખે મેં ઝટપટ માબાપ અને બીજાંઓને પગે લાગી લીધું અને ત્યાંથી ખસી ગયો.
[‘જીવનનું પરોઢ’ પુસ્તક]