સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફિલ બોસ્મન્સ/વાતો... પ્રેમ... વૈભવ...

          આજે જેટલી વાતો થાય છે એટલી ક્યારેય થઈ નથી. પોકળતાનો આવો ખળભળાટ ક્યારેય થયો નથી. અર્થહીન શબ્દો લોકોના માથે મારવામાં આવે છે. બધાને જ બોલબોલ કર્યા કરવું છે. બધાને દરેક વસ્તુમાં ડહાપણ ડોળવું છે. કંઈક કહેવાનું તો બહુ ઓછાને હોય છે, કારણ કે બહુ થોડા માણસો મૌન રહી શકે છે અને વિચારવાનો પ્રયત્ન કરી શકે છે.

જગતમાં સ્વતંત્રતા કરતાં પ્રેમનું મૂલ્ય અધિક છે. જે માણસ બધાને પ્રેમ કરે છે એ પોતાની જાતને ભૂલી જાય છે અને પોતાના પર બીજાનો અધિકાર માન્ય રાખે છે, અને આમ કરીને પોતાની સ્વતંત્રતાની લહાણી કરે છે.

તમારો વૈભવ પણ એવો હોવો જોઈએ કે તમારે ત્યાં આવનારને નાનપ ન લાગે, તમારી આગતાસ્વાગતા એ હોંશેહોંશે માણે. તમારો એને કે એનો તમને ભાર ન લાગે.

હે ઈશ્વર! મારી પાસે પૂરતું છે: આકાશમાં સૂર્ય છે. માથા પર છાપરું છે. મારા હાથને કામ મળી રહે છે. ખાવાપીવાની ખેંચ નથી, અને જેમને ચાહી શકું એવા માણસો છે.


(અનુ. રમેશ પુરોહિત)


[‘સુખને એક અવસર તો આપો’ પુસ્તક: ૧૯૯૩]