સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ફ્રેન્ક હોલપીન/કૉફીના એક કપને કારણે
“ફેરિયાને ગાળો બદલ ન્યાયાધીશને દંડ” : ત્રાણ લીટી જેટલા મોટા અક્ષરોના એવા મથાળા હેઠળ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ દૈનિકને પહેલે પાને, રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય મહત્ત્વના બીજા સમાચારોની હરોળમાં, એ બનાવના ખબર છપાયા હતા. તેમાં વાત હતી ન્યૂયોર્કના પરાવિસ્તારની એક અદાલતના ન્યાયાધીશની અને થોમસ નામના ફેરિયાની. ૩૭ વરસના થોમસભાઈ અદાલતની નજીક પોતાની ગાડી ઊભી રાખીને કૉફી ને સેન્ડવિચ વેચવાનો ધંધો કરતા. એક દિવસ ન્યાયાધીશ પોતાની કોર્ટમાં બિરાજેલા હતા. વાહનવ્યવહારના કાયદાના ભંગના ખટલા ચાલતા હતા. તેમાં ન્યાયાધીશે થોમસની ગાડીએથી કૉફી લઈ આવવા એક હવાલદારને મોકલેલો. કૉફીનો ઘૂંટડો ભરતાંની સાથે જ એના સ્વાદ બાબતનો બુલંદ પ્રત્યાઘાત અદાલતમાં સંભળાયો. હવે એમણે હવાલદારની સાથે બે પોલીસને પણ થોમસની ગાડી પર મોકલ્યા. જઈને એમણે સંભળાવ્યું : “જજ સાહેબ બોલાવે છે — કૉફી તો કાળા કોપની છે!” “મશ્કરી કરો છો કે શું, હવાલદાર!” થોમસ બોલી ઊઠયો. પણ પેલાઓ બિલકુલ હસવાના મિજાજમાં નહોતા. ફેરિયાને હાથકડી પહેરાવીને કોર્ટ-ચોગાનમાંથી કૂચકદમ કરાવતા જજની ચેમ્બરમાં હાજર કરવામાં આવ્યો. થોમસની કેફિયત મુજબ, એને જોતાં જ જજ સાહેબ બરાડી ઊઠ્યા : “કૉફીમાં પાણી જ ધબેડયું છે ને!” ૧૯૭૫ના એપ્રિલની એ એક સાંજ હતી. તે પછી લાગટ બાર મહિના સુધી કોર્ટના કર્મચારીઓએ થોમસની ગાડીનો બહિષ્કાર કર્યો, ને અંતે તેને એ ધંધો બંધ કરવો પડયો. પોતાનું અપમાન કરવા બદલ અને આર્થિક નુકસાની બદલ તેણે ન્યાયાધીશ ઉપર દાવો માંડયો. પરિણામે ન્યાયાધીશોની વર્તણૂક અંગેના રાજ્યના પંચ સમક્ષ પ્રથમ તો જજ સાહેબને તેડાવવામાં આવ્યા. ત્યાં ખોટી જુબાની આપવા બદલ પાછળથી હાઈકોર્ટે એ જજને વરસે ચારેક લાખ રૂપિયાના પગારવાળા હોદ્દા પરથી બરતરફ કર્યા. નોકરીમાંથી ફારેગ થઈને એમણે પછી વકીલાત કરવા માંડી. દરમિયાન ફેરિયાએ માંડેલો પેલો ખટલો ચાલ્યો. તેના ચુકાદાને આગલે દિવસે ભૂતપૂર્વ જજ સાહેબ અને તેમની વીમા કંપનીએ ફેરિયાને બે લાખ ડૉલર ચૂકવીને સમાધાન કરવાની તૈયારી બતાવી. પણ હવે સરકારના બેકારી ભથ્થાં પર ગુજારો કરતા થોમસે ના પાડી — સમાધાન નહીં, મારે ન્યાય ખપે. બીજે દિવસે જુરીએ ચુકાદો આપ્યો કે થોમસના નાગરિક અધિકારોનો ભંગ થયો હતો, તેથી જજ અને હવાલદારે મળીને તેને નુકસાનીના ૮૦,૦૦૦ ડૉલર ચૂકવવાના, ઉપરાંત જજે એકલાએ બીજા ૬૦,૦૦૦ અને પોલીસે ૧,૦૦૦ ડૉલર નુકસાનીરૂપે આપવાના. ‘ટાઇમ્સ’ છાપાના પ્રતિનિધિને થોમસે જણાવ્યું કે પ્રતિવાદી તરફથી સમાધાનરૂપે આ નુકસાનીના કરતાં પણ મોટી રકમ મળવાની હતી, તેનો અસ્વીકાર કરવા બદલ પોતાને અફસોસ નહોતો. સત્તાધારીને હાથે જેને અપમાન વેઠવું પડ્યું હોય તેવો સામાન્ય નાગરિક ખંતભેર મથામણ કરે તો અંતે ઇન્સાફ મેળવી શકે છે, તે એને સાબિત કરવું હતું. આ મુલાકાતના અહેવાલની સાથે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં પ્રગટ થયેલી છબીમાં થોમસભાઈ પોતાને ઘેર બેઠાં બેઠાં જુરીના ચુકાદાની ખુશાલી માણતા દેખાતા હતા — બેશક, કૉફીના કપથી સ્તો!
[‘સ્પાન’ માસિક પરથી અનુવાદિત : નવેમ્બર ૧૯૭૭]