સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/મુક્તિમિલન

[૧૫ ઓગસ્ટ, ૧૯૫૦]

મુક્તિમિલન?
આ તે, અહો!
આ તે, કહો, કેવું મિલન?
જે જાગતાં ઝંખ્યું હતું
ને ઊંઘતાં સો સો અજંપે જે સદા ડંખ્યું હતું—
તે આજ જ્યારે આંખ સામે છે છતું
ત્યારે, અરે, સિદ્ધિ તણા આનંદથી
રૂંવું ય કાં ના ફરકતું?
જે માગતા’તા તે મળ્યું,
ખોવાયલું મોતી જડ્યું,
સ્વપ્નું હતું તે સત્ય થઈ જ્યારે ફળ્યું—
ત્યારે, કહો, એવું કશું ઓછું પડ્યું
કે હર્ષથી ના લેશ રે ઉર ઊછળ્યું?
સામે સમંદર ડોલતો
તે શું નર્યો ઝાકળ તણો?
આ બાગ રૂપાળો ખીલ્યો
તે શું બન્યો કાગળ તણો?
ચોપાસ માયાભાસ શો!
ચિતાર જાતો ના સહ્યો આગળ તણો!

ઘેલી મિલનની ઝંખના!
રોળ્યાં રતન કૈં રંકનાં!
હસતે મુખે બેટો વળાવી માવડી
છાને ખૂણે જૈ બે ઘડી લેતી રડી!
પે…લી પડી—
ઠેબે ચડી!-
કો’ કોડવંતી નારની નંદાયલી રે બંગડી!
કેવા હતા એ વાયરા!
વેદી પરે તાજા ઊના
શોણિતની ચાલી હતી કેવી સરા!
ભીની હજી તો છે ધરા!

શું એ બધી લીલા હતી એ એકની?
ને એ જતાં—
નિસ્તેજ પાછાં રે બની
જોઈ રહ્યાં વિમૂઢ શાં સૌ એકબીજાંની ભણી!
પ્યારા વતન!
મૂંઝાયલું પૂછી રહ્યું છે આજ મન :
આ શું ઉદય છે ભાગ્યનો?—
કે આવતું ઘેરું વધુ બીજું પતન?
આરોહણે આ ઊર્ધ્વના
ઊભી થતી ને લથડતી શી ભારતી!
છૂટી જતાં રે ધર્મ કેરી આંગળી
જાણે હિમાળે દ્રૌપદી જાતી ગળી!
તાણી વિજયની સોડ, હા!
સામે પરાજયને ઉશીકે હાંફતું
કારુણ્યનું, રે, કાવ્ય કેવું છે ઢળ્યું!

—ને તે છતાં,
આરંભ કીધી છે હવે જે જાતરા,
સો સો વટાવીને મુસીબત-ડુંગરા
આગે બઢાવ્યે છે જવી.
જે આપણો છે સંઘવી,
તે શ્વાનને યે સાથમાં લીધા વિના
દાખલ થવાની સ્વર્ગમાં પાડી દિયે છે સાફ ના!
તેને વળી શું જંપ કે
પ્હોંચ્યા વિના મુકામ એનો સંઘ આ?
શ્રદ્ધા ભરીને શ્વાસમાં,
આગે બઢીશું હાથ ગૂંથી હાથમાં;
બાહુ પસારીને ઊભો છે તેડતો
એની અનુકંપાભરેલી બાથમાં.